Latest

Friday, November 23, 2018

PM મોદીની જાતિ પૂછીને ઘેરાયા કોંગ્રેસના નેતા, રાહુલના કહેવા પર માફી માગી

PMની જાતિ પૂછીને ઘેરાયા કોંગ્રેસના નેતા


રાજસ્થાનની એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદનની ચારે તરફ ટીકાથી ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સીપી જોશીએ આખરે પોતાના નિવેદન પર માફી માગી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જોશીના નિવેદન પર નિંદા વ્યક્ત કરી હતી અને તેમને માફી માગવા કહ્યું હતું. જણાવી દઈએ કે જોશીએ પોતાના વિધાનસભા ક્ષેત્ર નાથદ્વારામાં એક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉમા ભારતીની જાતિ અને ધર્મ પર સવાલ ઉઠાવીને બન્ને પર પ્રહાર કર્યા હતા. જોશીના નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું અને ભાગલા પાડવાવાળું રાજકારણ વધારવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ જોશીને ખખડાવ્યા


રાહુલ ગાંધીએ જોશીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું, “સીપી જોશીનું નિવેદન કોંગ્રેસ પાર્ટીના મૂલ્યોની વિરુદ્ધમાં છે. પાર્ટીના નેતાઓ આવા નિવેદનથી દૂર રહેવું જોઈએ જેનાથી કોઈ વર્ગને ઠેસ પહોંચે. મને આશા છે કે જોશીજી પાર્ટીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને પોતાની ભૂલનો અહેસાસ કરી રહ્યા હશે. તેમણે પોતાના નિવેદન પર માફી માગવી જોઈએ.”

ટ્વિટર પર જોશીએ માફી માગી


રાહુલ ગાંધીની ટકોર પછી થોડા સમયમાં જોશીએ ટ્વીટ કરીને પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું, કોંગ્રેસના સિદ્ધાંતો અને કાર્યકર્તાઓની ભાવનાનું સન્માન કરીને મારા કથનથી સમાજ કે કોઈ વર્ગને ઠેસ પહોંચી હોય તો તેના માટે માફી માગું છું.

શું કહ્યું હતું સીપી જોશીએ


સીપી જોશીએ ગુરુવારે એક સભા દરમિયાન કહ્યું હતું, “ઉમા ભારતીની જાતિ કોઈને ખબર છે? ઋતુંભરાની જાતિ કોઈને ખબર છે? આ દેશમાં ધર્મ વિશે કોઈ જાણે છે તો પંડિત જાણે છે. અજીબ દેશ થઈ ગયો છે. આ દેશમાં ઉમા ભારતી દોધી સમાજની છે, તેઓ હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે. સાધ્વીજી કયા ધર્મના છે? તેઓ હિન્દુ ધર્મની વાત કરે છે. નરેન્દ્ર મોદી કયા ધર્મના છે, હિન્દુ ધર્મની વાત કરે છે. 50 વર્ષમાં તેમની અક્કલ બહાર નીકળી ગઈ છે.”

ભાજપે જોશી અને કોંગ્રેસને ઘેરી


જોશીના નિવેદન પછી ભાજપે જોશી અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર દેખાડાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, કોંગ્રેસ વારંવાર દેખાડો કરે છે. તુષ્ટિકરણનું રાજકારણ કોંગ્રેસ કરતી રહી છે અને હવે જાતિ અને ધર્મના રાજકારણને આગળ વધારી રહી છે. વહેંચવાના રાજકારણને કોંગ્રેસ વધારો કરી રહ્યું છે.

No comments:

Pages