Latest

Saturday, September 19, 2026

અમિતાભ બચ્ચને ગુલઝારની ‘મૌસમ’ છોડી દીધી હતી!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1976માં રજૂ થયેલી નિર્દેશક ગુલઝારની ફિલ્મ ‘મૌસમ’ (Mausam) એક અદ્ભુત કલાત્મક સર્જન ગણાય છે. એ. જે. ક્રોનિનની નવલકથા ‘ધ જુડાસ ટ્રી’ (The Judas Tree) પર આધારિત આ ફિલ્મ જેટલી એની સંવેદનશીલ વાર્તા માટે જાણીતી છે, એટલી જ એની રસપ્રદ અને આશ્ચર્યજનક કલાકારોની પસંદગી માટે પણ યાદ કરવામાં આવે છે.

એક ઉત્તમ ફિલ્મ સ્ક્રીન પર આકાર લે એ પહેલાં પડદા પાછળ કેવા કાસ્ટિંગ વિવાદો, અણધાર્યા વળાંકો અને રાજકારણ સર્જાય છે, એનો જીવંત પુરાવો એટલે ‘મૌસમ’.

ફિલ્મ ‘મૌસમ’ના લેખક કમલેશ્વર અને નિર્દેશક ગુલઝાર જ્યારે એની કથા પર કામ કરી રહ્યા હતા ત્યારે શરૂઆતમાં ગુલઝારની પહેલી પસંદ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી હતાં. પરંતુ આ ફિલ્મના કાસ્ટિંગમાં એક મોટો વળાંક આવ્યો હતો.

ફિલ્મના નિર્માતા પી. મલ્લિકાર્જુન રાવ અગાઉ અમિતાભ બચ્ચનને પોતાની બે ફિલ્મોમાં સાઇન કરવાનો ઇનકાર કરી ચૂક્યા હતા. જ્યારે અમિતાભને ખબર પડી કે ‘મૌસમ’ના પ્રોડ્યુસર મલ્લિકાર્જુન રાવ છે ત્યારે તેમણે શરત મૂકી કે જો ગુલઝાર નિર્માતા બદલે તો જ તેઓ આ ફિલ્મ કરશે. પરંતુ ગુલઝાર માટે નિર્માતાને બદલવાનું શક્ય નહોતું, તેથી અમિતાભ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયા હતા.

ગુલઝારને સંજીવ કુમારની અભિનયક્ષમતા પર સંપૂર્ણ ભરોસો હતો. તેમણે પોતાની બે સમાંતર ફિલ્મો ‘આંધી’ (Aandhi) અને ‘મૌસમ’ બંને માટે સંજીવ કુમારને પહેલેથી જ ફાઇનલ કરી લીધા હતા. ડૉ. ગિલના પાત્રમાં સંજીવ કુમારે યુવાનીના પ્રેમથી લઈને ઉંમરલાયક વ્યક્તિના પશ્ચાત્તાપ અને અપરાધભાવના સંઘર્ષને પોતાની આંખો અને ચહેરાના હાવભાવથી આબેહૂબ રજૂ કર્યો હતો.

અમિતાભ સાથે જયા પણ ફિલ્મમાંથી બહાર થયાં બાદ મુખ્ય અભિનેત્રી માટે અનેક નામોની ચર્ચા થઈ. જયા ભાદુરી અને રાખી બંનેએ ગુલઝારને ભલામણ કરી કે આ મુખ્ય રોલ અંજુ મહેન્દ્રુને આપવામાં આવે. જોકે, ગુલઝારને લાગ્યું કે પાત્રની ગંભીરતા મુજબ આ રોલ અંજુને માફક નહીં આવે, તેથી તેમણે આ વિચાર ફગાવી દીધો. આ નિર્ણયને કારણે અંજુ મહેન્દ્રુ લાંબા સમય સુધી ગુલઝારથી નારાજ રહ્યાં હતાં.

ત્યાર બાદ ઝરીના વહાબના નામ પર પણ વિચારણા થઈ, પરંતુ વાત નક્કી થઈ શકી નહીં.

આ દરમિયાન જ્યારે શર્મિલા ટાગોરને આ દમદાર વાર્તા વિશે જાણ થઈ ત્યારે તેમણે પોતે સામે ચાલીને ગુલઝારનો સંપર્ક કર્યો અને આ ફિલ્મમાં કામ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. ગુલઝારે તેમને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સોંપી, જેમાં તેમણે માતા ચંદા અને દીકરી કજલી—એમ બે પાત્રો ભજવવાનાં હતાં.

શર્મિલાએ એક તરફ પહાડી ભોળી કન્યા ‘ચંદા’ અને બીજી તરફ ગાળો બોલતી, બીડી પીતી ગણિકા ‘કજલી’—બંને પાત્રોમાં એવા અદ્ભુત પ્રાણ પૂર્યા કે તેમને આ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો.

ફિલ્મની સહાયક કાસ્ટમાં ઓમ શિવપુરી, દીના પાઠક અને આગા જેવા દિગ્ગજ કલાકારોને પસંદ કરવામાં આવ્યા હતા.

ફિલ્મના કલાકારોમાં આવેલા તમામ ફેરફારો છતાં ‘મૌસમ’નું અંતિમ કાસ્ટિંગ ભારતીય સિનેમા માટે આશીર્વાદરૂપ સાબિત થયું. જો આ ફિલ્મમાં અમિતાભ કે અન્ય કોઈ કલાકાર હોત તો કદાચ ક્લાસિક સિનેમાને સંજીવ કુમાર અને શર્મિલા ટાગોરની આ અવિસ્મરણીય જુગલબંધી જોવા ન મળી હોત.

The post અમિતાભ બચ્ચને ગુલઝારની ‘મૌસમ’ છોડી દીધી હતી! appeared first on chitralekha.



from chitralekha https://ift.tt/tA6jFeP
via

No comments:

Post a Comment

Pages