જામનગર: જામનગરના વરિષ્ઠ સાહિત્યકાર લેફ્ટનન્ટ ડૉ. સતિષચંદ્ર વ્યાસ ‘શબ્દ’ને તેમની નવલકથા ‘રવિ–ગગનની ગોઠડી’ માટે પ્રતિષ્ઠિત ‘દર્શક એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. કુમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા આ સન્માનથી જામનગરના સાહિત્યજગતનું ગૌરવ વધ્યું છે.

ડૉ. વ્યાસની આ નવલકથામાં વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન સાથે સંકળાયેલા ઓછા જાણીતા પ્રસંગો અને મહત્ત્વપૂર્ણ પાસાંઓનું રસપ્રદ આલેખન કરવામાં આવ્યું છે. ટાગોરના જીવનના વિવિધ પાસાંને સાહિત્યિક અભિગમથી રજૂ કરતી આ કૃતિને સાહિત્યપ્રેમીઓમાં આવકાર મળ્યો છે.

ડૉ. સતિષચંદ્ર વ્યાસની સાહિત્યિક સિદ્ધિઓમાં અગાઉ મળેલા અન્ય પ્રતિષ્ઠિત સન્માનોનો પણ સમાવેશ થાય છે. તેઓને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ‘અરવિંદ સુવર્ણચંદ્રક’ એનાયત થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત તેમના ‘બાઉલ ગીતો’ વિષયક પુસ્તકને પણ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
સાહિત્યક્ષેત્રે સતત સક્રિય રહીને વિવિધ વિષયો પર સર્જન કરતા ડૉ. વ્યાસને વધુ એક પ્રતિષ્ઠિત સન્માન મળતાં જામનગરના સાહિત્યિક વર્તુળોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની આ સિદ્ધિ બદલ સાહિત્યપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.
The post જામનગરના સાહિત્યકાર ડૉ. સતિષચંદ્ર વ્યાસ પ્રતિષ્ઠિત ‘દર્શક એવોર્ડ’થી સન્માનિત appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/0xSsbGt
via
No comments:
Post a Comment