Latest

Saturday, August 22, 2026

ઝારખંડના અનેક જિલ્લામાં  JMM, વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ

રાંચી: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓ અને JPSC-JSSC સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન શુક્રવારે અનેક જિલ્લાઓમાં ઉગ્ર બન્યું હતું. JPSC-JSSC રિફોર્મ્સ મંચના આહવાન પર મુખ્ય મંત્રી હેમંત સોરેનનું પૂતળું દહન કરવા નીકળેલા વિદ્યાર્થીઓનો વિવિધ સ્થળોએ વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રાંચી, ગિરિડીહ, હજારીબાગ અને ગઢવામાં વિદ્યાર્થીઓ તથા સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, ધક્કામુક્કી અને મારામારીના અહેવાલો સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. વિપક્ષે ઘટનાક્રમને લોકતાંત્રિક અધિકારો પર હુમલો ગણાવી રાજ્ય સરકારને ઘેરી છે.

રાંચીમાં છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમની સાથે થયેલી કથિત વચનભંગ અને છેતરપિંડીના વિરોધમાં આજે ઝારખંડના તમામ જિલ્લાઓમાં હેમંત સોરેનનું પૂતળું દહન કરવાની અપીલ કરી હતી. જોકે રાંચી, હજારીબાગ અને ગિરિડીહ સહિત અનેક જિલ્લાઓમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર JMM-કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ અને મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.

મુખ્ય મંત્રીના પૂતળા દહન કાર્યક્રમથી વિવાદ શરૂ

પ્રાપ્ત માહિતી મુજબ JPSC-JSSC રિફોર્મ્સ મંચ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ વિવિધ માગોને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ મુખ્ય મંત્રી હેમંત સોરેનના પૂતળાને દહન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. રાંચીમાં પૂતળા દહન કરવાની તૈયારી દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આંદોલનકારી વિદ્યાર્થીઓનો આરોપ છે કે JMMના કાર્યકરોએ તેમના કાર્યક્રમનો વિરોધ કર્યો અને તેમની સાથે ધક્કામુક્કી તથા મારામારી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો આંદોલનની અસર

રાંચી અને ગિરિડીહ ઉપરાંત હજારીબાગ તથા ગઢવામાં પણ વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. અનેક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી હતી. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની મુખ્ય માગ ભરતી પરીક્ષાઓ સાથે જોડાયેલા મામલાઓની નિષ્પક્ષ તપાસ અને કથિત અનિયમિતતાઓ સામે કાર્યવાહી કરવાની છે. આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સતત પોતાની માગોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.



from chitralekha https://ift.tt/SyOf0UG
via

No comments:

Post a Comment

Pages