Latest

Saturday, August 1, 2026

કચ્છનું સ્ટ્રીટ ફુડ કચ્છી કડક

કચ્છની દાબેલી તો પ્રખ્યાત છે! પણ તેના જેવું જ,  ત્યાંનું બીજું એક સ્ટ્રીટ ફુડ છે કચ્છી કડક!

સામગ્રીઃ બાફેલા બટેટા 4, દાબેલીનો મસાલો 2 ટે.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન, ટામેટાંની પ્યુરી 1 કપ, ખજૂરની ગળી ચટણી 1 કપ, નાળિયેરનું જાડું ખમણ 2 ટે.સ્પૂન, લસણની પ્રવાહી ચટણી, મસાલા શીંગ 1 કપ, કાંદા 2 (optional), ચણાના લોટની સેવ 1 કપ, સમારેલી કોથમીર 1 કપ, કડક પાંઉ અથવા નમકીન ટોસ્ટ 6-7, દાડમના દાણા 1 કપ (optional)

રીતઃ 3 બટેટાનો છૂંદો કરી લેવો. બાકીના એક બટેટાના નાના પીસ કરી રાખો.

કઢાઈમાં તેલ ગરમ કરીને હીંગનો વઘાર કર્યા બાદ તેમાં ટામેટાંની પ્યુરી ઉમેરી દો. સાથે દાબેલીનો મસાલો મેળવીને પ્યુરીને સંતળાવા દો. સ્વાદ મુજબ મીઠું તેમજ લાલ મરચું પણ મેળવી દેવું. થોડીવાર બાદ તેમાં 1½ ગ્લાસ પાણી મેળવીને ઉકળવા દો. ખજૂરની ગળી ચટણીમાંથી 2 ટે.સ્પૂન ચટણી તેમાં મેળવી દો.

પ્યુરી ઉકળવા લાગે એટલે તેમાંથી એક બાઉલ જેટલી પ્યુરી બહાર કાઢી લો. હવે કઢાઈમાં બાકીની પ્યુરીમાં સમારેલા બટેટા તેમજ બટેટાનો છૂંદો મેળવી દો. મિશ્રણ એકરસ થાય એટલે તેમાં ખજૂરની ગળી ચટણી પણ મેળવી દો. નાળિયેરનું ખમણ મેળવીને મિશ્રણ જરા ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.

કચ્છી કડક ડિશ તૈયાર કરવા માટે એક બાઉલમાં ટોસ્ટ અથવા કડક પાંઉના ટુકડા કરીને ઉમેરો. તેની ઉપર બટેટાનું મિશ્રણ 2 ચમચા રેડીને ચમચા વડે મિક્સ કરી લો. હવે ઉપર લસણની ચટણી, ગળી ચટણી રેડીને, સમારેલી કોથમીર, સમારેલા કાંદા, મસાલા શીંગ, ચણાના લોટની સેવ તેમજ દાડમના દાણા ભભરાવીને તેને સજાવો.

બટેટાનું મિશ્રણ ડિશ તૈયાર કરતી વખતે ગરમ હોય તો વધુ સ્વાદિષ્ટ લાગશે.



from chitralekha https://ift.tt/7xzqbd9
via

No comments:

Post a Comment

Pages