શાકભાજીમાં ચીઝનો સ્વાદ ભળે તેવી વાનગી બનાવો એટલે બાળકો તો એ વાનગી હોંશે હોંશે ખાવાના જ!
સામગ્રીઃ
- ખમણેલી દૂધી 1 કપ
- ખમણેલું ગાજર 1 કપ
- ઝીણી સમારેલી કોબી ½ કપ
- લીલી મેથીના પાન 1 કપ
- આદુ-મરચાં પેસ્ટ 1 ટે.સ્પૂન
- બાજરીનો લોટ ½ કપ (અથવા જુવારનો લોટ
- ઘઉંનો લોટ ¼ કપ
- ચણાનો લોટ ½ કપ
- રવો ½ કપ
- 2 ચપટી હીંગ
- સ્વાદ મુજબ મીઠું
- સમારેલી કોથમીર 1 કપ
- લીંબુનો રસ 2 ટે.સ્પૂન
- સમારેલો ગોળ 1 ટે.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- વરિયાળી 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- અજમો 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
પૂરણ માટેઃ
- ચીઝ ક્યુબ 1
- લીલા મરચાં 2-3
- લસણની કળી 4-5
- ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
- સમારેલી કોથમીર 1 કપ
- મોઝરેલા ચીઝ ½ કપ
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
રીતઃ એક મોટા વાસણમાં ખમણેલાં કોબી, ગાજર, દૂધી લઈ તેમાં સમારેલાં કોથમીર-મેથીના પાન ઉમેરી દો. 2 ચપટી હીંગ, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, સમારેલો ગોળ, આદુ મરચાંની પેસ્ટ, ધાણાજીરુ પાઉડર, લાલ મરચાં પાઉડર, હળદર, વરિયાળી, સફેદ તલ, ગરમ મસાલો ઉમેરી અજમો હાથેથી ચોળીને ઉમેરી દો. આ સામગ્રીને દસ મિનિટ માટે રહેવા દો. જેથી તેમાં રહેલું પાણી છૂટે. હવે તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરીનો લોટ, રવો ઉમેરી લોટ બાંધીને 1 ચમચી તેલનું મોણ આપી દો. આ લોટમાંથી મોટા મોટા લૂવા બનાવીને એકબાજુએ રાખી મૂકો.
હવે એક વાસણમાં બારીક વાટેલું લસણ લો. તેમાં ચીઝ ક્યુબ ખમણી લો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું (ચીઝમાં પણ મીઠું હોય છે.), ઝીણાં સમારેલાં લીલા મરચાં, સમારેલી કોથમીર, મોઝરેલા ચીઝ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો મેળવીને બધું મિશ્રણ એકસરખું મેળવી દો.
મુઠીયા બાફવા માટેના વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દો. મુઠીયા મૂકવા માટેના વાસણને તેલ લગાડી લો.
બંને હાથ તેલવાળા કરી મુઠીયાનો લૂવો લઈ તેને હથળીમાં થાપીને તેમાં ચીઝવાળું પૂરણ આવે તેટલું ભરીને મૂઠીયા બંધ કરીને લંબગોળ વાળી દો. આ જ રીતે બધાં લૂવાના મુઠીયા તૈયાર કરીને તેલ ચોપળેલા વાસણમાં ગોઠવતા જાઓ. મુઠીયા બધાં મૂકી દીધા બાદ આ વાસણને પાણીવાળા વાસણમાં બાફવા મૂકીને ઢાંકી દો. ગેસની આંચ પહેલાં 5 મિનિટ માટે તેજ રહેવા દઈ, બાદમાં ધીમી કરીને 25 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયાનું વાસણ નીચે ઉતારી લો.
મુઠીયા થોડા ઠંડા થાય એટલે ચોંટેલા મુઠીયાને ચપ્પૂ વડે હળવેથી છૂટાં કરીને એક ચમચી વડે બહાર એક પ્લેટમાં કાઢી લો. 4-5 મિનિટ બાદ ચપ્પૂ વડે તેના અડધો ઈંચ જાડાઈના પીસ કરી લો.
આ મુઠીયાને એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરૂ તથા તલનો વઘાર આપીને વઘારીને ઉપર સમારેલી કોથમીર ભભરાવી લો.
ગરમાગરમ મુઠીયા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
from chitralekha https://ift.tt/ktO9Hbn
via
No comments:
Post a Comment