દક્ષિણ અમેરિકાના દેશ પેરુના નાઝકા શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓને લઈ જઈ રહેલું એક નાના કદનું ટૂરિસ્ટ પ્લેન અચાનક ખેતરમાં ખાબકતાં ભયાનક રીતે ક્રેશ થઈ ગયું હતું. આ દર્દનાક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકામાટીભર્યા મોત નિપજ્યા છે.
નાઝકા લાઇન્સની હવાઈ સફર દરમિયાન દુર્ઘટના
નાઝકા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેસને પોતાના અધિકૃત ફેસબુક પેજ પર એક નિવેદન જારી કરીને આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. નિવેદન અનુસાર, આ વિમાન પ્રવાસીઓને વિશ્વ વિખ્યાત ‘નાઝકા લાઇન્સ’ (Nazca Lines) દર્શાવવા માટે હવાઈ સફર પર લઈ જઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાઝકા લાઇન્સ એ પેરુના રણ વિસ્તારમાં સેંકડો વર્ષો પહેલા ત્યાંના મૂળ નિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલી વિશાળ કલાકૃતિઓ છે. જમીન પર દોરેલી આ આકૃતિઓમાં વિવિધ પ્રાણીઓના ચિત્રો સામેલ છે, જે માત્ર વિમાન કે ઊંચા ટાવર પરથી જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

એરોડિયાના એરલાઇન્સનું હતું વિમાન
નાઝકા સરકારના જણાવ્યા મુજબ, ક્રેશ થયેલા પ્લેને નજીકના શહેર ‘ઈકા’ (Ica) પરથી ઉડાન ભરી હતી. આ વિમાનનું સંચાલન પેરુની ખાનગી એવિએશન કંપની ‘એરોડિયાના’ (AeroDiana) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કંપનીની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, એરોડિયાના વિતેલા 14 વર્ષોથી ‘સેસના ગ્રાન્ડ કારવાં’ (Cessna Grand Caravan) વિમાનો દ્વારા પ્રવાસીઓને નાઝકા લાઇન્સની હવાઈ મુસાફરી કરાવી રહી છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
પેરુના સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ દુર્ઘટનાના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કઈ પરિસ્થિતિઓમાં વિમાન ક્રેશ થયું તે શોધવા માટે સ્પેશિયલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં આ અકસ્માત અંગે ‘એરોડિયાના’ એરલાઇન કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સ્થાનિક પ્રશાસન મૃતદેહોની ઓળખ કરી તેમના સગા-સંબંધીઓનો સંપર્ક કરવામાં લાગેલું છે.
from chitralekha https://ift.tt/J7vWIZ5
via
No comments:
Post a Comment