Latest

Sunday, January 11, 2026

મૌન પણ પક્ષપાત છે: વિદુરથી વર્તમાન સુધી

મહાભારતના દ્રૌપદી ચીરહરણ પ્રસંગમાં જ્ઞાની, વરિષ્ઠ અને શક્તિશાળી પુરુષોથી રાજસભા ભરેલી હતી, છતાં સત્યની ઘડીમાં મૌન જ સૌથી મોટો અવાજ બની ગયો. એ મૌનમાં એક માત્ર વિદુર ઊભો રહ્યો, કારણ કે તેને ખબર હતી કે અન્યાય સામે તટસ્થતા ન રખાય—મૌન પણ એકજાતનો પક્ષપાત જ છે.

આજના સમયમાં દરેક સંચાલન, સંસ્થા અને સમાજ માટે આ ‘વિદુરત્વ’ અતિઆવશ્યક ગુણ છે, કેમ કે જ્યાં ભ્રષ્ટાચાર, ખોટી નીતિઓ કે માનવના ગૌરવનું અપમાન થાય છે ત્યાં સહકાર નહીં પરંતુ સચોટ વિરોધ જ સાચું નેતૃત્વ દર્શાવે છે. ઇતિહાસ અને વર્તમાન બંને બતાવે છે કે SILENT SPECTATOR સંસ્થા માટે ધીમે ધીમે ફેલાતું ઝેર છે.

નાસાની ચેલેન્જર દુર્ઘટનામાં એન્જિનિયર રોજર બોજોલીએ ટેકનિકલ ખામી અંગે ચેતવણી આપી હતી, પરંતુ મેનેજમેન્ટના દબાણ હેઠળ એની વાત અવગણવામાં આવી. પરિણામે સાત જીવ ગયા અને સંસ્થા પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠી. બીજી તરફ વર્લ્ડકોમ કૌભાંડમાં સિન્થિયા કૂપરે આંતરિક દબાણ વચ્ચે ખોટા એકાઉન્ટ્સ બહાર લાવી બતાવ્યું કે એક વ્યક્તિની નૈતિક હિંમત હજારો કર્મચારીઓ અને રોકાણકારોનું ભવિષ્ય બચાવી શકે છે.

ભારતીય પરિપ્રેક્ષ્યમાં, અશોક ખેમકાએ વારંવાર ટ્રાન્સફર સહન કરીને પણ જમીન કૌભાંડો સામે ફાઈલો અટકાવી, કારણ કે કાયદા પ્રત્યેની વફાદારી પદ પ્રત્યેની વફાદારી કરતાં મોટી હતી.

આ બધા ઉદાહરણો એક જ વાત કહે છે કે — જ્યાં ‘જી સાહેબ’ સંસ્કૃતિ રાજ કરે છે ત્યાં સંસ્થા ટૂંકા ગાળામાં નહીં તો લાંબા ગાળે નિશ્ચિત રીતે તૂટી પડે છે.

આજના યુગમાં સફળતા ઘણીવાર પરિણામોથી માપાય છે, પ્રક્રિયાથી નહીં, પરંતુ જે લોકો વિદુરની જેમ અસહજ સત્ય બોલવાની હિંમત રાખે છે, તેઓ જ સમાજ અને સંસ્થાઓને બચાવે છે. સત્તા સામે સત્ય ઊભું રહે ત્યારે જ નેતૃત્વ ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણી અને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)



from chitralekha https://ift.tt/3OHFvqL
via

No comments:

Post a Comment

Pages