Latest

Tuesday, February 24, 2026

ધર્મેન્દ્રની ‘ચરસ’ માં અમજદ ખાનનું મહત્વ વધી ગયું હતું

ફિલ્મ ‘ચરસ’ (1976) માત્ર એક એક્શન થ્રિલર નહોતી પણ તેની પાછળ અનેક અજાણી અને દિલચસ્પ વાતો છુપાયેલી છે. ફિલ્મ ‘શોલે’ના ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન આ ફિલ્મમાં હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે રામાનંદ સાગરે તેમને એક ટેલેન્ટ કોન્ટેસ્ટમાંથી પસંદ કર્યા હતા. જ્યારે ‘ચરસ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ‘શોલે’  રજૂ થઈ હતી અને અમજદ ખાન રાતોરાત સ્ટાર બની ગયા હતા. આ જોઈને વિતરકોના દબાણને કારણે રામાનંદ સાગરે ફિલ્મમાં અમજદ ખાનના રોલને વધારીને તેમને મુખ્ય ડ્રગ પેડલર ‘રોબર્ટ’ તરીકે રજૂ કર્યા હતા. જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી.

ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. ખાસ કરીને ‘કલ કી હસીન મુલાકાત કે લિયે’ અને ‘આજા તેરી યાદ આઈ’ વધુ પસંદ થયા હતા. ગીતકાર આનંદ બક્ષી વિશે એક અનોખી વાત એ છે કે તેઓ પોતાનો અવાજ ફિલ્મો માટે અશુભ માનતા હતા. તેથી જ્યારે ‘આજા તેરી યાદ આઈ’ ગીતમાં તેમણે અવાજ આપ્યો ત્યારે તેમણે રામાનંદ સાગરને વિનંતી કરી હતી કે ગીતની શરૂઆતમાં ધાર્મિક ચિત્રો બતાવવામાં આવે જેથી કોઈ નકારાત્મકતા ન રહે.

આ ફિલ્મનું શૂટિંગ જ્યારે યુરોપના ઇટાલી, ફ્રાન્સ અને માલ્ટા જેવા દેશોમાં ચાલી રહ્યું હતું ત્યારે પડદા પાછળ ધર્મેન્દ્ર અને હેમામાલિનીનો રોમાન્સ તેની ચરમસીમાએ હતો. ફિલ્મના પ્રમોશનમાં પણ ‘ધ હોટેસ્ટ રોમાન્સ ઓફ ધ યર’ સ્લોગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મજાની વાત એ છે કે હેમા મલિનીના પિતા હંમેશા તેમની સાથે રહેતા જેથી ધર્મેન્દ્રને તેમની સાથે બેસવાનો મોકો ન મળે. ધર્મેન્દ્ર પણ કમ નહોતા. તેઓ ગમે તેમ કરીને હેમાજીની બાજુમાં જગ્યા બનાવી જ લેતા.

ધર્મેન્દ્રના સેક્રેટરી દીનાનાથ તો હેમાજીના પિતાને વ્યસ્ત રાખવા માટે તેમને કેસિનો લઈ જતા અને એકવાર તો જાણીજોઈને છેલ્લી બોટ મિસ કરાવી દીધી હતી જેથી ધરમ-હેમાને સાથે સમય મળી શકે આ ફિલ્મનું નિર્માણ ખૂબ જ મર્યાદિત સંસાધનો સાથે થયું હતું. માલ્ટામાં શૂટિંગ દરમિયાન યુનિટના માત્ર છ લોકો જ મુંબઈથી ગયા હતા. ત્યાં કોઈ મેકઅપ મેન કે ડ્રેસ મેન નહોતો. ખુદ દિગ્દર્શક રામાનંદ સાગર અને તેમના પુત્ર પ્રેમ સાગર મોડી રાત સુધી કલાકારોના કપડાં પ્રેસ કરતા અને કલાકારો પોતાનો મેકઅપ જાતે જ કરતા હતા. જોકે, ફિલ્મનું શૂટિંગ જોખમોથી ભરેલું હતું. નટરાજ સ્ટુડિયોમાં ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં કેમેરા યુનિટની લિફ્ટ 40 ફૂટની ઊંચાઈએથી નીચે પડી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને સિનેમેટોગ્રાફર પ્રેમ સાગર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઇમરજન્સીના તે સમયગાળામાં ફિલ્મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સેન્સર બોર્ડ અને એન્ટી નાર્કોટિક્સ સેલની કડકાઈ એટલી હતી કે ફિલ્મના પોસ્ટરોમાં ધર્મેન્દ્રના હાથમાં રહેલી બંદૂકો પર રાતોરાત કાળો રંગ લગાવી દેવો પડ્યો હતો. કારણ કે ત્યારે હથિયારો બતાવવા પર પ્રતિબંધ હતો ફિલ્મને પ્રતિબંધિત થતી બચાવવા માટે રામાનંદ સાગરે ઘણા એક્શન સીન્સ કાપી નાખ્યા હતા.



from chitralekha https://ift.tt/5xZVYXr
via

No comments:

Post a Comment

Pages