Latest

Sunday, January 27, 2019

રાવણના વધ બાદ શ્રીરામે આ સ્થળે બ્રહ્મહત્યાનું પાપ ધોવા લક્ષ્મણ સાથે કર્યો હતો યજ્ઞ

શ્રીરામનું તપસ્યા સ્થળ

મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામે લંકામાં રાવણનો વધ કર્યો હતો આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમને ખબર છે કે લંકાથી પાછા આવતી વખતે શ્રીરામ અને લક્ષ્મણે ઉત્તરાખંડમાં યજ્ઞ કર્યો હતો. રાવણ બ્રાહ્મણ હતો એટલે બ્રહ્મહત્યાનું પાપ ધોવા માટે દેવપ્રયાગમાં તપસ્યા કરી યજ્ઞ કર્યો. દેવપ્રયાગ અલકનંદા-ભાગીરથી નદીના સંગમ સ્થાને વસેલું છે. કહેવાય છે કે દેવભૂમિ ઉત્તરાખંડના પાંચ પ્રયાગોમાંથી એક દેવપ્રયાગ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

બે નદીઓનું સંગમ સ્થાન

માન્યતા છે કે, જ્યારે ભગીરથ રાજાએ ગંગાને ધરતી પર આવવા માટે મનાવી ત્યારે ગંગા નદી સાથે 33 કરોડ દેવી-દેવતાઓ પણ સ્વર્ગમાંથી દેવપ્રયાગ આવ્યા હતા. આ જ જગ્યાએ ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થાય છે. સમુદ્ર તટથી 839 મીટર ઊંચે આવેલું દેવપ્રયાગ હરિદ્વારથી માત્ર 70 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે આ સ્થળે મુનિ દેવશર્માએ ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી હતી. ત્યારે ભગવાને મુનિ દેવશર્માને વરદાન આપ્યું હતું કે કાળાંતરમાં તેમના નામે જ આ સ્થળનું નામ પડશે.

રાજા દશરથ સાથે રામે કરી હતી તપસ્યા

પૌરાણિક માન્યતા અનુસાર, રાવણના વધ બાદ બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે શ્રીરામે લક્ષ્મણ સાથે અહીં યજ્ઞ કર્યો હતો. માનવામાં આવે છે કે રામે દશરથ સાથે પણ અહીં તપસ્યા કરી હતી. શ્રીરામે જે શિલા પર બેસીને તપસ્યા કરી હતી તે આજે પણ અહીં આવેલી છે. દેવપ્રયાગમાં શ્રીરામનું રઘુનાથ મંદિર આવેલું છે. રામની સાથે આ મંદિરમાં સીતા માતા અને લક્ષ્મણની પણ મૂર્તિઓ છે. આ મંદિરની દિવાલો દક્ષિણ ભારતીય અને બુદ્ધ સ્થાપત્યનું મિશ્રણ છે.

પર્વતોની વચ્ચે આવેલું રઘુનાથ મંદિર

વિશાળ પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પર્વતોની વચ્ચે આ મંદિર આવેલું છે. મંદિરની આગળની તરફ દશરથાંચલ, જમણી તરફ નરસિંહાચલ અને ગિરિધાચલ જ્યાં આ મંદિર બનેલું છે. અહીં જ ભગવાને તપ કર્યું હોવાની માન્યતા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કુલ્લુના રાજા જગત સિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

સુંદરતા મનને શાંતિ આપશે

દેવપ્રયાગમાં જ ગંગા મંદિર પાસે હનુમાનજીની એક ગુફા આવેલી છે. આ ગુફા વિશે માન્યતા છે કે ભગવાન રામના સેવક હનુમાનજી અહીં આવતા હતા. દેવપ્રયાગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થળ મનોરમ્ય છે. અહીં ખૂબસુરતી અને શાંત વાતાવરણ પર્યટકોના મનને શાંતિ આપે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2RWyQOA

No comments:

Post a Comment

Pages