Latest

Saturday, April 20, 2019

મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલૂડિયાં સાથે કરી

અમદાવાદ: ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ નેતાઓનો વાણીવિલાસ પણ વધી રહ્યો છે. આજે મંત્રી ગણપત વસાવાએ પોતાની એક સભામાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની સરખામણી ગલૂડિયાં સાથે કરતા વિવાદ થયો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એક સભા સંબોધતા વસાવાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ઉભા થાય ત્યારે ગલૂડિયું ઉભું હોય તેમ લાગે છે.

તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય ત્યારે કૂતરાંનું ગલૂડિયુ પૂંછડી પટપટાવતું ઉભું થયું હોય તેમ લાગે. રાહુલની ગલૂડિયાં સાથે સરખામણી કરી ન અટકતા વસાવાએ એમ પણ કહ્યું હતું કે, તેમને પાકિસ્તાનવાળા એક રોટલી નાખી દે તો પણ ચાલી જાય, અને ચીનવાળા એક રોટલી નાખી દે તો પણ ચાલી જાય.

વસાવાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, રાહુલ ગાંધીને ભાષણ આપતા પણ નથી આવડતું. અહેમદ પટેલ જેટલું લખી આપે તેટલું તેઓ વાંચી જાય છે. વસાવાના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આ અંગે એક ન્યૂઝ ચેનલને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગણપત વસાવા પહેલા આદિવાસીઓને અપાયેલી કરોડોની ગ્રાંટ ક્યાં ગઈ તેનો હિસાબ આપે.

મહત્વનું છે કે, ચૂંટણીના પ્રચારમાં નેતાઓ દિવસેને દિવસે વાણી-વર્તનનું સ્તર નીચે લઈ જઈ રહ્યા છે. થોડા સમય અગાઉ ભાજપના જ એક આદિવાસી ધારાસભ્યએ પીએમ મોદીએ કેમેરા લગાવ્યા છે, અને તમે કોને મત આપો છો તે જોઈ રહ્યા છે તેવું નિવેદન આપ્યું હતું, તો ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો જે લોકો ભાજપને મત નહીં આપે તેમને ઠેકાણે પાડી દેવાની જાહેરમાં ધમકી આપી હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Gymepn

No comments:

Post a Comment

Pages