ગુજરાતીઓને ભાવે ખટમીઠી, ચટપટી વાનગીઓ! તેમાંનું જ એક લોકપ્રિય ફરસાણ છે કટલેસ! મોટેભાગે લગ્ન પ્રસંગોએ બનતું આ ફરસાણ ઘરે પણ કોઈ કળાકૂટ વગર સહેલાઈથી બની જાય છે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 3
- ગાજર સમારેલા 1 કપ
- વટાણા ½ કપ
- સમારેલાં સિમલા મરચાં ½ કપ
- ફણસી સમારેલી ½ કપ
- તીખા મરચાં-આદુની પેસ્ટ 1½ ટે.સ્પૂન
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
- ખાંડનો ભૂકો 1 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- રવો અથવા ટોસ્ટનો ભૂકો 1 કપ
- તેલ તળવા માટે
- કોર્નફ્લોર 4 ટે.સ્પૂન
- બ્રેડ 3
- કોથમીર 1 કપ
- ટોસ્ટનો ભૂકો કટલેસ ઉપર લગાડવા માટે 2 કપ
રીતઃ ગાજર તેમજ ફણસીને મિક્સીમાં પલ્સ મોડમાં 3-4 વાર ફેરવીને અધકચરા વાટી લો. વટાણા તથા સિમલા મરચાંને તેમાં ઉમેરીને પલ્સ મોડમાં 1-2 વાર ફેરવીને આ મિશ્રણ એક બાઉલમાં કાઢી લો.
બ્રેડને શેકીને કડક કરી લીધા બાદ મિક્સીમાં તેનો ભૂકો કરી લેવો. આ ભૂકો કટલેસ વાળતા પહેલાં તેમાં મેળવવા માટે છે.
કોથમીરને ધોઈને પાણી નિતારી લીધા બાદ એક કપડા પર સૂકી થવા દો. ત્યારબાદ તેને ઝીણી સમારી લો.
એક પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી હીંગ નાખીને તલ ઉમેરી દો. તરત જ અધકચરા વાટેલા ગાજર-વટાણા ઉમેરીને 2-3 મિનિટ મધ્યમ તાપે શેકી લો. ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું થવા દો.
બાફેલા બટેટાનો છૂંદો કરીને એક બાઉલમાં લઈને તેમાં ગાજર-વટાણાનું ઠંડું થયેલું મિશ્રણ ઉમેરીને સૂકા મસાલા મેળવી દો. આમચૂર પાઉડર, દળેલી ખાંડ તેમજ સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો. સમારેલી કોથમીર ઉમેર્યા બાદ તેમાં બ્રેડનો ભૂકો તેમજ કોર્નફ્લોર મેળવીને તેમાંથી 1-1½ ઈંચ જેટલા ગોળા વાળી લો. (આમચૂર પાઉડર તેમજ ખાંડ તમારા સ્વાદ મુજબ લઈ શકો છો)
એક પ્લેટમાં રવો લઈ લો. બટેટાના મિશ્રણવાળો ગોળો લઈ તેને કટલેસ મોલ્ડમાં ગોઠવીને હાથેથી પ્રેશ કરીને આકાર આપી દો. આ મોલ્ડને રવામાં મૂકીને બંને બાજુએ રવો લગાડી લો અને હળવેથી ઉપરની બાજુએ પ્રેશ કરીને પ્લેટમાં કટલેસ કાઢી લો. કટલેસને ચારેકોર ફેરવીને બધી બાજુએ રવો લગાડી લો.
રવો ન લેવો હોય તો ટોસ્ટનો ભૂકો લઈ તેમાં 1 ટે.સ્પૂન કોર્નફ્લોર મેળવી લેવો. આ ભૂકામાં કટલેસ રોળવીને તળવા માટે લેવી.
કટલેસ મોલ્ડ ન હોય તો મિશ્રણના ગોળાને પાટલા ઉપર મૂકીને થાપીને ચોરસ આકાર આપો અથવા ચપટો ગોળાકાર રહેવા દો.
બધી કટલેસ તૈયાર થયા બાદ એક ફ્રાઈ પેનમાં કટલેસ ડૂબે તેટલું તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે પેનમાં આવે તેટલી કટલેસ ગોઠવીને ગેસની આંચ મધ્યમ કરીને કટલેસ 1-1 મિનિટે હળવેથી બે-ત્રણવાર પલટાવીને સોનેરી રંગની તળી લો.
આ કટલેસ લીલી તીખી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
from chitralekha https://ift.tt/ELKAUp8
via
No comments:
Post a Comment