Latest

Tuesday, April 7, 2026

કયા દેશોની સ્વાસ્થ્ય સેવાઓ છે વિશ્વમાં સર્વોપરી?

સ્વસ્થ શરીર એ જ સાચી સંપત્તિ છે, એ ઉક્તિ આજના ભાગદોડભર્યા યુગમાં વધુ પ્રસ્તુત બની છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો જેટલો ફાળો છે, એટલો જ ફાળો તબીબી ક્ષેત્રે થયેલા અદભૂત સંશોધનોનો પણ રહ્યો છે. આજે જ્યારે વિશ્વ એક તરફ આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ અવનવા રોગો અને સ્વાસ્થ્યલક્ષી પડકારો માનવજાતની કસોટી કરી રહ્યા છે.

અલબત્ત દુનિયામાં એવા અનેક રાષ્ટ્રો છે, જેમણે પોતાની સ્વાસ્થ્ય પ્રણાલીને એટલી મજબૂત બનાવી છે કે ત્યાં બીમારી સામેનો જંગ માત્ર હોસ્પિટલ પૂરતો સીમિત નથી રહ્યો, પણ નાગરિકોના જીવનનો એક હિસ્સો બની ગયો છે. 7 એપ્રિલ ‘વિશ્વ આરોગ્ય દિવસ’  આવી રહ્યો છે ત્યારે વાત કરીએ વિશ્વની શ્રેષ્ઠ પાંચ હેલ્થકેર સિસ્ટમ અને ભારતની વર્તમાન સ્થિતિ વિશે…

વિશ્વ આરોગ્ય દિવસ: ઈતિહાસ અને અનિવાર્યતા

દર વર્ષે 7 એપ્રિલે ‘વિશ્વ આરોગ્ય દિવસ’  ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1948માં જીનીવા ખાતે પ્રથમ ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’ યોજાઈ હતી, જેમાં વિશ્વના તમામ લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે એક સંગઠનની જરૂરિયાત વર્તાઈ. પરિણામે,7 એપ્રિલ 1948ના રોજ ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (WHO) ની સ્થાપના કરવામાં આવી. આ ઐતિહાસિક દિવસની યાદમાં વર્ષ 1950થી દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થાય છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.

વિશ્વની ટોપ-5 હેલ્થકેર સિસ્ટમ

સિંગાપોર: કાર્યક્ષમતા અને ટેકનોલોજીનો સંગમ

દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલું સિંગાપોર ભલે કદમાં નાનું હોય, પણ એની હેલ્થકેર સિસ્ટમ વિશ્વનું નેતૃત્વ કરે છે. અંદાજે 60 લાખની વસ્તી ધરાવતા આ ટાપુ રાષ્ટ્રની સફળતાનું રહસ્ય એનું ‘3-M’ મોડેલ છે. આ પ્રણાલી વ્યક્તિગત બચત અને સરકારી સબસીડીનું એવું સચોટ મિશ્રણ છે કે અહીં કોઈ પણ નાગરિક શ્રેષ્ઠ સારવારથી વંચિત રહેતો નથી. અહીંની હોસ્પિટલો અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીથી સજ્જ છે અને વેઇટિંગ પિરિયડ નહિવત હોવાને કારણે અહીં સરેરાશ આયુષ્ય 85 વર્ષ સુધી પહોંચ્યું છે.

દક્ષિણ કોરિયા: ડિજિટલ હેલ્થકેરની ક્રાંતિ

પૂર્વ એશિયાનું દક્ષિણ કોરિયા અંદાજે 5.17 કરોડની વસ્તી સાથે ‘સ્માર્ટ હેલ્થકેર’નું વૈશ્વિક હબ બની ગયું છે. અહીંની નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે દરેક નાગરિકને અત્યાધુનિક નિદાન સુવિધાઓ ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ થાય છે. વિશ્વમાં સૌથી વધુ MRI અને CT સ્કેન મશીનોની ઉપલબ્ધતાને કારણે અહીં બીમારીનું નિદાન સેકન્ડોમાં થાય છે. ખાસ કરીને કેન્સરની સારવાર અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સના સંચાલનમાં આ સિસ્ટમ વિશ્વમાં અગ્રેસર ગણાય છે.

નોર્વે: માનવીય અભિગમ અને જાહેર સુરક્ષા

ઉત્તર યુરોપમાં આવેલું નોર્વે અંદાજે 55 લાખની વસ્તી ધરાવે છે. એની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે ‘પબ્લિક ફંડેડ’ છે. અહીં સ્વાસ્થ્ય સેવાઓ એ નાગરિકોનો પાયાનો અધિકાર છે. 16 વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે તમામ સારવાર અને દવાઓનો ખર્ચ સરકાર ઉઠાવે છે. અહીંની સરકારી હોસ્પિટલો વિશ્વની શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે એવી હોય છે. અલબત્ત, સરકાર જીડીપીનો મોટો હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચીને પોતાના દરેક નાગરિકના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

સ્વિટ્ઝર્લેન્ડ: શિસ્તબદ્ધ અને ગુણવત્તાસભર મોડેલ

મધ્ય યુરોપનું સ્વિટ્ઝર્લેન્ડ અંદાજે 88 લાખની વસ્તી ધરાવે છે. અહીંની હેલ્થકેર સિસ્ટમ એની અદ્ભુત શિસ્ત અને ગુણવત્તા માટે જાણીતી છે. અહીં દરેક નાગરિક માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે, જેના કારણે સિસ્ટમમાં નાણાકીય પ્રવાહ જળવાઈ રહે છે. હોસ્પિટલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ એ જ દિવસે મળી રહે છે, જે આ પ્રણાલીની સૌથી મોટી તાકાત છે.

નેધરલેન્ડ: પ્રાથમિક સારવારનો આદર્શ નમૂનો

પશ્ચિમ યુરોપનું નેધરલેન્ડ અંદાજે 1.78 કરોડની વસ્તી સાથે સતત યુરોપિયન હેલ્થ કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં ટોચ પર રહે છે. અહીંની હેલ્થકેર સિસ્ટમમાં ‘ફેમિલી ડોક્ટર’ (GP) ની ભૂમિકા સૌથી મહત્વની છે. 24 કલાક ઉપલબ્ધ રહેતા આ ડોક્ટરોને કારણે મોટી હોસ્પિટલો પરનું ભારણ ઘટે છે અને દર્દીને વ્યક્તિગત સંભાળ મળે છે. માનસિક સ્વાસ્થ્ય અને વૃદ્ધોની માવજત માટેની સુવિધાઓમાં આ સિસ્ટમ વિશ્વભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભારત મેડિકલ ટુરિઝમમાં ‘કિંગ’ પણ ઇન્ડેક્સમાં પાછળ

ભારતની સ્વાસ્થ્ય સેવાઓની વાત કરીએ, ત્યારે ચિત્ર અત્યંત જટિલ અને વિરોધાભાસી જણાય છે. વૈશ્વિક હેલ્થકેર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન સામાન્ય રીતે 110થી 120ની વચ્ચે રહે છે, જે દર્શાવે છે કે વિકસિત રાષ્ટ્રોની તુલનામાં આપણે હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે. ભારત માટે સૌથી મોટો પડકાર એની વિશાળ વસ્તી અને મર્યાદિત બજેટનો રહ્યો છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ, ભારત પોતાની જીડીપી (GDP) ના અંદાજે માત્ર 2.1 ટકા જેટલો જ હિસ્સો સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે, જે વિકસિત દેશોના 10 ટકાથી 12 ટકા ખર્ચની સરખામણીએ ઘણો ઓછો છે. આ મર્યાદિત બજેટની સીધી અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પડે છે, જેના કારણે ભારતમાં હજુ પણ દર 1 હજાર વ્યક્તિએ હોસ્પિટલ બેડની સંખ્યા 0.5થી 1ની વચ્ચે જ જોવા મળે છે, જે WHOના નિર્ધારિત નિયમો અને આધુનિક જરૂરિયાતો મુજબ અત્યંત ઓછી છે.

ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સૌથી મોટી ચિંતાનો વિષય ‘ખિસ્સા પરનો ભાર’  પણ છે. આજે પણ ભારતના સામાન્ય માણસના કુલ મેડિકલ ખર્ચના 48 ટકાથી 50 ટકા જેટલા રૂપિયા એના પોતાના ખિસ્સા કે જીવનભરની બચતમાંથી ખર્ચાય છે, જ્યારે વિકસિત દેશોમાં આ આંકડો 10 ટકાથી પણ ઓછો હોય છે. પરિણામે, મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારમાં કોઈ એક ગંભીર બીમારીનું આગમન એને આર્થિક રીતે ગરીબી રેખા નીચે ધકેલવા માટે પૂરતું હોય છે, જે આપણી હેલ્થકેર સિસ્ટમ માટે લાલબત્તી સમાન છે. અલબત્ત, આ સિક્કાની બીજી નકારાત્મક બાજુ વચ્ચે એક ઉજળું પાસું એ છે કે ભારતની ખાનગી હોસ્પિટલોની કાર્યક્ષમતા અને નિષ્ણાત ડોક્ટરોની આવડતને કારણે ભારત આજે ‘મેડિકલ ટુરિઝમ’નું વૈશ્વિક હબ બન્યું છે. વિદેશી દર્દીઓ માટે ભારત સસ્તી અને શ્રેષ્ઠ સારવાર માટેનું પ્રથમ પસંદગીનું સ્થળ છે, પરંતુ દેશના દરેક સામાન્ય નાગરિક સુધી આ સ્તરની સુલભ અને સસ્તી સેવાઓ પહોંચાડવી એ ભવિષ્યનો સૌથી મોટો પડકાર છે.

 



from chitralekha https://ift.tt/QnLpsdl
via

No comments:

Post a Comment

Pages