Latest

Wednesday, March 5, 2025

ઈન્સ્ટન્ટ પાલક ઢોસા

પાલકવાળો પૌષ્ટિક ઢોસો દેખાવમાં તો સારો લાગે છે, ક્રિસ્પી પણ બને છે! જેથી બાળકો તે હોંશે હોંશે ખાવા પ્રેરાશે!

સામગ્રીઃ

  • પાલક 1 ઝુડી
  • ચોખાનો લોટ 1½ કપ
  • રવો ½ કપ
  • આદુ 2 ઈંચ
  • લીલા મરચાં 2-3
  • રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કાંદો 1
  • 2 ચપટી હીંગ
  • તેલ

રીતઃ પાલકના પાન ધોઈ લેવા. એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે પાલકના પાન તેમાં 2 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી પાલકમાંનું પાણી નિતારી લો. પાલક ઠંડી થાય એટલે તેને મિક્સીમાં બારીક પેસ્ટ કરી લો.

એક બાઉલમાં ચોખાનો લોટ, તેમજ રવો લઈ તેમાં પાલકની પ્યુરી ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. આદુ ખમણીને ઉમેરો. ચપટી હીંગ, ચિલી ફ્લેક્સ ઉમેરીને 2-3 વાટકી પાણી મેળવીને પાતળું ખીરું તૈયાર કરી લો. આ ખીરું ઢાંકીને 20-25 મિનિટ રાખી મૂકો.

ત્યારબાદ ગેસ પર નોનસ્ટીક અથવા લોખંડનો તવો તેલથી ગ્રીસ કરીને ગરમ કરી લો. એક કાંદાને ઝીણો સમારી લો. થોડો કાંદો તવા ઉપર ભભરાવીને એક વાટકી પાલકનું ખીરું તવા ફરતે રેડી પાતળો ઢોસો તૈયાર કરી લો. ઢોસાની ઉપર 1 ચમચી તેલ લગાડી લો. ગેસની આંચ મધ્યમ રાખવી. ઢોસાની કિનારી સોનેરી રંગની થઈને ઉખળવા માંડે એટલે ઢોસો તવેથા વડે વાળીને ઉતારી લો. આ જ રીતે બીજા ઢોસા તૈયાર કરી લો.

આ ઢોસો લીલી કોથમીરની અથવા નાળિયેરની ચટણી સાથે પીરસો.



from chitralekha https://ift.tt/pBLg5aZ
via

No comments:

Post a Comment

Pages