Latest

Saturday, September 26, 2026

કાશ્મીર છોડો, POKની વાત કરોઃ UNમાં પાકિસ્તાનને ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પોતાના ભાષણમાં આતંકવાદ, જમ્મુ-કાશ્મીર, લોકતાંત્રિક અધિકારો અને લઘુમતીઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ ન્યુ યોર્ક સ્થિત યુએનમાં ભારતના કાયમી મિશનની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહેલોતે પાકિસ્તાની વડા પ્રધાનના ભાષણનો જવાબ આપ્યો હતો.

તેમણે પાકિસ્તાન પર સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીર અંગે તેમના ઉલ્લેખને ફગાવી દીધો હતો. તેમણે લોકશાહી, માનવાધિકાર અને ધાર્મિક અસહિષ્ણુતા અંગે પાકિસ્તાનના રેકોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

POK પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએઃ ગહેલોત

શહબાઝ શરીફે પોતાના ભાષણમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં પેટલ ગહેલોતે કહ્યું હતું કે ભારતનું માનવું છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો અને મહાસભાને ત્યાંની સ્થિતિ પર વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો આપણે કાશ્મીર વિશે વાત કરવાની જ હોય, તો આપણે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યાંના લોકોની બિનજરૂરી હત્યાઓ, ક્રૂર હિંસા અને તેમને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવાના પ્રયાસો ચિંતાજનક છે.

તેમણે કહ્યું હતું કે મુખ્ય મુદ્દો પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને લાંબા સમયથી પ્રોત્સાહન આપવાની તેની નીતિ છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અમારો અધિકાર ઉપયોગમાં લેવાતો રહેશે. પાકિસ્તાને આતંકવાદનાં પરિણામો ભોગવવાં પડશે. ભારતને આશા છે કે મહાસભા પાકિસ્તાન અને તેની નીતિઓનું મૂલ્યાંકન તેની વાસ્તવિકતા અને તેનાં કાર્યોને આધારે કરશે, તેના પ્રતિનિધિના દાવાઓના આધારે નહીં. તેમણે કહ્યું હતું કે વર્ષો સુધી જૂઠનું પુનરાવર્તન કરવાથી તે સત્ય બની જતું નથી. તેમણે પાકિસ્તાન પર આતંકવાદ, છેતરપિંડી અને દંભનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેનાથી ન તો પાકિસ્તાનને અને ન તો દુનિયાને કોઈ લાભ થશે.

પાકિસ્તાની સેના પર આરોપ

પેટલ ગહલોતે પાકિસ્તાનમાં સેના દ્વારા અને સેના માટે શાસન ચાલતું હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજકીય હસ્તીઓ બદલાતી રહી શકે છે, પરંતુ તેમને મતે સેના જ નિર્ણાયક સત્તા બની રહી છે.

The post કાશ્મીર છોડો, POKની વાત કરોઃ UNમાં પાકિસ્તાનને ફટકાર appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/KidmYr3
via

No comments:

Post a Comment

Pages