બોલિવૂડની એવરગ્રીન મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ (1997) નો પેલો ભાવુક દૃશ્ય તેને જોનારાને આજે પણ
યાદ હશે, જેમાં કરિશ્મા કપૂર (નિશા) તળાવ કિનારે રડતાં-રડતાં શાહરુખ ખાન સામે પોતાના દિલનો ભાર હળવો કરે છે અને બેકગ્રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસે છે. આ આખો સીન કોઈ આયોજન વિના કુદરતી કરિશ્માથી શૂટ થયો હતો! તેનાથી પણ મોટી નવાઈની વાત એ છે કે કરિશ્મા આ ફિલ્મમાં કામ જ કરવાની નહોતી!
નિર્દેશક યશ ચોપરાની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ ની ઑફર કરિશ્મા કપૂરે શરૂઆતમાં નકારી કાઢી હતી, કારણ કે તેને ખબર પડી હતી કે ઘણી ટોચની અભિનેત્રીઓએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. કરિશ્માએ સ્ક્રિપ્ટ પણ સાંભળી નહોતી. તેનો પહેલો વિચાર એ આવ્યો કે, “જ્યારે બધાએ ના પાડી દીધી છે, તો હું પણ ના પાડી દઉં.” એટલે તેણે ફિલ્મ માટે ઇનકાર કરી દીધો.

પરંતુ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયું હતું. આદિત્ય ચોપરાએ હિંમત ન હારી. તેમણે કરિશ્માને ફોન કરીને કહ્યું, “મહેરબાની કરીને એક વાર સ્ક્રિપ્ટ સાંભળી લે, એક વાર નૅરેશન તો સાંભળ.”
કરિશ્માએ નૅરેશન સાંભળ્યું. યશ ચોપરાની ફિલ્મ હતી એટલે તેને થયું કે એક વાર સાંભળવી જોઈએ. ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ હતી અને તેની સાથે સ્પર્ધા કરવાની હતી, સાથે ડાન્સ પણ કરવાનો હતો. કરિશ્મા બહુ મૂંઝવણમાં હતી. ત્યારે તેણે તેની માતા બબીતા સાથે ચર્ચા કરી. બબીતાએ કહ્યું, “તારે આ ફિલ્મ કરવી જ પડશે. જો તારામાં કોઈ આવડત હોય, તો તેને સાબિત કરવાનો આ જ સમય છે. તને યશ ચોપરા, માધુરી દીક્ષિત અને શાહરુખ ખાન સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે. ત્યાં જા અને પોતાની જાતને સાબિત કર.”
રોલ પણ એવો હતો કે ભારતીય સિનેમામાં કદાચ પહેલી વાર કોઈ પાત્ર ભગવાનથી નારાજ થતું દર્શાવવામાં આવ્યું હતું. યશ ચોપરા અને આદિત્ય ચોપરાને પણ કરિશ્મામાં પૂરો વિશ્વાસ હતો. તેઓ કહેતા હતા, “તું એક વાર કરીને તો જો.”
કરિશ્માએ આખરે ‘દિલ તો પાગલ હૈ’ સ્વીકારી લીધી.
ફિલ્મમાં કરિશ્માનો એક મોનોલોગવાળો દૃશ્ય ખૂબ યાદગાર રહ્યો છે. તળાવ કિનારે ફિલ્માવવામાં આવેલો આ ભાવુક સીન ત્રણ પાનાં લાંબા મોનોલોગ પર આધારિત હતો. ફિલ્મનું શૂટિંગ જર્મનીમાં ચાલી રહ્યું હતું. સેટ પર એકદમ નિરવ શાંતિ હતી. શાહરુખ પણ પૂરેપૂરો પાત્રમાં હતો. બધું તૈયાર હતું.
શૉટ શરૂ થયો. એક પાનું પૂરું થયું. કરિશ્મા મનમાં વિચારી રહી હતી કે બધું બરાબર જઈ રહ્યું છે. બીજું પાનું શરૂ થયું અને અચાનક પાણીનું એક ટીપું પડ્યું. પછી બીજું અને ત્રીજું ટીપું પડ્યું. કરિશ્માને ધ્રુજારી થવા લાગી, છતાં તે અટકી નહીં, કારણ કે તે ત્રણ પાનાંનો લાંબો મોનોલોગ હતો અને તે લાગણીઓના પ્રવાહમાં બોલતી હતી.

અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો! તેમ છતાં કરિશ્મા જરાય અટકી નહીં. તેણે આખો સીન પૂરો કર્યો. સેટ પર હાજર દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરવા લાગી.
જો કે, સલામતીના કારણોસર બીજા દિવસે ફરીથી એ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. એક અભિનેત્રી અને કલાકાર તરીકે આવી બાબતો સામાન્ય હોય છે. શૉટ આપ્યા પછી બધાને ત્રણ કલાક સુધી બસમાં રાહ જોવી પડી હતી. એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો હતો કે આખી ટીમને બસમાં બેસી રહેવું પડ્યું.
નવાઈની વાત એ છે કે ફિલ્મમાં આખરે એ જ પ્રથમ શૉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અસલી વરસાદ વરસતો દેખાય છે. આ ફિલ્મે કરિશ્માને માત્ર એક અભિનેત્રી તરીકે સાબિત જ ન કરી, પરંતુ તેને શ્રેષ્ઠ સહનાયિકા માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ અપાવ્યો.
from chitralekha https://ift.tt/QrwCERj
via
No comments:
Post a Comment