Latest

Tuesday, February 3, 2026

‘રામ ઔર શ્યામ’ થી દિલીપકુમાર દુ:ખી માહોલમાંથી બહાર આવ્યા!

દિલીપકુમારની ‘રામ ઔર શ્યામ’ (1967) ફિલ્મે ભારતીય સિનેમામાં ડબલ રોલની એક એવી નવી કેડ કંડારી હતી જેના પર પછીથી ‘સીતા ઔર ગીતા’ અને ‘ચાલબાઝ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બની હતી. દેખાવમાં એક સરખા પણ સ્વભાવમાં આસમાન- જમીનનો તફાવત ધરાવતા બે ભાઈઓની વાર્તાવાળી ‘રામ ઔર શ્યામ’ પાછળની વાતો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. તેની શરૂઆત 1844માં ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડ્યૂમાની નવલકથા ‘ધ કોર્સિકન બ્રધર્સ’ અને માર્ક ટ્વેઇનની ‘ધ પ્રિન્સ એન્ડ ધ પોપર’ થી થઈ હતી. જેના પરથી પ્રેરણા લઈને 1964માં તેલુગુ ફિલ્મ ‘રામુડુ ભીમુડુ’ બની અને તેની હિન્દી રિમેક તરીકે ‘રામ ઔર શ્યામ’ અસ્તિત્વમાં આવી હતી.

દિલીપકુમારે પોતાની આત્મકથા ‘વજૂદ ઔર પરછાઈ’માં આ ફિલ્મ વિશે લખ્યું છે કે તે સમયે મુંબઈમાં કલાકારો કેટલી ફિલ્મોમાં કામ કરી શકે તેની મર્યાદા નક્કી કરવાની વાતો ચાલતી હતી. એ સમય પર તે એક જ ફિલ્મમાં કામ કરતાં હતા. પણ આ નિર્ણયથી તેઓ થોડા પરેશાન હતા. આ દરમિયાન દિલીપકુમાર પોતાની ‘ટ્રેજેડી કિંગ’ ની ઈમેજથી બહાર આવવા મથતા હતા ત્યારે દક્ષિણ ભારતના બે દિગ્ગજ નિર્માતાઓ તેમની પાસે આવ્યા હતા. નિર્માતા પી.એસ. વીરપ્પા તેમની તમિલ ફિલ્મ ‘આલિયામણી’ ની હિન્દી રિમેક કરવા માંગતા હતા. જેની હિન્દી રિમેકનું નામ ‘આદમી’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા એક એવા પાત્રની હતી જે શંકાશીલ હોય છે અને અકસ્માતને કારણે વ્હીલચેર પર આવી જાય છે.

દિલીપકુમારને આ ગંભીર પાત્ર ગમ્યું અને કામ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ શરૂ થયાના થોડા સમય પછી નિર્માતા બી. નાગી રેડ્ડી તેમની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ લઈને આવ્યા. દિલીપકુમારે બંને ફિલ્મો સાઈન કરી હતી. પ્રોડક્શનના શિડ્યુલ મુજબ ‘આદમી’ ઘણી આગળ હતી પરંતુ અધવચ્ચે જ આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયો. નિર્માતાઓને આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો. જેના કારણે ફિલ્મનું કામ લાંબા સમય સુધી અટકી પડ્યું. આ દરમિયાન દિલીપકુમારે પોતાનો ખાલી સમય ‘રામ ઔર શ્યામ’ ને આપવાનું નક્કી કર્યું.

નિર્માતાઓ પાસે મજબૂત નાણાકીય પીઠબળ હતું અને દક્ષિણ ભારતીય નિર્માતાઓની કામ કરવાની શૈલી ખૂબ જ ઝડપી અને શિસ્તબદ્ધ હતી. પરિણામે જે ફિલ્મ પછી શરૂ થઈ હતી તેનું કામ રોકેટ ગતિએ આગળ વધ્યું. ‘આદમી’ નું કામ અટકી-અટકીને ચાલતું રહ્યું. ‘રામ ઔર શ્યામ’ ની ભવ્ય સફળતાના એક વર્ષ પછી 1968માં ‘આદમી’ રિલીઝ થઈ શકી હતી. આમ ‘રામ ઔર શ્યામ’ પહેલા સ્થાન પામી ગઈ હતી.

આ જ કારણે મુમતાઝ અને વહીદા રહેમાનની જોડી પ્રેક્ષકોએ ‘રામ ઔર શ્યામ’ માં પહેલા નિહાળી જ્યારે ‘આદમી’માં વહીદા રહેમાનનો અભિનય પછીથી જોવા મળ્યો. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ દિલીપકુમાર માટે અત્યંત આનંદદાયક હતો. કારણ કે ટ્રેજેડી કિંગ તરીકેની તેમની ગંભીર છબી તોડીને હળવાશથી કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મ માત્ર એક મનોરંજક વાર્તા નહોતી પણ દિલીપકુમારના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સુખદ પરિવર્તન લાવનાર એક માધ્યમ બની રહી હતી. એમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં કરોડોની કમાણી કરી હતી. ખાસ કરીને રશિયામાં પણ આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી હતી.



from chitralekha https://ift.tt/BRUAytf
via

No comments:

Post a Comment

Pages