Latest

Sunday, October 11, 2026

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી: 24 કલાકમાં 9 ના મોત

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિની પુનઃસ્થાપના વચ્ચે ફરી એકવાર હિંસાનો ભયાનક દાવ ખેલાયો છે. નાગા અને કૂકી સમુદાય વચ્ચે સર્જાયેલા હિંસક ટકરાવમાં છેલ્લા 24 કલાકની અંદર એક મહિલા સહિત 9 લોકોના કમનસીબ મોત થયા છે, જ્યારે અસામાજિક તત્વો દ્વારા 14 ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘાતક ઘટનાઓ બાદ કામજોંગ, કંગપોકપી અને ઉખરુલ જિલ્લામાં ભારે તણાવ વ્યાપી ગયો છે. સ્થિતિને ગંભીરતાથી લેતા કૂકી સંગઠન ‘કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી’ (CoTU) દ્વારા કંગપોકપી જિલ્લામાં શનિવાર સાંજે 6:00 વાગ્યાથી 24 કલાકના બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ગેરકાયદે બંકરો હટાવવાના ઓપરેશન દરમિયાન સળગી હિંસાની ચિનગારી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસાની શરૂઆત 9 October ની રાત્રે આશરે 9:35 વાગ્યે થઈ હતી. ચસાડ પોલીસ સ્ટેશન નજીક ગેરકાયદેસર બંકરો હટાવવા માટે સિવિલ પોલીસ, ઇન્ડિયા રિઝર્વ બટાલિયન અને BSF દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અજ્ઞાત સશસ્ત્ર હુમલાખોરોએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી અને સ્થાનિકોના વિરોધ પ્રદર્શન વચ્ચે ગોળી વાગવાથી 42 વર્ષીય કૂકી મહિલા અને 5 બાળકોની માતા ડોમખોની ટૌથાંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ આક્રોશિત ટોળા દ્વારા ચસાડ પોલીસ સ્ટેશન અને આસપાસની લાકડાની દુકાનોને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન બંને સમુદાયોના આશરે 14 ઘરોને આગચંપામાં આવ્યા હતા. શનિવારે સવારે 5:00 થી 7:00 વાગ્યા સુધી ફરીથી બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં કૂકી યુનિયનના દાવો અનુસાર 23 વર્ષીય માઇકલ ન્ગામમિનલેન હાઓકિપનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.

નાગા વિલેજ ગાર્ડ્સ અને પ્રવાસીઓ પર ઘાતકી હુમલા

હિંસાની આ શ્રેણી માત્ર એક સ્થળ સુધી સીમિત ન રહી. શનિવારે સવારે 9:30 વાગ્યે નિંગચો ચિંગડોંગ ગામમાં થયેલા હુમલામાં બે નાગા વિલેજ ગાર્ડ—30 વર્ષીય ન્ગાચાનસો નિંગશેન અને 50 વર્ષીય લીશિશન હંગ્યો માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓના મતે, આ હુમલામાં ભારત-મ્યાનમાર સરહદ પર સક્રિય સશસ્ત્ર જૂથોનો હાથ હોવાની આશંકા છે. કંગપોકપીના મકુઈ અને તાપોક ગામો વચ્ચે સશસ્ત્ર કૂકી ઉગ્રવાદીઓના કથિત હુમલામાં નાગા વિલેજ વોલન્ટિયર 35 વર્ષીય માચુંગવાંગબોઉનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો નહાસોન અને માથાંગામ્બોઉ ગંભીર રીતે ઘવાયાસ હતા, જેમને સારવાર અર્થે સેનાપતિ જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉખરુલને જોડતા નેશનલ હાઇવે પર કોંજાંગ ગામ નજીક અજ્ઞાત હુમલાખોરોએ 30 વર્ષીય સંદીપ રાય નામના નાગરિક પર ઘાત લગાવીને હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી.

તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત અને કલમ લાગુ

સતત વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કામજોંગ જિલ્લા વહીવટીતંત્રે ચસાડ પોલીસ સ્ટેશનના 400 મીટરના વિસ્તારમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદી દીધો છે. સમગ્ર વિસ્તારમાં પેરામિલીટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસની વધારાની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

The post મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી: 24 કલાકમાં 9 ના મોત appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/Deaz0WX
via

No comments:

Post a Comment

Pages