જ્ઞાની સંચાલનનો આદર્શ માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન સુધી સીમિત નથી, પરંતુ આજના માનવ વર્તન અને કોર્પોરેટ
સંસ્કૃતિ માટે એક વ્યવહારુ અને પ્રભાવશાળી માળખું પૂરું પાડે છે. ભગવદ્ ગીતા અધ્યાય 4ના શ્લોક 34માં
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया |
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन: ||३४||
કૃષ્ણ જે રીતે વિનયપૂર્વક જ્ઞાન મેળવવાની વાત કરે છે, તે આધુનિક સમયમાં ગુરુ, મેન્ટર અને કાઉન્સેલિંગની ભૂમિકાને નવી ઊંચાઈ આપે છે. કારણ કે ઝડપી ટેકનોલોજી, સતત બદલાતું બજાર અને વધતી સ્પર્ધાના યુગમાં માત્ર માહિતી હોવી પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશામાં તેનો ઉપયોગ કરતાં શીખવું સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે.
આજનો યુવા પ્રોફેશનલ ઘણીવાર સફળતા માટે શોર્ટકટ શોધે છે, ગૂગલ, એઆઈ અને સોશિયલ મીડિયા પરથી જવાબ મેળવી લે છે, પરંતુ અનુભવ, સમજ અને મૂલ્યો તો જીવનના અનુભવી માર્ગદર્શક પાસેથી જ મળે છે; તે કોઈ એલ્ગોરિધમ આપી શકતું નથી. અને આ જ જગ્યાએ વિનયનું મૂલ્ય પ્રગટ થાય છે, કારણ કે જે વ્યક્તિ પોતે બધું જાણે છે એવું માને છે, તે શીખવાનું બંધ કરી દે છે.

કોર્પોરેટ જગતમાં પણ મેનેજર કે લીડરનો સાચો આદર્શ એ છે કે તે માત્ર આદેશ આપનાર નહીં, પરંતુ માર્ગદર્શન આપનાર બને. પોતાની ટીમ માટે મેન્ટર બનીને તેમની ક્ષમતાને ઓળખે અને વિકસાવે, અને એવી સંસ્કૃતિ ઊભી કરે જ્યાં પ્રશ્ન પૂછવો કમજોરી નહીં, પરંતુ બુદ્ધિનું ચિહ્ન ગણાય.
વર્તમાન સમયમાં આપણે ઘણીવાર સલાહ માંગીએ છીએ, પરંતુ તે સ્વીકારવામાં અહંકાર આડે આવે છે, અને પરિણામે ભૂલો પુનરાવર્તિત થાય છે. ગીતા આપણને યાદ અપાવે છે કે નમ્રતા જ જ્ઞાનનું દ્વાર ખોલે છે.
અંતે, જે સંસ્થા અને સમાજ વિનય, માર્ગદર્શન અને સતત શીખવાની ભાવનાને પોતાની સંસ્કૃતિમાં ઉતારે છે, તે માત્ર સંબંધો ટકાવે છે એટલું જ નહીં, પરંતુ બદલાતા સમય સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા પણ વિકસાવે છે. અને આ જ સંચાલનનો સાચો આદર્શ છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
from chitralekha https://ift.tt/3ILK5U0
via
No comments:
Post a Comment