Latest

Friday, December 14, 2018

ડિસેમ્બરમાં કેરળનો પ્રવાસ બની રહેશે જીવનભરનું સંભારણું

‘ગોડ્સ ઓન કન્ટ્રી’ કહેવાય છે કેરળ

ડિસેમ્બરમાં ફરવા જવા માટે કેરળ એક બેસ્ટ સ્થળ છે. ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકે ઓળખાતું કેરળ તમારા પ્રવાસને યાદગાર બનાવવાની બધી જ ખાસિયત ધરાવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેરળના એવા કેટલાક સ્થળો વિશે જેના વિશે જાણીને તમે કેરળ જવાની તમારી ઈચ્છાને રોકી નહીં શકો…

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

વર્કલા

કેરળમાં વર્કલા સૌથી સારા દરિયા કિનારામાંથી એક છે. પણ, તેના વિશે ઘણા ઓછા લોકોને જાણ છે. તિરુવનંતપુરમની નજીક સ્થિત વર્કલા પોતાના પ્રાકૃતિક આકર્ષણ અને ઊંચા ટેકરીઓની સાથે દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. અહીંના બીચ પર તમે સન બાથ, નૌકા વિહાર, સર્ફિંગ અને આયુર્વેદીક માલિશ જેવી મજા પણ માણી શકો છો. આ ઉપરાંત અહીનું તિબેટિયન માર્કેટ અને કોફી હાઉસીઝ પણ તમને અહીં બીજી વખત આવવા લલચાવે તેવા છે.

કોચી

ડિસેમ્બરમાં જો તમે કોચીમાં હશો તો તમારે ક્રિસમસની મજા માણવા બીજે ક્યાંય નહીં જવું પડે. આ દરિયા કિનારાના શહેરમાં ઘણો સુધારો થઈ ગયો છે. અહીં તમે ફોર્ટ કોચી, મંગલવનમ બર્ડ સેન્ચુરી, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ચેરાઈ બીચ અને પયમબલમ બીચ ફરી શકો છો. વળી, ક્રિસમસ દરમિયાન અહીં શહેરભરમાં તમને રોશનીનો ઝળહળાટ જોવા મળશે. વળી, કોચી બીનાલે પણ આ વર્ષે અહીં ઉજવાશે, ત્યારે તમારી ક્રિસમસની રજાઓનો પૂરેપૂરો આનંદ લઈ શકશો.

મુનાર

મુન્નાર કેરળના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંથી એક છે. તેના પહાડોના ઢોળાવ પર આવેલા ચાના બગીચા મનમોહક દ્રશ્ય સર્જે છે. મુન્નારમાં સામાન્ય રીતે ઠંડી વધુ હોય છે. મુન્નારમાં તમે ચાના બગીચા ઉપરાંત દેવીકુલમ, વટ્ટાવાડા, મેટ્ટુપેટ્ટી, અટુકલમાં ફરી શકો છો.

થેક્કડી

જો તમે એવું માનો છો કે મરી-મસાલાના છોડમાં તો શું જોવાનું? તો થેક્કડી તમારી આ માન્યતાને તોડી નાખશે. અહીંના મસાલા ગાર્ડનની મુલાકાત લેવી એક આહલાદક અનુભવ છે. જંગલોની વચ્ચેથી પસાર થવા દરમિયાન તમે તમારો મનગમતો તેજાના ચૂંટી પણ શકો છો.

પેરિયારમાં કરો વાઘનો પીછો

પેરિયાર હાથી, વાઘ સહિતના જંગલી પ્રાણીઓની અલગ-અલગ પ્રજાતિઓના સંરક્ષણ માટે એક લોકપ્રિય સ્થાન છે. તેની સાથે જ થેક્કડી પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કેરળના સૌથી સારા વન્ય જીવનને જોવા માટે થેક્કડી તળાવમાં હોડીમાં બેસીને લટાર મારવાની કંઈક અલગ જ મજા છે. ડિસેમ્બરમાં તમે પરિયાર ટાઈગર રિઝર્વમાં તમે બોટ રાઈડ અને જંગલ સફારીની મજા માણી શકો છો. તમારે અહીં નાઈટ ટૂરની મજા માણવાનું પણ ચૂકવું ન જોઈએ.

કુમારકોમ

આ કેરળનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. અહીં બર્ડ સેન્ચુરી, અરુવીકુઝી વોટરફોલ, બેમ્બનાડ તળાવ, કુમારકોમ બીચ અને કુમારકોમ બેકવોટર્સ ફરી શકો છો. પક્ષીઓ પર રિસર્ચ કરનારાઓ માટે કુમારકોમ એક આદર્શ જગ્યા છે. વળી, અહીંના હાઉસબોટની મજા માણ્યા વિના તો કેરળનો પ્રવાસ અધૂરો જ રહ્યો કહેવાય. કુમારકોમ ડિસેમ્બરમાં ફરવા માટે એક બેસ્ટ સ્થળ છે. એલેપ્પી વધારે જાણીતી જગ્યા છે, પણ કુમારકોમ પણ એક-બે દિવસ ગાળવા માટે સારો ઓપ્શન છે. સ્થાનિક માછીમારો દ્વારા ચલાવાતી રેસ્ટોરન્ટ્સની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.

કોવાલમ

કોવાલમ કેટલીક જાણીતી આયુર્વેદીક સ્કૂલોનું ઘર છે. તમારે સોમાથીરમ આયુર્વેદ વિલેજની મુલાકાત લેવી જ જોઈએ. ડિસેમ્બરમાં અહીંના બીચ પર સન બાથ લેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ધ લાઈટહાઉસ બીચ અને હવાહ બીચ માટે કોવાલમ જાણીતું છે. લોકો અહીં સન બાથ, સ્વિમિંગ, ક્રૂઝિંગ અને કેરળના પ્રખ્યાત આયુર્વેદીક બોડી મસાજનો આનંદ ઉઠાવે છે. અહીં સન સેટનો અનોખો નજારો જોવા દૂર-દૂરથી લોકો આવે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2Qxvvo4

No comments:

Post a Comment

Pages