Latest

Sunday, August 16, 2026

માનવતાની પાંચ મહાન મિસાલ…

માનવતા એ માત્ર શબ્દ નથી, પરંતુ સંકટમાં મુકાયેલા કોઈ અજાણ્યા વ્યક્તિ માટે પોતાનું સુખ-ચેઇન કે જીવ પણ દાવ પર લગાવી દેવાની ભાવના છે. વિશ્વમાં જ્યારે પણ યુદ્ધ, કુદરતી હોનારત, મહામારી કે ભૂખમરો આવ્યો છે, ત્યારે કેટલાક એવા વિરલ માનવો પણ સામે આવ્યા છે જેમણે સ્વાર્થ વગર સમગ્ર માનવજાતની સેવા કરી છે.

આ જ માનવતાવાદી કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે દર વર્ષે 19 ઓગસ્ટે રોજ ‘વિશ્વ માનવતા દિવસ’ ઉજવવામાં આવે છે.

તો વાત કરીએ વિશ્વના માનવતાવાદીઓ વિશે, જેમણે પોતાની સેવાભાવનાથી લાખો લોકોના જીવન બદલી નાખ્યા…

આ દિવસ કેમ ઉજવાય છે ?

‘વિશ્વ માનવતા દિવસ’ ઉજવવા પાછળ એક અત્યંત દુઃખદ પરંતુ પ્રેરણાદાયી ઇતિહાસ જોડાયેલો છે. 19 ઓગસ્ટ 2003માં ઈરાકની રાજધાની બગદાદમાં આવેલી યુનાઈટેડ નેશન્સ (UN) ની ઓફિસ પર ભયાનક બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં યુએનના માનવતાવાદી અધિકારી સર્ગીઓ વિએરા ડી મેલો સહિત 22 સહાયકોના મોત થયા હતા. આ શહીદ માનવતાવાદીઓની યાદમાં અને દુનિયાભરમાં જીવના જોખમે અન્યોની મદદ કરતા તમામ હેલ્પર્સના કાર્યને બિરદાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UN General Assembly) દ્વારા વર્ષ 2008માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ દર વર્ષે 19 ઓગસ્ટે સત્તાવાર રીતે ‘વિશ્વ માનવતા દિવસ’ ઉજવવાની શરૂઆત થઈ.

મધર ટેરેસા,–અલ્બેનિયા- ભારત

યુરોપ ખંડના અલ્બેનિયામાં જન્મેલા પરંતુ ભારતને પોતાની કર્મભૂમિ બનાવનાર મધર ટેરેસા માનવસેવાનું પરમ ઉદાહરણ છે. એમણે ભારતના કોલકાતા શહેરથી ‘મિશનરીઝ ઓફ ચેરિટી’ની સ્થાપના કરી હતી. એમણે પોતાનું આખું જીવન ગરીબ, અનાથ, રોગીઓ અને ખાસ કરીને કોઢ (કુષ્ઠરોગ)થી પીડાતા એવા લોકો માટે સમર્પિત કરી દીધું જેમને સમાજે તરછોડી દીધા હતા. મધર ટેરેસાએ કોઈ પણ જાતના ભેદભાવ વિના આજીવન નિઃસ્વાર્થ સેવા કરી. એમની આ અવિરત અને અદ્ભુત માનવસેવા માટે એમને વર્ષ 1979માં વિશ્વના સર્વોચ્ચ ‘નોબેલ શાંતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ભારત સરકારે એમને ‘ભારત રત્ન’થી પણ નવાજ્યા હતા.

અબ્દુલ સત્તાર ઈધી, પાકિસ્તાન

પાકિસ્તાનના “એન્જલ ઓફ મર્સી” તરીકે ઓળખાતા અબ્દુલ સત્તાર ઈધી વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી માનવતાવાદીઓમાંના એક હતા. એમણે ખૂબ જ નાના પાયેથી ‘ઈધી ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. રસ્તા પરથી બિનવારસી નવજાત બાળકોને આશરો આપ્યો, મફત હોસ્પિટલો અને અનાથાશ્રમો બનાવ્યા. એટલું જ નહીં,  એમણે વિશ્વનું સૌથી મોટું ફ્રી એમ્બ્યુલન્સ નેટવર્ક ઊભું કર્યું. એમની પાસે એક જ કુરતો અને ચપ્પલની જોડી રહેતી એટલી સાદગીથી તેઓ જીવ્યા. એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘રામન મેગ્સેસે એવોર્ડ’ અને ‘ગીનીસ વર્લ્ડ રેકોર્ડ’ જેવા અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો. ડેનિસ મુકવેગે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (આફ્રિકા)

આફ્રિકાના યુદ્ધગ્રસ્ત દેશ કોંગોના આ ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) ડોક્ટરે માનવતા માટે જે કામ કર્યું છે એ અદ્ભુત છે. એમણે કોંગોમાં સંઘર્ષ અને યુદ્ધ દરમિયાન સશસ્ત્ર જૂથો દ્વારા હિંસાનો ભોગ બનેલી મહિલાઓની મફત સારવાર માટે ‘પંઝી હોસ્પિટલ’ ની સ્થાપના કરી. સતત બંદૂકોના વચ્ચે અને પોતાના જીવના જોખમે એમણે હજારો પીડિત મહિલાઓ અને બાળકીઓની સર્જરી કરી એમને નવું જીવન આપ્યું. આ સાહસિક અને માનવતાવાદી કાર્ય માટે વર્ષ 2018માં એમને ‘નોબેલ શાંતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હેનરી ડ્યુનાન્ટ, સ્વિટ્ઝરલેન્ડ

સ્વિસ વ્યાપારી હેનરી ડ્યુનાન્ટને આધુનિક માનવતાવાદી સહાયના જનક માનવામાં આવે છે. 1859માં સોલ્ફેરીનોના ભયાનક યુદ્ધમાં હજારો ઘાયલ સૈનિકોને તડપતા જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે ગામના લોકોને ભેગા કરીને કોઈપણ પક્ષપાત વગર ઘાયલ સૈનિકોની સારવાર શરૂ કરી. આ ઘટના બાદ એમણે વિશ્વભરમાં આપત્તિ કે યુદ્ધ સમયે મદદ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘રેડ ક્રોસ’ ની સ્થાપના કરી. માનવતાના આ કાર્ય માટે એમને વર્ષ 1901માં વિશ્વનો સૌથી પ્રથમ ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.

હોઝે એન્ડ્રેસ, સ્પેન- અમેરિકા

સ્પેનિશ-અમેરિકન શેફ હોઝે એન્ડ્રેસે માનવતાની સેવા માટે એક અલગ જ માર્ગ પસંદ કર્યો. તેમણે ‘વર્લ્ડ સેન્ટ્રલ કિચન’ (World Central Kitchen – WCK) નામના સંગઠનની સ્થાપના કરી. ભૂકંપ, વાવાઝોડું, પૂર કે યુદ્ધ જેમ કે યુક્રેન કે ગાઝા સંઘર્ષ જેવી કોઈ પણ મોટી આફત આવે ત્યારે હોઝે એન્ડ્રેસ અને એમની ટીમ તરત જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જાય છે અને પીડિત લોકોને મફત, તાજું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. એમની આ અનોખી સેવા માટે એમને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નેશનલ હ્યુમેનિટીઝ મેડલ’ અને ‘પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

હેતલ રાવ



from chitralekha https://ift.tt/1CwDqKg
via

No comments:

Post a Comment

Pages