Latest

Tuesday, June 16, 2026

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીના ઘટાડાની શક્યતા

પશ્ચિમ એશિયા (West Asia Crisis) એટલે કે મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો સૈન્ય તણાવ ઓછો થતાંની સાથે જ વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર માટે બહુ મોટા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટી નરમાશ જોવા મળી રહી છે. સોમવારે ગ્લોબલ માર્કેટ ખુલતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) નો ભાવ 4% થી વધુ તૂટીને લગભગ 83.75 ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયો છે, જ્યારે ડબલ્યુટીઆઈ (WTI Crude) નો ભાવ પણ આશરે 5% ના ઘટાડા સાથે 80.87 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આ વૈશ્વિક ઘટાડાનો સીધો ફાયદો હવે ભારતના કરોડો વાહન ચાલકોને મળવાના સંકેતો મળી રહ્યા છે.

તેલ કંપનીઓનું નુકસાન અને ભાવ વધારાની પૃષ્ઠભૂમિ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હોર્મોઝની સમુદ્રધુની (Strait of Hormuz) માં જ્યારે ભારે સૈન્ય તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવા છતાં લાંબા સમય સુધી તેનો આર્થિક બોજ ભારતીય ગ્રાહકો પર નાખ્યો ન હતો. આ કારણે કંપનીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.

જ્યારે નુકસાન સહનશક્તિની બહાર ગયું, ત્યારે કંપનીઓએ ગત મે મહિનાની મધ્યથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર આશરે 7 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંક્યો હતો. હાલમાં કાચા તેલના ભાવ નીચે આવ્યા હોવાથી ભારતીય તેલ કંપનીઓ પોતાના એ જૂના નુકસાનની ભરપાઈ (Recovery) કરી રહી છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે એકવાર આ આંતરરાષ્ટ્રીય ઘટાડો થોડા અઠવાડિયા સુધી સ્થિર રહેશે, એટલે કંપનીઓનું નુકસાન સરભર થઈ જશે અને ગ્રાહકોને તાત્કાલિક રાહત અપાશે.

ટેક્સમાં વધુ ઘટાડાની ગુંજાઈશ કેમ ઓછી છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) માં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને શૂન્ય (0) કરી દેવામાં આવી હતી. હાલમાં ટેક્સના દરો ઓલરેડી ખૂબ જ નીચલા સ્તરે હોવાથી, સરકારી ટેક્સમાં વધુ ઘટાડો કરીને તાત્કાલિક રાહત આપવાની આંતરિક ગુંજાઈશ બહુ ઓછી છે.

ભારત પોતાની આંતરિક ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 85% થી વધુ હિસ્સો વિદેશોમાંથી આયાત (Import) કરે છે. ભલે વૈશ્વિક સ્તરે કિંમતો ઘટી હોય, પરંતુ ભારત માટે આયાતનો વાસ્તવિક ખર્ચ હજુ પણ રૂપિયા-ડોલરના એક્સચેન્જ રેટ (Exchange Rate), સમુદ્રી માર્ગની મોંઘી માલસામાન હેરફેર (Freight Cost) અને ઇન્સ્યોરન્સના ઊંચા ખર્ચાઓથી પ્રભાવિત થઈ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું મહત્વનું નિવેદન

તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ વિષય પર મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી નીચલા સ્તર પર જળવાઈ રહેશે, તો તેનો સીધો આર્થિક ફાયદો ભારતના અંતિમ ગ્રાહકોને ચોક્કસપણે ટ્રાન્સફર કરવામાં આવશે. ક્રૂડના ભાવોમાં સતત નરમાશ રહેવાથી દેશની સરકારી તેલ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને કિંમતો ઘટાડવાનો માર્ગ સાફ થશે.

બજારના નિષ્ણાતો અને મંત્રાલયના અંદાજ મુજબ, જો આગામી થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી બ્રેન્ટ ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 80 થી 85 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં સ્થિર રહેશે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવોમાં પ્રતિ લીટર 2 થી લઈને 5 રૂપિયા સુધીનો મોટો ઘટાડો સત્તાવાર રીતે જોવા મળી શકે છે.



from chitralekha https://ift.tt/YGxD7zC
via

No comments:

Post a Comment

Pages