નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધતા સંકટને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે. સાંજે પાંચ વાગ્યે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ તેમાં હાજર રહેવાની શક્યતા છે. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ પહેલેથી કેરળમાં નક્કી થયેલા કાર્યક્રમને કારણે સર્વપક્ષી બેઠકમાં હાજર રહી શકશે નહીં.
સંકટ મુદ્દે સરકારને પ્રશ્નો પૂછતો વિરોધ પક્ષ
પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિરોધ પક્ષે આ મુદ્દે સર્વપક્ષી બેઠક બોલાવવાની માગ કરી હતી. કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો પશ્ચિમ એશિયાના યુદ્ધ અને તેના ભારત પર પડતા પ્રભાવ અંગે સરકારને સતત પ્રશ્નો પૂછતા રહ્યા છે. રાજ્યસભામાં મંગળવારે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષથી સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે સત્તાસંપન્ન સાત નવા જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો એલપીજી, આવશ્યક સેવાઓ અને જરૂરી વસ્તુઓની સપ્લાય સહિત વિવિધ ક્ષેત્રોની નિયમિત સમીક્ષા કરીને સૂચનો આપશે.
યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું કર્યું — વડા પ્રધાન
વડા પ્રધાન મોદીએ રાજ્યસભામાં પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને તેને કારણે ભારત સામે ઊભા થયેલા પડકારો અંગે નિવેદન આપતાં જણાવ્યું કે ત્રણ સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું કર્યું છે.
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ચર્ચા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ફોન પરની વાતચીત બાદ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત પશ્ચિમ એશિયામાં શક્ય તેટલી વહેલી તકે તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા માટે સમર્થન આપે છે. આ ચર્ચામાં વૈશ્વિક સમુદ્રી પરિવહન માટે હોર્મુઝ જળસંધિને સુરક્ષિત બનાવવાના મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. હોર્મુઝ જળસંધિ ફરીથી ખોલવા માટે ઈરાનને અમેરિકા તરફથી આપવામાં આવેલી પાંચ દિવસની વધારાની સમયમર્યાદા બાદ ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો.
from chitralekha https://ift.tt/g0ZIaUq
via
No comments:
Post a Comment