Latest

Tuesday, September 15, 2026

અજીતને ‘સૂરજ’ થી વિલનની શરૂઆતની તક મળી!

હિન્દી સિનેમાના સૌથી સ્ટાઇલિશ વિલન અજીત ક્યારેય વિલન બનવા આવ્યા જ નહોતા! તેઓ તો હીરો બનવાનાં સપનાં આંખોમાં આંજીને મુંબઈ આવ્યા હતા.

અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. તેમનો જન્મ હૈદરાબાદના ગોલકોંડામાં એક પઠાણ પરિવારમાં થયો હતો. પિતા નિઝામની આર્મીમાં હતા અને દીકરો ડૉક્ટર કે વકીલ બને તેમ ઇચ્છતા હતા. પણ અજીતનું મન ભણવામાં ન લાગ્યું. પોતાના એક શિક્ષકની રમૂજી સલાહ માનીને તેઓ પરીક્ષામાં પાસ થયાનું જૂઠું બોલી, પોતાની ચોપડીઓ રૂ. 113માં વેચીને મુંબઈ ભાગી આવ્યા.

મુંબઈ આવ્યા પછી શરૂઆતનો સમય ભારે સંઘર્ષમય રહ્યો. ખિસ્સામાંથી પૈસા ખાલી થઈ ગયા. લોકોએ તેમને થિયેટરના ગેટકીપર કે ભાડું ઉઘરાવવાની નોકરીઓ સૂચવી, પણ ખુદ્દાર પઠાણે ના પાડી દીધી. સ્થિતિ એવી આવી કે તેમણે રસ્તા પર પડેલી ગટરની મોટી સિમેન્ટની પાઇપોમાં રાતો વિતાવવી પડી.

આખરે નાની-મોટી ભૂમિકાઓ મળ્યા પછી તેમણે હીરો તરીકે કામ શરૂ કર્યું. મધુબાલા, મીના કુમારી જેવી એ સમયની શ્રેષ્ઠ નાયિકાઓ સાથે કામ કર્યું. છતાં હીરો તરીકે નસીબ ચમક્યું નહીં. આથી તેમણે સહ-નાયક તરીકે રોલ સ્વીકાર્યા.

‘નયા દૌર’ (1957) અને ‘મુગલ-એ-આઝમ’ (1960)માં શાહજાદા સલીમના સાચા મિત્ર દુર્જન સિંહના પાત્રમાં તેમની એક્ટિંગ ખૂબ વખણાઈ. પરંતુ સમયનો વળાંક એવો આવ્યો કે કામ મળવાનું લગભગ બંધ થઈ ગયું. અજીતના પુત્રના જણાવ્યા મુજબ તેમના પિતા પાસે સતત ચાર વર્ષ સુધી કોઈ કામ નહોતું. તેઓ નવરાશના સમયમાં ‘સી રોક હોટેલ’ની ક્લબમાં પોતાના ખાસ મિત્ર અને તત્કાલીન સુપરસ્ટાર રાજેન્દ્ર કુમાર તથા અન્ય દોસ્તો સાથે પત્તાં રમતા અને સમય વિતાવતા.

બરાબર એ જ ગાળામાં દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શક ટી. પ્રકાશ રાવ રાજેન્દ્ર કુમાર અને વૈજયંતીમાલાને મુખ્ય જોડી તરીકે લઈને ‘સૂરજ’ (1966) ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે પહેલાં પ્રેમનાથની પસંદગી કરવામાં આવી હતી. પણ તે સમયે કેટલીક અભિનેત્રીઓ પ્રેમનાથ સાથે કામ કરવામાં અસહજતા અનુભવતી હતી. આ વાતની જાણ થતાં જ રાજેન્દ્ર કુમારે તરત જ દિગ્દર્શકને પોતાના મિત્ર અજીતનું નામ સૂચવ્યું.

માત્ર દિગ્દર્શકને જ નહીં, રાજેન્દ્ર કુમારે પોતાના નવરા બેઠેલા દોસ્ત અજીતને પણ પ્રેમથી સમજાવ્યા: “દોસ્ત, હવે હીરોપંતી છોડ અને નેગેટિવ રોલ તરફ નજર કર. તારો અવાજ અને પર્સનાલિટી વિલન તરીકે બહુ જામશે.” અજીતે મિત્રની સલાહ માની લીધી.

ફિલ્મ ‘સૂરજ’ રિલીઝ થઈ અને તેમાં અજીતના નકારાત્મક પાત્ર તથા તેમની આગવી ડાયલોગ ડિલિવરીએ થિયેટરોમાં ધમાકો કરી દીધો. અજીતે વિલનને ભયાનક કે ચીસો પાડતો બનાવવાને બદલે એકદમ શાંત, સુસંસ્કૃત અને શાતિર બનાવ્યો.

આ ફિલ્મ અજીતની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. ત્યાર પછી તો ‘જંજીર’નો તેજા, ‘યાદોં કી બારાત’ અને ‘કાલીચરણ’ના લાયન જેવા યાદગાર નકારાત્મક પાત્રો ભજવીને તેમણે બોલિવૂડના ઇતિહાસમાં વિલનગીરીની નવી વ્યાખ્યા લખી દીધી. એક નકામા ગણાતા સમયમાં પત્તાં રમતા-રમતા દોસ્તની આપેલી સલાહે અજીતને હિન્દી સિનેમાના અમર સિતારા બનાવી દીધા!

The post અજીતને ‘સૂરજ’ થી વિલનની શરૂઆતની તક મળી! appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/Htwfsgz
via

No comments:

Post a Comment

Pages