ભારતનું ભૌગોલિક વૈવિધ્ય એટલું વિરાટ અને અકલ્પનીય છે કે અહીં પ્રકૃતિના અગણિત રંગો જોવા મળે છે. ક્યાંક બારેમાસ ઘનઘોર
હરિયાળી રહે છે તો ક્યાંક અનંત સૂર્યપ્રકાશમાં તપતી ધરા પથરાયેલી છે. પરંતુ આપણા દેશમાં કેટલીક એવી રહસ્યમય અને જાદુઈ જગ્યાઓ પણ આવેલી છે જ્યાં પ્રકૃતિ આખું વર્ષ લગભગ સુષુપ્ત કે સામાન્ય સ્થિતિમાં રહીને વર્ષના અમુક ગણ્યા-ગાંઠ્યા અઠવાડિયાં માટે જ પોતાનો સાચો ચમત્કાર પ્રગટ કરે છે.
આ એવા દુર્લભ સ્થળો છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર કરવા માટે સમયની ચોકસાઈ સૌથી મોટી શરત છે. જો પ્રવાસી યોગ્ય સીઝન અને યોગ્ય સપ્તાહે ત્યાં પહોંચવામાં ચૂકી જાય, તો એ અલૌકિક નજારો માણવા માટે એમણે પૂરા બાર મહિના રાહ જોવી પડે છે.
વાત કરીએ ભારતની એવવી અદભુત જગ્યાઓ વિશે જ્યાં પ્રકૃતિ વર્ષમાં માત્ર થોડા દિવસો માટે જ પોતાનું સ્વર્ગીય સૌંદર્ય પાથરે છે.
કાસ પ્લેટો, સતારા (મહારાષ્ટ્ર)

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી આશરે 12 હજાર મીટરની ઊંચાઈએ આવેલું કાસ પ્લેટો સામાન્ય દિવસોમાં એક સાદો, સુકો અને વેરાન બેસાલ્ટ પથ્થરોનો ઉચ્ચપ્રદેશ લાગે છે. પરંતુ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય ત્યારે ઓગસ્ટના અંતથી ઓક્ટોબરની શરૂઆત વચ્ચે અહીં એક અકલ્પનીય કુદરતી ચમત્કાર સર્જાય છે. વરસાદના વિરામ બાદ જ્વાળામુખીય પથ્થરોની ઉપર જામી ગયેલી માટીના પાતળા પડ પર 850થી વધુ પ્રજાતિનાં જંગલી ફૂલો અચાનક ખીલી ઊઠે છે, જેના કારણે આ સ્થળને યુનેસ્કો દ્વારા 2012માં ‘વર્લ્ડ નેચરલ હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી. આ પઠારની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં દર પંદર દિવસે સમગ્ર મેદાનનો રંગ કુદરતી રીતે બદલાય છે. શરૂઆતમાં યુટ્રિક્યુલેરિયાના જાંબલી ફૂલો આખી ટેકરીને વાયોલેટ રંગે રંગી દે છે, ત્યારબાદ સોનેરી-પીળા સોનકી ફૂલોની ચાદર પથરાય છે અને ત્યારપછી સફેદ કે ગુલાબી પુષ્પો ખીલે છે. અહીં કીટભક્ષી વનસ્પતિ ડ્રોસેરા તેમજ દુર્લભ લિલિયમ અને ઓર્કિડ જેવી અસંખ્ય નાજુક વનસ્પતિઓ જોવા મળે છે. આ જાદુઈ નજારો માત્ર ત્રણથી ચાર અઠવાડિયાં જ એની ચરમસીમા પર રહે છે. ઓક્ટોબરના મધ્ય સુધીમાં તડકો વધતાં જ આ તમામ ફૂલો સુકાઈને ફરી આવતા વર્ષ સુધી અદ્રશ્ય થઈ જાય છે.
વેલી ઑફ ફ્લાવર્સ, ચમોલી (ઉત્તરાખંડ)

ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં ચમોલી જિલ્લામાં દરિયાઈ સપાટીથી આશરે 3600થી 4000 મીટરની ઊંચાઈએ આવેલી ‘વેલી ઑફ ફ્લાવર્સ’ (ફૂલોની ખીણ) વર્ષના આઠથી નવ મહિના સુધી કડકડતી ઠંડી અને બરફની જાડી ચાદર નીચે ઢંકાયેલી રહે છે. પરંતુ જુલાઈ મહિનામાં ગરમી વધતાં જ જ્યારે હિમ પીગળવા લાગે છે, ત્યારે પુષ્પાવતી નદીના કિનારે આખી ખીણ જીવંત બની ઊઠે છે. સપ્ટેમ્બર સુધી અહીં પૃથ્વી પરનું સાક્ષાત સ્વર્ગ ઉતરી આવે છે. 1931માં બ્રિટિશ પર્વતારોહક ફ્રેન્ક સ્મિથ દ્વારા અકસ્માતે શોધાયેલી આ 87 ચોરસ કિલોમીટરની રાષ્ટ્રીય ઉદ્યાન ખીણમાં 500થી વધુ દુર્લભ હિમાલયન ઔષધીય વનસ્પતિઓ અને રંગબેરંગી ફૂલો ખીલે છે. ઉત્તરાખંડનું રાજ્યપુષ્પ બ્રહ્મકમળ, દુર્લભ બ્લુ પોપી, હિમાલયન એનિમોન, પ્રિમુલા અને જેરેનિયમ જેવા અસંખ્ય પુષ્પોની સુગંધથી આખી ખીણ મહેકી ઊઠે છે. આ ખીણની પૃષ્ઠભૂમિમાં હિમાચ્છાદિત નંદા દેવી શિખરો, ધુમ્મસની લહેરાતી વાદળીઓ અને ખળખળ વહેતા બર્ફીલા ઝરણાં ટ્રેકર્સને મંત્રમુગ્ધ કરી દે છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ ફૂલો બીજ બનીને જમીનમાં સુષુપ્ત થઈ જાય છે. ઓક્ટોબરમાં ફરી હિમવર્ષા શરૂ થતાં સમગ્ર ખીણ સફેદ કફન ઓઢીને આગામી ઉનાળા સુધી ઊંઘી જાય છે.
ટ્યુલિપ ગાર્ડન, શ્રીનગર (કાશ્મીર)

કાશ્મીરની ધરતી પર ડલ સરોવરના મનોહર કાંઠે અને જબરવાન પર્વતમાળાના ઢોળાવ પર ફેલાયેલો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન એશિયાનો સૌથી વિશાળ ટ્યુલિપ બગીચો છે. કાશ્મીરમાં જ્યારે કડકડતી ઠંડી અને ‘ચિલ્લાઈ કલાન’ની સીઝન પૂરી થાય અને વસંત ઋતુની હૂંફાળી શરૂઆત થાય, ત્યારે માર્ચના અંતિમ સપ્તાહથી એપ્રિલના મધ્ય સુધી આ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આશરે 30 હેક્ટર જમીનમાં સીડીદાર ઢોળાવો પર પથરાયેલા આ બગીચામાં 70થી વધુ વૈવિધ્યસભર જાતિઓના 15 લાખથી પણ વધારે ટ્યુલિપ્સ એકસાથે જોવા મળે છે. લાલ, ઘેરા પીળા, દૂધિયા સફેદ, જાંબલી અને અદભુત ડબલ-શેડના ટ્યુલિપ્સની સુવ્યવસ્થિત કતારો જોઈને લાગે કે જાણે કુદરતે પહાડોની તળેટીમાં રંગોની નદી વહાવી દીધી હોય. ટ્યુલિપ્સ ઉપરાંત અહીં ડેફોડિલ્સ, હાયસિન્થ અને રેનનક્યુલસ જેવાં અન્ય વસંતકાલીન ફૂલો પણ ખીલે છે. આ કુદરતી વૈભવ ફક્ત 20થી 25 દિવસ માટે જ રહે છે, કારણ કે મે મહિનો બેસતાં જ તાપમાન ઊંચું જવાથી ટ્યુલિપની નાજુક પાંખડીઓ ખરી પડે છે અને ગાર્ડન ફરી આગામી વર્ષની વસંત સુધી બંધ થઈ જાય છે.
શિલોંગ ચેરી બ્લોસમ્બ, મેઘાલય

ચેરી બ્લોસમ્બની મોહક ગુલાબી છટા માણવા માટે દુનિયાભરમાંથી લોકો જાપાન જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ભારતના પૂર્વોત્તરમાં આવેલા મેઘાલયનું પાટનગર શિલોંગ દર વર્ષે શિયાળાના પ્રારંભે આબેહૂબ જાપાન જેવો જાદુઈ નજારો ઊભો કરે છે. હિમાલયન વાઇલ્ડ ચેરીના વૃક્ષો નવેમ્બર મહિનામાં પાનખરની વિદાય સાથે અચાનક ગુલાબી અને આછા સફેદ રંગના નાજુક ફૂલોથી લચી પડે છે. શિલોંગના જાણીતા વોર્ડ્સ લેક, પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફ કોર્સ અને ઉમિયમ તળાવની આસપાસનો આખો વિસ્તાર માત્ર બેથી ત્રણ અઠવાડિયાં માટે ગુલાબી ચાદરમાં લપેટાઈ જાય છે. જ્યારે આ ફૂલોની પાંખડીઓ પવનની લહેરો સાથે રસ્તાઓ અને પાથ-વે પર ખરી પડે છે ત્યારે વાતાવરણ અત્યંત રોમેન્ટિક અને મંત્રમુગ્ધ કરનારું બની જાય છે. આ અલ્પજીવી પ્રાકૃતિક વૈભવની ઉજવણી કરવા માટે મેઘાલય સરકાર દ્વારા દર વર્ષે નવેમ્બરમાં ભવ્ય ‘શિલોંગ ચેરી બ્લોસમ્બ ફેસ્ટિવલ’નું આયોજન પણ કરવામાં આવે છે. ડિસેમ્બરની શરૂઆત થતાં જ આ ફૂલો ખરી જાય છે અને લીલાછમ પાંદડાં ફૂટી નીકળતાં ગુલાબી સ્વપ્ન જેવો આ નજારો સમાપ્ત થઈ જાય છે.
ફ્રોઝન ઝાન્સ્કાર નદી, લદ્દાખ

લદ્દાખની હિમાલયન ખીણમાં ઉનાળા દરમિયાન તોફાની વેગે પથ્થરો વચ્ચેથી વહેતી ઝાન્સ્કાર નદી કડકડતી શિયાળાની ઋતુમાં એક સાવ અકલ્પનીય રૂપ ધારણ કરી લે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જ્યારે લદ્દાખનું તાપમાન માઇનસ 25થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગગડી જાય છે, ત્યારે ધસમસતા પાણીની સપાટી થીજીને કાચ જેવી પારદર્શક અને મજબૂત બરફની ચાદરમાં ફેરવાઈ જાય છે. સ્થાનિક લદ્દાખી બોલીમાં આ થીજી ગયેલી નદીને ‘ચાદર’ કહેવામાં આવે છે, જે સદીઓથી શિયાળામાં ઝાન્સ્કાર ખીણના અલગ પડી ગયેલા ગામડાંઓ માટે લેહ પહોંચવાનો એકમાત્ર રસ્તો રહી છે. વિશ્વભરના એડવેન્ચર પ્રેમીઓ માટે જાન્યુઆરીના મધ્યથી ફેબ્રુઆરીના અંત સુધી આ થીજેલી નદી પર ‘ચાદર ટ્રેક’ ખુલ્લો મૂકવામાં આવે છે. બંને તરફ ગગનચુંબી ઊભા ખડકો, થીજી ગયેલા દૂધિયા ધોધ અને પગ નીચે કડકડાટ તૂટવાના અવાજ સાથે વહેતા બરફ પર ચાલવાનો આ રોમાંચ દુનિયાના સૌથી મુશ્કેલ અને અનોખા ટ્રેક્સમાં ગણાય છે. ફેબ્રુઆરીનો અંત આવતાં જ સૂર્યના તાપથી બરફની ચાદર પીગળવા લાગે છે અને નદી ફરી વહેતી થતાં આ કુદરતી રસ્તો હંમેશ માટે ગાયબ થઈ જાય છે.
હેતલ રાવ
The post ભારતનાં મોસમી સ્વર્ગ, ચૂકી ગયા તો આખું વર્ષ રાહ જોવી પડશે! appeared first on chitralekha.
from chitralekha https://ift.tt/cuLS3ol
via
No comments:
Post a Comment