Latest

Tuesday, August 25, 2026

ડુંગળીના ભાવમાં 20% નો ઉછાળો: મોદી સરકારનું મોટું નિવેદન

મોંઘવારીના કારણે ફરી એકવાર રસોડાનું બજેટ ખોરવાયું છે અને ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, છેલ્લા એક મહિનામાં દેશમાં ડુંગળીના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો નોંધાયો છે. દિલ્હી, ચેન્નઈ, ગુવાહાટી અને કોચી જેવા મુખ્ય શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ડુંગળીના ભાવમાં થયેલા આ તેજ વધારા બાદ કેન્દ્રની મોદી સરકાર હરકતમાં આવી છે અને સત્તાવાર નિવેદન જાહેર કરીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે દેશમાં ડુંગળીની કોઈ અછત નથી: કેન્દ્ર સરકાર

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ડુંગળીનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2025-26 માં ડુંગળીનું ઉત્પાદન આશરે 307.37 લાખ મેટ્રિક ટન (LMT) રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષના 307.67 LMT ના ઉત્પાદનની આસપાસ જ છે. આ જથ્થો આગામી મહિનાઓની તમામ સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતો છે.

સરકારના જણાવ્યા મુજબ

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ડુંગળીના ભાવમાં મોસમી (Seasonal) વધારો જોવા મળતો હોય છે, જેની પાછળ તહેવારોની માંગ, હવામાન અને સપ્લાય-ચેઈન જેવા પરિબળો જવાબદાર હોય છે.

ભાવ નિયંત્રિત કરવા સરકારનો ‘કાંદા એક્સપ્રેસ’ માસ્ટર પ્લાન

બજારમાં વધતી કિંમતો પર લગામ લગાવવા માટે સરકારે પોતાના બફર સ્ટોકમાંથી નિયંત્રિત માત્રામાં ડુંગળી છોડવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, સોમવાર (24 ઓગસ્ટ) થી મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળીનો જથ્થો રેલવે મારફતે મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રથમ તબક્કામાં દિલ્હી, ચેન્નઈ, મધુરૈ, કોચી અને ગુવાહાટી જેવા શહેરો આવરી લેવાયા છે. ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન દ્વારા વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં 86 રેલવે રેક મારફતે આશરે 88,000 મેટ્રિક ટન ડુંગળી 16 મુખ્ય શહેરો સુધી પહોંચાડવામાં આવી છે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ શહેરોને આ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

રસોડાના બજેટ પર અસર

બટાકા, ડુંગળી અને ટામેટાં એવી શાકભાજી છે જે રોજિંદા ખોરાકમાં વપરાય છે, તેથી તેના ભાવ વધારાની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડે છે. ગ્રાહક મંત્રાલયના આંકડા અનુસાર, વિતેલા શનિવારે ડુંગળીનો સરેરાશ રાષ્ટ્રીય છૂટક ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો, જે મહિના પહેલાં કરતાં 19 થી 20 ટકા વધુ છે. પરંતુ દિલ્હી-એનસીઆર સહિતના રિટેલ માર્કેટમાં વેપારીઓ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો લેખે ડુંગળી વેચી રહ્યા છે, જેને ત્વરિત કાબૂમાં લેવા સરકારી સપ્લાય શરૂ કરાઈ છે.

 

The post ડુંગળીના ભાવમાં 20% નો ઉછાળો: મોદી સરકારનું મોટું નિવેદન appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/fjsTv0O
via

No comments:

Post a Comment

Pages