Latest

Tuesday, July 14, 2026

149મી જગન્નાથજીની રથયાત્રાની વૈદિક વિધિઓનો પ્રારંભ, આજે નેત્રોત્સવ વિધિ

અમદાવાદ: જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈ, ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે. આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. બુધવારે સોનાવેશના દર્શન થશે તેમજ મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ કરાશે.

નેત્રોત્સવ વિધિ અને સાધુ-સંતોનો ભંડારો

રથયાત્રા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 14 જુલાઈ, મંગળવારે સવારે વહેલા 6:00 વાગ્યે ત્રણેય મૂર્તિઓની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ સવારે 7:30થી 10:30 વાગ્યા દરમિયાન સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને ભવ્ય મહાઆરતી કરવામાં આી રહી છે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 11:00 વાગ્યે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારો (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાન સમારંભનું પરંપરાગત આયોજન કરવામાં આવ્યું છે.

દૂર દૂરથી સંતો અમદાવાદ આવશે

ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવવાના શરૂ થઈ ગયા છે.

આજે નેત્રોત્સવ અને આવતીકાલે સોનાવેશના દર્શન

સમગ્ર રથયાત્રા દરમિયાન 45000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેરણા પ્રસાદમાં અપાશે. આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરાશે. સવારે 9:30ના ધ્વજારોહણ કરાશે. બુધવારે સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે. સવારે 10:30ના મંદિર પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ જ્યારે સવારે 11 વાગે ગજરાજોની પૂજા કરાશે. સાંજે 6:30ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા-આરતીમાં ભાગ લેશે. સાંજે 8 વાગે મહાઆરતી થશે.

ત્રીજા દિવસે મંગળા આરતીથી રથયાત્રાના ભવ્ય પ્રારંભનો સમય

રથયાત્રાના મુખ્ય દિવસે એટલે કે 16 જુલાઈ, ગુરુવારે સવારે 4:00 વાગ્યે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરિનાદ સાથે વર્ષની સૌથી મહત્વની મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે 5:30થી 6:00 વાગ્યાના શુભ ચોઘડિયા દરમિયાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનો રથમાં શાહી પ્રવેશ કરાવવામાં આવશે. છેલ્લે, સવારે 7:00 વાગ્યે મુખ્ય અતિથિઓ દ્વારા પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભવ્ય અને ઐતિહાસિક 149મી રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે.



from chitralekha https://ift.tt/o4WpEnU
via

No comments:

Post a Comment

Pages