કપિલ દવે, ગાંધીનગર: સુરતમાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગવાથી 22 સ્ટૂડન્ટ્સના મોત થયા બાદ સમગ્ર રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસો પર પસ્તાળ પડી છે. જોકે, ગુજરાતની 36,000 સ્કૂલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમાં ભણતા બાળકોની સુરક્ષા રામભરોસે છે. આ સ્કૂલોમાં 75 લાખ બાળકો અભ્યાસ કરે છે, ત્યારે તેમાં જો આગ લાગે તે વખતે ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોય તો શું થાય તે કલ્પના જ ધ્રુજાવી દે તેવી ભયાનક છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
માત્ર સરકારી સ્કૂલો જ નહીં, સરકાર 10,000 જેટલી પ્રાઈવેટ સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીના મુદ્દે આંખ આડા કાન કરી રહી છે. ટ્યૂશન ક્લાસીસમાં તો સ્ટૂડન્ટની સંખ્યા નાની હોય છે, પરંતુ પ્રાઈવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા 25-30 લાખ જેટલી થાય છે. પરંતુ આ સ્કૂલોની ફાયર સેફ્ટી સિસ્ટમને લઈને સરકાર હળવાશભર્યું વલણ અપનાવી રહી છે.
સરકારના સ્કૂલ એજ્યુકેશન વિભાગના સેક્રેટરી વિનોદ રાવનું માનીએ તો સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગેના નિયમો છે, પરંતુ તેના માટેના યોગ્ય ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને મોનિટરિંગ મિકેનિઝમનો અભાવ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, સ્કૂલો આગ લાગવાના જોખમનો સામનો કરવા તૈયાર નથી, પરંતુ સરકારે આ મામલે ગંભીર વલણ દાખવી લાંબા ગાળા માટે ચોક્કસ પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
સરકાર આ મામલે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને તેમજ પ્રાઈવેટ સ્કૂલોને સર્ક્યુલર ઈશ્યૂ કરી રહી છે. સ્થાનિક તંત્ર સાથેના કોર્ડિનેશનથી દરેક સ્કૂલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સુનિશ્ચિત કરાશે. સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક સરકારી સ્કૂલોને ફાયર સેફ્ટી ઈક્વિપમેન્ટ્સ પૂરા પાડવા પણ આયોજન કરી રહી હોવાનું વિનોદ રાવે જણાવ્યું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JFPTzR
No comments:
Post a Comment