Latest

Wednesday, May 8, 2024

નોટ આઉટ @ 84 : ડો.અંજનાબહેન શાહ

ગાયનેકોલોજીસ્ટ તરીકેની 31 વર્ષની સફળ કારકિર્દીમાં 10,000 થી પણ વધુ ડીલીવરી (મોટા ભાગે નોર્મલ ડીલીવરી) કરાવી ચૂકેલાં, અમદાવાદનાં જાણીતાં ડોક્ટર અંજનાબહેન શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે: 

અંજનાબહેનનો જન્મ અમદાવાદના પંચભાઈની પોળના સુખી કુટુંબમાં. પિતાને પોતાનો ધંધો. તેમનો આગ્રહ કે બધાં બાળકો  ભણે. કુટુંબમાં પાંચ ભાઈ અને ત્રણ બહેનો. બધાં ભણેલાં. નાનીબહેન સિવિલમાં ડોક્ટર અને HOD, મોટાબહેન MA, ભાઈઓ એન્જિનિયર, CA વગેરે. અંજનાબહેનને ગણિત બહુ ગમે. મેટ્રીકમાં ગણિતમાં 100માંથી 100 માર્ક લાવ્યાં હતાં! તેમને ઇજનેર થવું હતું, પણ તે સમયે બહેનો એન્જિનિયરિંગ કૉલેજમાં જાય નહીં એટલે તેમણે ડોક્ટરીનો અભ્યાસ કર્યો.

શાળાનો અભ્યાસ ન્યુ-એજ્યુકેશન શાળામાં, પછી બે વર્ષ ગુજરાત કોલેજમાં, આગળનો અભ્યાસ બી.જે. મેડિકલ અને વી.એસ.માં. અભ્યાસ બાદ તરત પ્રેક્ટિસ શરૂ કરી. લગ્ન વખતે અભ્યાસ ચાલુ હતો. પતિ એડવાન્સ મિલમાં મેડિકલ-ઓફિસર તરીકે કામ કરતા. રીલીફ-રોડ પર, ક્રષ્ણ-સિનેમા સામે કન્સલ્ટિંગ શરૂ કર્યું. ત્યાંથી ચાંપાનેર સોસાયટી અને પછી શાંતિનગર સોસાયટીમાં. નોર્મલ ડીલીવરી કરાવવાનો આગ્રહ રાખતાં એટલે તેમની ઉપર લોકોને બહુ વિશ્વાસ હતો. અંજનાબહેનનું દવાખાનું એટલું જાણીતું કે બસ-સ્ટેન્ડનું નામ “ડોક્ટર અંજનાબહેનનું દવાખાનું”! રિક્ષાવાળાને “અંજનાબહેનનું દવાખાનું” કહે એટલે યોગ્ય સ્થાને પહોંચાડે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાડા-ચાર વાગ્યે ઊઠે. ભક્તામર અને 27 વાર ઉવસ્સગરમ્ કરે. પછી થોડો આરામ કરે. સાડા-છ વાગ્યે ચા, પ્રોટીનવાળું દૂધ, કેળું, રોટલી/ખાખરો/પરોઠું…શિયાળામાં ડ્રાયફ્રુટ. સાત વાગ્યે છાપા લઈ બેસે. ધ્યાનથી છાપાની  એકેએક હેડલાઈન વાંચે! સુડોકુ  તો કરવાનું જ! પછી ઘરમાં ચાલવાનું. નાહવા-ધોવાનું. પ્રાર્થના, કલ્યાણ મંદિર 44 ગાથા સંસ્કૃતમાં હજુ યાદ છે. કલાક પ્રાર્થના કરે, તત્વાર્થ સૂત્ર લગભગ મોઢે. 10:30 વાગે લંચ કરી છાપાં-ચોપડીઓ વાંચે. ક્યારેક વાંચતાં-વાંચતાં સૂઈ જાય. બાળપણમાં આ રીતે સૂઈ જતાં તો પિતાજી આવી ચોપડી બાજુમાં મૂકી દે! ત્રણ વાગ્યાની આસપાસ ઊઠી, બપોરે સાડા-ત્રણ વાગ્યે ડિનર લે! અડધો કલાક આરામ કરે. પછી ચાલે. (ક્યારેક ન ચલાવનાં બહાનાં કાઢે!) પાંચ વાગ્યે પ્રવચન સાંભળે. 6:00 વાગે રૂમમાં જાય. ફરી વાંચન! સાડા-આઠે વાંચતાં-વાંચતાં સૂઈ જાય. 60 વર્ષે પંડિતજી પાસે સંસ્કૃત શીખ્યાં! 64 વર્ષે સ્ટેડિયમના સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ શીખ્યાં! ક્લબ-કલ્ચર બિલકુલ ગમે નહીં! ઘરમાં ધર્માદાનો પૈસો વાપરવાનો નહીં એવો ચુસ્ત નિયમ.

શોખના વિષયો : 

વાંચનનો ભારે શોખ. ભરત-ગુંથણ ગમે. સ્વિમિંગ કરવું ગમે. હીરાના દાગીનાનો શોખ. ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી ખરીદી કરવી ગમે. નવું-નવું શીખવું ગમે. યુવાનીમાં પિક્ચર જોવાં ગમતાં. લોકોને મદદ કરે. 31 વર્ષ ખૂબ કામ કર્યું! 1972માં કરફ્યુ વખતે નજીકનાં દર્દીઓ આવતાં થયાં. કલોલ ESISમાં વીઝીટીંગ ડોક્ટર તરીકે જતાં. એકવાર ગાડીને અકસ્માત થયો, ફ્રેક્ચર થયું, ત્રણ મહિના હોસ્પિટલમાં હતાં.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

નિયમિત જિંદગી જીવે છે એટલે તબિયત સારી છે. માતાને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી એટલે તેમણે ડોક્ટર તરીકે પહેલેથી સાચવી લીધું છે. બે વર્ષ પહેલાં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ હવે કોઈ તકલીફ કે ફરિયાદ નથી.

યાદગાર પ્રસંગ:  

અંજનાબહેનની મેટ્રીકની ગણિતની રીક્ષાને દિવસે તેમનાં મમ્મીની તબિયત ખરાબ હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. વિકલ્પો સાથેના બધા દાખલા કરી,  રીક્ષાનું આખું પેપર સોલ્વ કરી અંજનાબહેન ત્યાં ડેસ્ક ર જ સૂઈ ગયાં! નિરીક્ષકને લાગ્યું કે દીકરીને આવડતું નથી. ઊઠાડીને જોયું તો તેમને પણ આશ્ચર્ય થયું! અંજનાબહેનને તે પેપમાં 100માંથી 100 માર્ક આવ્યાં!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

કાયમ ‘ટોપ ઓફ ધ લાઈન’ રહ્યાં છે! પ્રેક્ટિસ વખતે બધાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ જર્મન, સારી બ્રાન્ડનાં વાપરતાં! નવું-નવું જાણવાનું, કરવાનું અને આધ્યાત્મિક સૂત્રો શીખવાનું ગમે છે. આ પણ જુદી જાતની ટેકનોલોજી જ છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તે સમયમાં છોકરીઓ એન્જિનિયરિંગ કોલેજમાં જતી નહીં. હવે ઘણી દીકરીઓ એન્જિનિયર થાય છે! આજકાલ દીકરીઓ  મા-બાપની  બહુ સેવા કરે છે! કુટુંબમાં દરેકને મદદ કરે  છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

તેમને એક દીકરો, બે દીકરી તથા  ત્રણ પૌત્ર-પૌત્રી છે. હવે બહાર જવાનું ઓછું થાય છે. દીકરા-દીકરીઓનાં મિત્રો અને સગાં-સંબંધીઓને મળવાનું ગમે. દીકરીઓએ આર્થિકરીતે સ્વાયત્ત બનવું જોઈએ છતાં સાસરીમાં એડજસ્ટ થઈને રહેવું જોઈએ તેવું તેઓ માને.

સંદેશો :  

મિડલ-ક્લાસ વેલ્યુઝ સાચવો: સાદગી રાખો, વડીલોને માન આપો, બગાડ કરો નહીં, લોકોને અનુકૂળ થાઓ, પોતાનું કામ જાતે કરો, કોઈની જિંદગીમાં ઇન્ટરફિયર કરો નહીં.



from chitralekha https://ift.tt/iHADhUC
via

No comments:

Post a Comment

Pages