Latest

Saturday, April 5, 2025

આયશા ઝુલ્કાને એક ફોટોશૂટથી મુંબઈની ટિકિટ મળી

આયશા ઝુલ્કાએ અભિનયમાં આવવા માટે કોઈ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. પહેલી ફિલ્મ રજૂ થાય એ પહેલાં જ બીજી પાંચ ફિલ્મો મળી ગઈ હતી. ૧૬ વર્ષની ઉંમરે આયશાને પહેલી ‘કુર્બાન’ (૧૯૯૧) મળી અને એ રજૂ થઈ ત્યાં સુધીના દોઢ વર્ષમાં મેહુલકુમારની ‘મીત મેરે મન કે’, મંસૂર ખાનની ‘જો જીતા વોહી સિકંદર’, અબ્બાસ-મસ્તાનની ‘ખિલાડી’, નાગાર્જુન સાથેની તેલુગુ ફિલ્મ અને એક બંગાળી ફિલ્મ મળી ગઈ હતી. ૧૫ વર્ષની આયશા દિલ્હીમાં હતી ત્યારે પિતાના મિત્ર સિંઘાનિયા એક કાપડની મોટી કંપનીના માલિક હતા અને એમણે કંપનીની જાહેરાતમાં કામ કરવા કહ્યું હતું.

આયશાનું ફોટોશૂટ જાણીતા ફિલ્મી ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ કરી રહ્યા હતા. અને મેકઅપ પંઢરીદાદા કરતા હતા. બંનેએ આયશાને સૂચન કર્યું કે તારા માટે દિલ્લીમાં કોઈ તક નથી મુંબઇ આવવું જોઈએ. આયશાએ ઉત્સાહમાં આવીને એમને કહ્યું હતું કે મારે એક ફિલ્મ કરવી છે. તમે કોઈ તક હોય તો ફોન કરજો. ગૌતમે મુંબઇ જઈને કેટલાક નિર્માતા- નિર્દેશકોને આયશાના ફોટા મોકલ્યા હતા. એ વાતને છ મહિના વીતી ગયા પછી એક દિવસ ઘરે ફોન આવ્યો અને માતાને સંદેશ મળ્યો કે એક નિર્માતા નવી છોકરી શોધી રહ્યા છે એ માટે સ્ક્રિન ટેસ્ટ આપવા આયશાને મુંબઇ મોકલજો.

 

માતાએ એમ કહ્યું કે એણે મસ્તી મજાકમાં ફિલ્મ કરવાની વાત કરી હશે. ત્યારે એમણે આગ્રહ કર્યો એટલે પરિવાર સાથે ચર્ચા કરી જવાબ આપવાનું કહ્યું. રાત્રે ભોજન લેતી વખતે જ્યારે આ વાત ચર્ચાઇ ત્યારે પિતાએ કહ્યું કે મુંબઇ જવાનું અને ત્યાં કામ કરવાનું સરળ નથી. પછી જ્યારે માતાએ કહ્યું કે સલમાન ખાન સાથેની ફિલ્મ છે ત્યારે આયશા કૂદવા લાગી અને એક ફિલ્મમાં કામ કરવા કરગરવા લાગી. પિતાએ કહ્યું કે હજુ ફિલ્મ મળી નથી. જ્યારે સગાવહાલાને ખબર પડી ત્યારે તેમણે પણ આવીને કહ્યું કે આપણાં પરિવારમાં કોઈને ફિલ્મ કરવાની પરવાનગી નથી. આયશા અગાઉ ત્રણ શહેરોમાં બ્યુટી ક્વીનના ખિતાબ જીતી ચૂકી હતી. એની સુંદરતા એવી હતી કે એ ભાગ લેવાની છે એ જાણ્યા પછી ઘણી છોકરીઓ એમાં ભાગ લેતી ન હતી. પણ ગ્લેમર વર્લ્ડમાં કામ કરવાની ઈચ્છા હતી એટલે આયશાએ એવી સ્પર્ધામાં ભાગ લેવાનું બંધ કરી દીધું હતું.

આયશાએ જીદ ચાલુ રાખ્યા પછી આખરે એવું નક્કી થયું કે દર વર્ષે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા જઈએ છીએ એ રીતે આ વખતે મુંબઇ જઈશું. માતા-પિતાને એમ હતું કે એને સલમાન સાથેની ફિલ્મ કેવી રીતે મળવાની હતી? જઈએ તો ખરા. આયશાનો પરિવાર મુંબઇ આવ્યો અને સિંઘાનિયાને ત્યાં રોકાયો. આયશાને ત્યારે ખબર ન હતી કે ફિલ્મનો ‘સ્ક્રિન ટેસ્ટ’ કેવો હોય છે. જ્યારે નક્કી થયા મુજબ આયશા માતા સાથે સ્ટુડિયો પર પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને ચમકી જવા સાથે નિરાશ થઈ ગઈ.

(આયશાને સલમાન સાથેની પહેલી ફિલ્મ કેવી રીતે મળી અને ‘પ્રેમ કેદી’ કેમ છોડી દીધી તેની અજાણી રસપ્રદ વાતો વાતો હવે પછીના અંકમાં)



from chitralekha https://ift.tt/QrVYiIw
via

No comments:

Post a Comment

Pages