Latest

Wednesday, May 22, 2019

કાર કે બાઈકની લોનના છેલ્લા હપ્તા ચાલતા હોય તો ભૂલ્યા વગર આટલું કામ કરી લેજો

લોન પૂરી થવામાં હોય ત્યારે શું ધ્યાન રાખવું?

ગાડી કે ટુ વ્હીલરની લોન પૂરી થવામાં હોય ત્યારે તમને રાહત થાય તે સ્વાભાવિક વાત છે. જોકે, લોનનો છેલ્લો હપ્તો ભરી દેવાથી તમારું કામ પૂરું થઈ ગયું છે તેવી ગેરસમજમાં ન રહેશો. લોન પૂરી કર્યા બાદ પણ તમારે ભૂલ્યા વિના કેટલીક પ્રોસેસ પૂરી કરી લેવાની રહે છે, જેનાથી તમે કટોકટીના સમયે કોઈ મુશ્કેલીમાં મૂકાતા બચી શકો.

ફાઈનલ પેમેન્ટ રિસિપ્ટ લઈ લો

તમારી લોનનો છેલ્લો હપ્તો ભરાઈ જાય તે સાથે જ તમારે ભૂલ્યા વિના ફાઈનલ પેમેન્ટ રિસિપ્ટ લઈ લેવી જોઈએ. તમે જે બેંકમાંથી લોન લીધી હોય ત્યાંથી આ રિસિપ્ટ મેળવવાની રહેશે. તે મળી જાય તેનો મતલબ એ છે કે બેંકે તમને લેખિતમાં આપી દીધું છે કે હવે તમારે લોન ચૂકવવાની બાકી રહેતી નથી. આ રિસિપ્ટમાં તમે કેટલી અમાઉન્ટ પે કરી તેમજ તમારી લોનના હપ્તાની છેલ્લી તારીખ કઈ હતી તે તમામ વિગતો લખેલી હશે.

નો ઓબ્જેક્શન સર્ટિ ન ભૂલશો

લોન પૂરી થઈ જાય તેના પંદરથી વીસ દિવસમાં બેંક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઈશ્યૂ કરતી હોય છે. બેંક તમને લોન પૂરી થયા બાદ જે ડોક્યુમેન્ટ્સ આપે છે તેમાં NOC કે પછી નો ડ્યૂ સર્ટિ પણ હોય છે. તમે જ્યારે કોઈપણ લોનને પૂરી કરો છો ત્યારે તમારા ક્રેડિટ સ્કોરમાં વધારો થાય છે. એટલું જ નહીં, તમે કોઈ નવી લોન લો ત્યારે તમે જૂની લોન સમયસર પૂરી કરી છે તેવું બતાવી તમારી પ્રોફાઈલ વધુ સારી બતાવવા જૂની લોન પૂરી થયાનું એનઓસી કે નો ડ્યૂ સર્ટિ પણ મૂકી શકો છો.

રિપેમેન્ટ સ્ટેટમેન્ટ લઈ લો

જે બેંકમાંથી તમે વ્હીકલ લોન લીધી છે તેમાંથી લોન પૂરી થયા બાદ રિપેમેન્ટ સ્ટેટમેન્ટ લેવાનું ભૂલશો નહીં. તમારી ક્રેડિટ સ્કોર હિસ્ટ્રી અપડેટ કરવામાં તે મદદરુપ સાબિત થશે. તમે લોન ભરવામાં કોઈ હપ્તો ચૂકી નથી ગયા કે તમને કોઈ પ્રકારની પેનલ્ટી નથી લાગી તેનો પણ તેમાં રેકોર્ડ હશે. તમે ભવિષ્યમાં કાર વેચશો કે પછી ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાનો આવશે ત્યારે પણ તે કામમાં લાગશે.

હાયપોથિકેશન હટાવવાનું ન ભૂલતા

તમે લોન પૂરી ન કરો ત્યાં સુધી એક રીતે તમારું વાહન બેંકમાં ગીરો મૂકેલું છે તેમ કહેવાય. વાહન ભલે તમે વાપરતા હો કે તમારા કબજામાં હોય, પરંતુ તેની માલિક લોન પૂરી ન થાય ત્યાં સુધી બેંક રહે છે. આરટીઓમાં પણ તમારી લોન કઈ બેંકમાં ચાલી રહી છે તેનો રેકોર્ડ હોય છે. તમે લોન પૂરી કરી દો ત્યારે હાયપોથિકેશનને દૂર કરવાનું કામ ઝડપથી પૂરું કરવું જોઈએ. જ્યાં સુધી તેને દૂર નહીં કરો ત્યાં સુધી તમે વાહનને વેચી શકશો નહીં. હાયપોથિકેશન દૂર કરવા બેંકનું NOC પણ જરુરી છે. બેંક NOC ઈશ્યૂ કરે તેના ત્રણ મહિનામાં હાયપોથિકેશન RTOમાં જઈને દૂર કરાવવાનું રહે છે.

વાહનના વીમાને પણ અપડેટ કરાવો

આરટીઓ ઉપરાંત હાયપોથિકેશન ઈન્શ્યોરન્સમાંથી પણ દૂર કરાવવું જરુરી છે. લોન પૂરી થઈ જાય ત્યારબાદ તમારે જે કંપનીનો વીમો લીધો છે તેમાંથી પણ હાયપોથિકેશન દૂર કરાવવાનું રહે છે. તેના માટે તમે તમારે NOC અને સુધારા સાથેનું કાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાનું રહે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/30zq3CH

No comments:

Post a Comment

Pages