Latest

Sunday, July 12, 2026

શ્રીકૃષ્ણની સંવાદ શૈલી: નેતૃત્વનો માનવીય ચહેરો

ભગવદ્ ગીતાના અધ્યાય ૨ના શ્લોક ૧૧માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે—

अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता: ॥

અર્થાત્, તું જે બાબતો માટે શોક કરવો યોગ્ય નથી, તે માટે શોક કરે છે; છતાં જ્ઞાનીની જેમ વાત કરે છે.

પ્રથમ દૃષ્ટિએ આ વાક્ય માત્ર ઉપદેશ જેવું લાગે, પરંતુ તેની અંદર નેતૃત્વ અને સંવાદની એક અત્યંત ઊંડી કળા છુપાયેલી છે. શ્રીકૃષ્ણ અર્જુનને અપમાનિત કરતા નથી, તેની નબળાઈનો ઉપહાસ કરતા નથી અને તેની મૂંઝવણને અવગણતા પણ નથી. તેઓ પહેલાં અર્જુનની માનસિક સ્થિતિને સમજે છે, તેની અંદર ચાલતા સંઘર્ષને ઓળખે છે અને પછી ધીમે ધીમે તેના વિચારોને નવી દિશા આપે છે. આ જ સંવાદશૈલી આજના યુગના દરેક નેતા માટે સૌથી મોટો પાઠ છે.

આજના કાર્યસ્થળોમાં સમસ્યાઓ ઘણીવાર ટેક્નિકલ નહીં, પરંતુ ભાવનાત્મક હોય છે. કર્મચારી ઘણી વખત કામના ભારથી નહીં, પરંતુ એકલતા, અસુરક્ષા, અસ્પષ્ટતા અને પોતાની વાત કોઈ સાંભળતું નથી એવી લાગણીથી થાકી જાય છે. આવા સમયે જો મેનેજર માત્ર આદેશ આપે અથવા પરિણામની માંગણી કરે, તો તે સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. પરંતુ જો તે થોડો સમય કાઢીને કર્મચારીની વાત સાંભળે, તેની ચિંતા સમજે અને પછી તર્કસંગત માર્ગદર્શન આપે, તો માત્ર સમસ્યાનો ઉકેલ જ નહીં, વિશ્વાસનું નિર્માણ પણ થાય છે.

આજના કોર્પોરેટ વિશ્વમાં Empathetic Leadership અને Coaching Leadership જેવી વિચારધારાઓ ઝડપથી લોકપ્રિય બની રહી છે. તેનું મૂળ એ જ છે કે માણસ પહેલાં લાગણીથી જોડાય છે અને પછી તર્કને સ્વીકારે છે.

નવી દૃષ્ટિએ જોવામાં આવે તો નેતૃત્વનો અર્થ હવે માત્ર લોકોનું સંચાલન કરવાનો રહ્યો નથી; તેમના મનનું માર્ગદર્શન કરવાનો બની ગયો છે. આજના યુગમાં માહિતી દરેક પાસે છે, પરંતુ સમજણનો અભાવ છે. આથી નેતાનું સૌથી મોટું કાર્ય જવાબ આપવાનું નથી, પરંતુ યોગ્ય પ્રશ્નો દ્વારા વ્યક્તિને પોતાની અંદરનો જવાબ શોધવામાં મદદ કરવાનું છે.

શ્રીકૃષ્ણે પણ અર્જુનને માત્ર આજ્ઞા આપી નહોતી કે ‘યુદ્ધ કર’; તેમણે અર્જુનની વિચારસરણીમાં પરિવર્તન લાવ્યું હતું. આ જ સાચું ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ છે.

પરિવારમાં પણ માતા-પિતા જો સંતાનોને માત્ર ઠપકો આપવાના બદલે તેમની મૂંઝવણને સમજીને વાત કરે, તો સંબંધો વધુ મજબૂત બને છે. શિક્ષક જો વિદ્યાર્થીની ભૂલ પાછળનું કારણ સમજે, તો શિક્ષણ વધુ અસરકારક બને છે. સમાજમાં પણ મતભેદોનો ઉકેલ આદેશથી નહીં, પરંતુ સંવાદથી જ આવી શકે છે.

અંતે, નેતૃત્વનું સૌથી મોટું સાધન સત્તા નથી, ભાષા છે; અને ભાષાનું સૌથી ઊંચું સ્વરૂપ તર્ક નહીં, પરંતુ સહાનુભૂતિ છે. શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે જે નેતા પહેલાં માણસને સમજે છે અને પછી માર્ગ બતાવે છે, તે જ લાંબા ગાળે વિશ્વાસ, પ્રેરણા અને પરિવર્તનનું નિર્માણ કરી શકે છે. સાચો નેતા સમસ્યાઓનું સમાધાન કરતો નથી; તે માણસની અંદર એવી સમજણ જન્માવે છે, જ્યાંથી સમાધાન પોતે જ ઉદ્ભવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)



from chitralekha https://ift.tt/spvTO14
via

No comments:

Post a Comment

Pages