Latest

Friday, July 31, 2026

સંસદમાં બિલ પસાર થયા બાદ PM મોદીનો ઇન્સ્ટાગ્રામ સંદેશ

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલું ‘એન્ટી પેપર લીક બિલ’ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. આ મહત્વપૂર્ણ બિલ મંજૂર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો સંદેશ જારી કરીને દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કર્યા છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારી પેપર લીક ગેંગ અને માફિયાઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને ટેકનોલોજીનો ઉપયોગ

પોતાના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “એક વિશ્વાસપાત્ર પરીક્ષા પદ્ધતિના નિર્માણ માટે અમે સતત એક પછી એક મહત્વના પગલાં ભરી રહ્યા છીએ. પછી તે ટાસ્ક ફોર્સની રચના કરવાની હોય, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની હોય કે રાજ્યોના સૂચનોને ધ્યાનમાં લેવાના હોય.”

તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા કેટલાક દાયકાઓથી દેશનું દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર પેપર લીકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે, જેના કારણે બાળકોના ભવિષ્ય સામે પણ સંકટ ઊભું થતું હતું. આ બાબતોને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી સ્તરે તમામ રાજ્યો અને કેન્દ્રની શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો અનિવાર્ય બની ગયો હતો. હવે આ વ્યવસ્થામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

કઠોર કાયદાનું વચન પૂરું કર્યું

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપેલા વચનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “પેપર માફિયા અને દેશના બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરતી ગેંગને બક્ષવામાં નહીં આવે. આ માટે કડક કાયદાની જરૂર હતી. અમે સંસદમાં બિલ લાવ્યા હતા અને જેવું મેં તમારી સાથે વચન આપ્યું હતું, આજે સંસદના બંને ગૃહોએ કડક જોગવાઈઓ ધરાવતા આ બિલને પસાર કરી દીધું છે. હવે એક વિશ્વસનીય પરીક્ષા પદ્ધતિ તરફ મહત્વનું કામ પૂર્ણ થયું છે અને આ કામ આગળ પણ ચાલુ રહેશે. PM મોદીએ ઉમેર્યું કે આવી નકારાત્મક પરિસ્થિતિઓને લાંબા સમય સુધી ચાલવા દેવામાં આવશે નહીં. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સૌને એકજૂથ થઈને આગળ વધવા અપીલ કરી હતી.

હવે કાયદો બનવા તરફ

ઉલ્લેખનીય છે કે, એન્ટી પેપર લીક બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ વિપક્ષના વોકઆઉટ વચ્ચે પસાર થઈ ચૂક્યું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ અધિકૃત નોટિફિકેશન જારી થતાં જ આ વિધેયક વિધિવત રીતે દેશનો કાયદો બની જશે.



from chitralekha https://ift.tt/fbYaMul
via

No comments:

Post a Comment

Pages