જે દેશમાં કામસૂત્ર લખાયું છે એ દેશમાં પ્રેમ અને કામને લગતી નકારાત્મક માન્યતાઓ જોઇને સમજાય છે કે જે કોઈ વિદેશી આક્રમણો થયા એની અસર આઝાદ થયા પછી પણ ગઈ નથી. પ્રેમ એ જીવનની જરૂરીયાત છે. શું કોઈ વ્યક્તિ પ્રેમ વગર જીવી શકે? મારા માટે તો હવા પાણી અને ખોરાકની માફક જ માણસને જીવવા માટે પ્રેમ પણ જોઈએ છે. જે ક્ષણે વ્યક્તિને ખબર પડે છે કે એને કોઈ પ્રેમ નથી કરતુ અને એ કોઈને પ્રેમ કરી નથી શકતો ત્યારે એના મૃત્યુ તરફનું પ્રયાણ શરુ થઇ જાય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપણા દેશમાં એક જ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. પણ આપણે પ્રેમ અને કામ બંનેને સમજી શક્યા જ નથી. સભાનતા શબ્દ જીવવા માટે જરૂરી છે. જે આપણા જીવનમાં ખૂટે છે. મીટીંગ પૂરી થયા પછી પ્લાસ્ટીકના કપ અને ડીશો જ્યાં ત્યાં વેરીને ઘરે જવાની માનસિકતા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આ દુનિયા કેટલી બીભત્સ બની રહી છે. અમે ફ્લેટમાં રહીએ છીએ. અમારી સામે જે લોકો રહે છે એમનું ઘર વાસ્તુ આધારિત છે એવું બધા કહે છે. અમારા દરવાજા અને રસોડાની બારીઓ સામસામે આવે છે. જો કે રસોઈ કરતી વખતે કોઈ દેખાય નહિ. એટલું સારું છે. અમારા ઘરમાં બધું બરાબર છે પણ એ લોકો થોડા ભગવાનમાં વધારે માને છે.
થોડા સમય પહેલા એવી પણ વાત આવી હતી કે એ પતિપત્નીને ફાવતું નથી. પણ બે દિવસ પહેલા એમના રસોડામાં કોઈ અલગ ઘટના થતી હોય એવું લાગ્યું. એટલે મેં પ્લેટફોર્મ પર ચડીને બારીમાંથી જોયું તો મને તો આઘાત જ લાગી ગયો. એ ભાઈએ એમની પત્નીને જાહેરમાં ચુંબન આપતા હતા. આ તો ઠીક છે કે મેં જોયું, મારા પતિએ જોયું હોત તો? વાસ્તુ આધારિત મકાનમાં પણ આવી વિકૃત માનસિકતા આવે એ ખોટું ન કહેવાય? આવી રીતે પોતાની પત્નીને ચુંબન આપીને એ સાબિત શું કરવા માંગે છે? મને ખરેખર આઘાત લાગ્યો છે. મને તો વાસ્તુશાસ્ત્રમાંથી વિશ્વાસ પણ ઉઠી ગયો છે. જો એ સકારાત્મક વિચાર આપતું હોય તો આવું શા માટે? તમે તો વાસ્તુ- પ્રેમ અને કામ નામનું પુસ્તક લખ્યું છે. તો તમે તો આનો જવાબ આપી જ શકશો.
જવાબ: બહેન શ્રી. આપના કહેવા પ્રમાણે આપની સોસાયટીમાં અન્યના જીવન વિશેની પંચાત વધારે હોય એવું લાગે છે. સામાન્ય રીતે આવા લોકો અન્યના જીવનના સારા પાસાથી રાજી નથી થતા. પણ એમને અન્યના જીવનની સમસ્યાઓની ચર્ચાઓ વધારે ગમે છે. વળી કોઈ સુખી હોય તો એની ચર્ચા કરવામાં મસાલો નથી ભળતો એટલે મજા નથી આવતી. સહુથી પહેલા તો આ સ્વભાવ બદલો.
હવે આપના મૂળ સવાલ પર આવીએ. તમારી આ પરિસ્થિતિમાં અપેક્ષા શું હતી? કારણ કે એમના ઘરમાં ડોકિયું કરવા તમે રસોડાના પ્લેટફોર્મની એવી બારી સુધી ગયા જ્યાંથી સરળતાથી એમના રસોડામાં દેખાતું નથી. જો એમની વચ્ચે ઝગડો થતો હોત તો તમને મજા આવત? કે પછી કશું અજુગતું થતું હોત તો મજા આવત? એક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની પત્નીને ચુંબન આપે છે એમાં ખોટું શું છે? તમારા પતિ કોને ચુંબન આપે છે? કે પછી તમારા માટે એ પ્રક્રિયા નકારાત્મક છે, એટલે તમે એના વિરોધી છો? ચુંબન એ એક સહજ અભિવ્યક્તિ છે. અને પોતાની પત્નીને ચુંબન આપવું એ પણ સહજતા છે.
ભારતીય વાસ્તુ સકારાત્મક જીવન આપે છે. તેથી સહજતા હોઈ શકે. બે અલગ પરિવારમાંથી આવેલી વ્યક્તિઓ વચ્ચે ચર્ચા થાય એ પણ સહજ છે. ક્યારેક કશુક ન ગમે તે પણ સહજતા છે. બે વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિ જરૂરી છે. જો એ જ નહિ રહે તો સાથે રહેવાનો અર્થ શું રહેશે? રિસામણા, મનામણા, લાગણી, પ્રેમ આ બધું જ સહજીવનનો ભાગ છે. વળી ઈશ્વરમાં માનવું એ પણ સહજતા છે. તમારા મનમાં તો એના માટે પણ નકારાત્મકતા છે. આપને આપના ઘરમાં વાસ્તુની સ્થિતિ સમજવાની સલાહ છે. બની શકે ત્યાર બાદ તમને તમારા જીવનમાં રસ ઉભો થાય. “વાસ્તુ- પ્રેમ અને કામ” પુસ્તક વાંચી લેશો તો પણ ઘણા સવાલોના જવાબ મળી જશે.
સુચન: સકારાત્મક ઇશાન અને નૈરુત્ય સકારાત્મક અભિવ્યક્તિ આપે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
from chitralekha https://ift.tt/0lOk9sS
via
No comments:
Post a Comment