વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારે બેંગલુરુના બાહ્ય વિસ્તારમાં યોજાનારા નિર્ધારિત કાર્યક્રમ પહેલા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કાર્યક્રમ સ્થળની નજીક ફૂટપાથ પરથી વિસ્ફોટક બનાવવામાં વપરાતી બે જિલેટીન સ્ટિક્સ મળી આવતા સુરક્ષામાં ગંભીર ખામી હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના આગમન પહેલા રવિવારે સવારે જ્યારે સુરક્ષા એજન્સીઓ કાગલીપુરા વિસ્તારમાં તપાસ કરી રહી હતી, ત્યારે આશ્રમ પાસે ફૂટપાથના કિનારેથી આ જિલેટીન સ્ટિક્સ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મુખ્ય કાર્યક્રમ સ્થળથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ છે. ઘટનાની ગંભીરતા જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને આ પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તમામ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કર્યા બાદ, વડાપ્રધાન મોદીએ ‘આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન’ના 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં પીએમ મોદીએ નવા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાની સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનમાં આપેલી ભૂમિકાના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
from chitralekha https://ift.tt/CBrdOcy
via
No comments:
Post a Comment