Latest

Tuesday, September 1, 2026

દેશભરમાં LPG સિલિન્ડરના ભાવ વધ્યાઃ મુંબઈમાં દૂધ નવ રૂપિયા મોંઘું

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરની શરૂઆત મુંબઈના લોકો માટે મોંઘવારીનો નવો આંચકો લઈને આવી છે. મંગળવાર એટલે કે પહેલી સપ્ટેમ્બરથી મુંબઈમાં દૂધના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત પાંચ કિલોના FTL નોન-ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં પણ મામૂલી વધારો થયો છે. બીજી તરફ, સ્થાનિક એરલાઇન્સ માટે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પણ મોંઘું થઈ ગયું છે.

મુંબઈમાં દૂધ નવ રૂપિયા મોંઘું થયું

બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિયેશન (BMPA)એ મુંબઈમાં ડેરી અને સ્થાનિક ફાર્મમાંથી આવતા દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર નવ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દૂધનો ભાવ 93 રૂપિયાથી વધીને 102 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. આ વધારાની સીધી અસર દૂધ ખરીદતા ગ્રાહકો પર પડી શકે છે. ખાસ કરીને તહેવારોની સીઝન શરૂ થવાના થોડા સમય પહેલાં દૂધના ભાવમાં વધારો થતાં ઘરના માસિક બજેટ પર અસર થવાની આશંકા છે. BMPAના જણાવ્યાનુસાર પશુઓના ચારા અને પશુઓની જાળવણીના ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીધા ફાર્મમાંથી સપ્લાય થતા દૂધનો છૂટક ભાવ પ્રતિ લિટર 110 રૂપિયા સુધી પહોંચી શકે છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં મોંઘવારીના અનેક આંચકા

સપ્ટેમ્બર મોંઘવારીના અનેક ઝટકા લઈને આવ્યો છે. પહેલી સપ્ટેમ્બરે દેશમાં LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર બાદ હવે વિમાનોમાં ઉપયોગમાં લેવાતા ATF એટલે કે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલના ભાવમાં આશરે 5.5 ટકા એટલે કે પ્રતિ લિટર 6.28 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ સ્થાનિક એરલાઇન્સ માટે વધારવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં હવાઈ મુસાફરી મોંઘી થશે કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નિષ્ણાતોના જણાવ્યાનુસાર હવાઈ મુસાફરીનાં ભાડાં પર અન્ય અનેક પરિબળોની પણ અસર પડે છે.

મોંઘવારીનો બેવડો માર, મુંબઈમાં CNG-PNGના ભાવ વધ્યા

દેશની આર્થિક રાજધાની મુંબઈના લોકોને પહેલી સપ્ટેમ્બરથી મોંઘવારીનો બેવડો માર પડ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને કારણ ગણાવીને CNGના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયા અને PNGના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કર્યો છે.

The post દેશભરમાં LPG સિલિન્ડરના ભાવ વધ્યાઃ મુંબઈમાં દૂધ નવ રૂપિયા મોંઘું appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/IgezFbm
via

No comments:

Post a Comment

Pages