Latest

Sunday, August 16, 2026

નૈતિક નિર્ણય અને અંતઃશ્રદ્ધા: નેતૃત્વનું અદૃશ્ય દિશાસૂચક

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।

श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ॥

ભગવદ્ ગીતાના અધ્યાય 17ના શ્લોક 3માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યની શ્રદ્ધા તેના આંતરિક સ્વભાવ અનુસાર હોય છે – “यो यच्छ्रद्ध: स एव स:”, એટલે કે જેની જેવી શ્રદ્ધા હોય છે, તેવું જ તેનું વ્યક્તિત્વ ઘડાય છે. આ શ્લોક માત્ર ધાર્મિક શ્રદ્ધાની વાત કરતો નથી; તે મનુષ્યના આંતરિક મૂલ્યો, તેના નિર્ણયોની દિશા અને તેના ચારિત્ર્યના મૂળ આધારની વાત કરે છે. આધુનિક મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો દરેક નિર્ણય પાછળ કોઈ ને કોઈ ‘Inner Value System’ કાર્યરત હોય છે.

કોઈ સંસ્થાની નીતિઓ, નિયમો અને કાયદા બહારથી નિયંત્રણ લાવી શકે છે, પરંતુ યોગ્ય નિર્ણય લેવા માટેનું સાચું દિશાસૂચક હંમેશા અંતઃકરણમાં જ હોય છે. આજના સમયમાં માહિતીનો અભાવ નથી, કાયદાનો અભાવ નથી અને સલાહકારોનો પણ અભાવ નથી; છતાં ઘણી સંસ્થાઓ નૈતિક સંકટમાં ફસાઈ જાય છે. કારણ કે સમસ્યા જ્ઞાનની નથી, અંતઃશ્રદ્ધાની છે.

માણસ જે માને છે, તે જ અંતે જીવે છે. તેથી કોઈપણ CEO, મેનેજર કે ઉદ્યોગપતિનો સૌથી મોટો નિર્ણય બોર્ડરૂમમાં નહીં, પરંતુ તેના અંતઃકરણમાં લેવામાં આવે છે. આજના કોર્પોરેટ વિશ્વમાં ‘Ethical Governance’, ‘ESG’, ‘Corporate Integrity’ અને ‘Responsible Leadership’ જેવા શબ્દો ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ બધા વિચારોનો જીવંત આધાર તો વ્યક્તિની અંતઃશ્રદ્ધા જ છે. કોઈ સંસ્થા માત્ર નીતિ બનાવીને નૈતિક બની શકતી નથી; જ્યારે તેના નેતાઓ પોતે નૈતિકતાને જીવે છે ત્યારે જ નીતિઓ જીવંત બને છે.

નવી દ્રષ્ટિએ જોવામાં આવે તો શ્રદ્ધા એ માત્ર પૂજા-પાઠનો વિષય નથી; શ્રદ્ધા એ નિર્ણય લેવાની ગુણવત્તા છે. જે વ્યક્તિ સત્યમાં શ્રદ્ધા રાખે છે, તે મુશ્કેલ સમયમાં પણ સત્યનો માર્ગ પસંદ કરે છે. જે વ્યક્તિ માત્ર લાભમાં શ્રદ્ધા રાખે છે, તે દરેક નિર્ણયને નફાના ત્રાજવે તોલે છે. એટલે પ્રશ્ન એ નથી કે માણસ પાસે શ્રદ્ધા છે કે નહીં; પ્રશ્ન એ છે કે તેની શ્રદ્ધાનું કેન્દ્ર શું છે? આજના માનવ વર્તનમાં ઘણીવાર લોકો પોતાની છબીને બચાવવા માટે નિર્ણય લે છે, પોતાના સિદ્ધાંતોને બચાવવા માટે નહીં.

સોશિયલ મીડિયા અને જાહેર પ્રતિષ્ઠાના યુગમાં બહારની પ્રશંસા ઘણીવાર અંદરના અવાજ કરતાં વધુ પ્રભાવશાળી બની જાય છે. પરંતુ જે નેતા પોતાની અંતઃશ્રદ્ધાને સાંભળે છે, તે લોકપ્રિય નિર્ણય નહીં, યોગ્ય નિર્ણય લેવાની હિંમત રાખે છે. એવી વ્યક્તિ ક્યારેક ટૂંકા ગાળામાં નુકસાન સહન કરે છે, પરંતુ લાંબા ગાળે વિશ્વાસ અને પ્રતિષ્ઠા કમાય છે. કોઈપણ સંસ્થાની સૌથી મોટી સંપત્તિ તેની મૂડી નહીં, પરંતુ તેની નૈતિક વિશ્વસનીયતા છે. આ વિશ્વસનીયતા જાહેરાતોથી ઊભી થતી નથી; તે હજારો નાના-નાના નૈતિક નિર્ણયોથી નિર્માણ પામે છે.

ગીતાનો આ શ્લોક આપણને યાદ અપાવે છે કે શ્રદ્ધા માત્ર મંદિર સુધી મર્યાદિત નથી; તે ઓફિસના દરેક નિર્ણયમાં, દરેક કરારમાં, દરેક વચનમાં અને દરેક જવાબદારીમાં પણ જીવંત હોવી જોઈએ. અંતે, સફળ નેતૃત્વ બુદ્ધિથી જન્મે છે, પરંતુ મહાન નેતૃત્વ અંતઃશ્રદ્ધાથી જન્મે છે. કારણ કે બુદ્ધિ આપણને માર્ગ બતાવે છે, જ્યારે અંતઃશ્રદ્ધા નક્કી કરે છે કે તે માર્ગ પર ચાલવું કે નહીં. જ્યાં અંતઃકરણ જાગૃત હોય છે, ત્યાં નૈતિકતા નિયમ બનતી નથી – તે સ્વભાવ બની જાય છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)



from chitralekha https://ift.tt/ZvEe0uo
via

No comments:

Post a Comment

Pages