Latest

Sunday, August 18, 2019

કાબુલના વેડિંગ હોલમાં જોરદાર વિસ્ફોટ, 40 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાત્રે મોટો આત્મઘાતી હુમલો થયો. જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટોલો ન્યૂઝે ગૃહ મંત્રાલયના પ્રવક્તાના હવાલેથી જણાવ્યું કે, આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના એક વેડિંગ હોલમાં થયો હતો. આ સમારોહમાં એક હજારથી વધારે મહેમાનો હાજર હતા. મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. મૃતકોનો સત્તાવાર આંકડો બાદમાં જાહેર કરાશે.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય અનુસાર ઘટના શનિવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર 10.40 (ભારતીય સમય મુજબ રાત્રે 11.40) કલાકની છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ કહ્યું કે, હુમલાની જવાબદારી હજુ કોઈએ સ્વીકારી નથી. એટલે કહી ના શકાય કે ધડાકા પાછળનું કારણ શું છે. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે.

નુસરત રહીમીએ કહ્યું કે, હુમલાખોરે સમારોહ દરમિયાન લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો જ્યાં મ્યૂઝિશિયન હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે હુમલામાં ઘણા બાળકોના પણ મોત થયા છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, વિસ્ફોટ બાદ વેડિંગ હોલમાં અફરાતફરી મચી હતી અને લોકોની ચીસો સંભળાતી હતી.

8 ઓગસ્ટે થયેલા બ્લાસ્ટમાં 14 લોકોના થયા હતા મોત

કાબુલમાં આ મહિના દરમિયાન થયેલો આ બીજો હુમલો છે. 8 ઓગસ્ટના રોજ થયેલા બ્લાસ્ટમાં 14 લોકોના મોત થયા હતા જ્યારે 145 લોકો ઘાયલ થયા હતા. પશ્વિમી વિસ્તારમાં અફઘાન સુરક્ષાકર્મીઓએ તાલિબાનને નિશાન બનાવ્યા હતા. જેના માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ ગ્રુપના આતંકીઓ આ પ્રકારના હુમલાઓને અંજામ આપતા રહે છે.

28 સપ્ટેમ્બરે યોજાવાની છે ચૂંટણી

અફઘાનિસ્તાનમાં આ વર્ષે 28 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અમેરિકા અને તાલીબાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાને લઈને હિંસા વધી ગઈ છે. આ બ્લાસ્ટથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી છવાયેલી શાંતિ ફરીથી હણાઈ ગઈ છે. વેડિંગ હોલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અફઘાનિસ્તાનમાં આ વર્ષનો સૌથી મોટા હુમલો ગણવામાં આવી રહ્યો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2P0VQLf

No comments:

Post a Comment

Pages