Latest

Thursday, February 12, 2026

સારપ શોધો… સારા બનો

અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ લિ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ શીખો. મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકીએ, એમની પાસેથી શીખી શકીએ. ગુરુ ક્યારે કયા સ્વરૂપમાં આવીને જ્ઞાન આપે એ કંઈ કહેવાય નહીં.

ચાહો તો ચાની પડીકી એટલે કે ટી-બૅગ જેવી નાનકડી વસ્તુ પાસેથી ગૂઢ સંદેશો મેળવી શકો. ગરમ પાણીમાં પાતળા દોરાથી પડીકી ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ પહેલી શીખામણ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ (ભૂકી) માણસને સ્વાદ-તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કાર હોય, પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? ટેસ્લાની ઈવી હોય, પણ બેટરી ચાર્જ ન હોય તો? ખીસામાં આઈફોન 17 પ્રો હોય, પરંતુ બેટરી ઝીરો ટકા હોય તો?

ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બેગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. એ જ રીતે કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે.

ત્રીજો સંદેશો ટી બૅગનો એ છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગમાં બારીક છિદ્રો હોય છે તેથી જ એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલો ગરમ પાણી સાથે ભળીને ચા બને છે.

હવે આ જુઓઃ ફુગ્ગો આકાશમાં એના લાલ-લીલા-પીળા રંગની મદદથી નથી ઊડતો, પરંતુ તેની અંદર ભરેલા ગૅસથી ઊડે છે. એવી જ રીતે, જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે એ વધારે અગત્યનું છે. આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂરો રેલાવતાં પહેલાં વાંસલડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ઝગારા મારે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશું તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપકવ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.

સ્વામી વિવેકાનંદ કહેતા, “તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે.” આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.

અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા 20 કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહેતા કે, સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.

જો દરેક ચીજમાં સારું જોવાનો પ્રયાસ કરીએ, એની પાસેથી કંઈ શીખીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે જરા એ વિચારો કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ, વગેરે આપણને કેવા કેવા બોધપાઠ આપે છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

 



from chitralekha https://ift.tt/QVCh8qK
via

No comments:

Post a Comment

Pages