મુંબઈ:લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત વડાપ્રધાન મોદીની બમ્પર બહુમતી સાથેની જીતને પગલે ભારતીય બજાર આગામી સમયમાં નવાં સીમાચિહ્નો મેળવશે એવો અંદાજ છે. નવી સરકાર ધીમા પડી રહેલા અર્થતંત્રને વેગ આપવા મજબૂત પગલાં લેશે તેવી આશાએ ET સરવેમાં જુલાઈ સુધીમાં નિફ્ટીમાં 5-10 ટકા તેજીનો અંદાજ વ્યક્ત કરાયો છે.
31 મની મેનેજર્સ, રિસર્ચ હેડ અને માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ્સમાં 50 ટકાએ નિફ્ટી નવી સરકારના બજેટ (જુલાઈ) પહેલાં 12,500 અને 25 ટકા નિષ્ણાતોએ 13,000 થવાની આગાહી કરી છે. જોકે, 14 ટકા નિષ્ણાતોને નિફ્ટીમાં માત્ર 12,000 સુધી અને 11 ટકાને 11,500 સુધીનો જ વધારો દેખાય છે. 38 ટકા નિષ્ણાતોએ નિફ્ટી 31 ડિસેમ્બર સુધીમાં 13,000, 23 ટકાએ 13,500 અને 7 ટકાએ 14,000 થવાની આગાહી કરી છે. 20 ટકા નિષ્ણાતો વર્ષના અંત સુધીમાં નિફ્ટીને વર્તમાન સ્તરે 11,500-12,000ની રેન્જમાં અને 13 ટકા 12,300ની આસપાસ જોઈ રહ્યા છે.
બજારની તેજી માટે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ફરી NDAની પ્રચંડ બહુમતી સાથેની સરકાર કારણભૂત છે. UTI એસેટ મેનેજમેન્ટના ઇક્વિટી હેડ વેટ્રી સુબ્રમણિયને જણાવ્યું હતું કે, “વધારે બહુમતી સાથે એ જ સરકાર ફરી ચૂંટાવાને કારણે પોલિસીનું સાતત્ય જળવાશે. તે બિઝનેસ અને ગ્રાહકોના વિશ્વાસ માટે સાનુકૂળ બાબત છે. ચૂંટણીના કારણે રોકાણ કરવામાં ખચકાટ અનુભવી રહેલા લોકો હવે ઇક્વિટીમાં નાણાં રોકવાનું શરૂ કરશે.”
નિષ્ણાતોએ ET સરવેમાં 2019 માટે પસંદ કરેલા શેર્સમાં બજાજ ફાઇનાન્સ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. મની મેનેજર્સ અને એનાલિસ્ટ્સને હવેની મોદી સરકાર પાસે રાજકોષીય ખાધમાં અંકુશની આશા છે. રોજગારીમાં વૃદ્ધિ, NPAમાં સુધારો, PSU બેન્કોમાં રિકવરી અને આર્થિક વૃદ્ધિની પણ મોદી સરકાર પાસે આશા રાખવામાં આવી રહી છે.
ફંડ મેનેજર્સના મતે સ્થિર રાજકીય માહોલ મિડ અને સ્મોલ-કેપ શેર્સના સેન્ટિમેન્ટમાં સુધારો કરશે. ઉલ્લેખનીય છે કે, માર્ચથી આ કેટેગરીના શેર્સે તેજીમાં ભાગ લીધો નથી. BSE મિડ-કેપ ઇન્ડેક્સ 2019માં 3 ટકા ઘટ્યો છે. જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સે ચાલુ વર્ષે કોઈ વળતર આપ્યું નથી. આદિત્ય બિરલા સન લાઇફ મ્યુ ફંડના સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી તેજી મહદ્ અંશે સેન્સેક્સ અને નિફ્ટીમાં જ જોવાઈ છે. મારી ધારણા પ્રમાણે આ તેજી હવે બાકીના શેર્સમાં પણ થશે અને તેમાં મિડ-કેપ શેર્સની સક્રિયતા નોંધાશે, જે એકંદર માર્કેટ બ્રેડ્થમાં સુધારો કરશે.”
મની મેનેજર્સ અને એનાલિસ્ટ્સના મતે આગામી સમયમાં ફાઇનાન્શિયલ સેક્ટર બજારની આગેવાની લેશે. CLSAના જણાવ્યા અનુસાર નીચા ફુગાવાને કારણે પોલિસી રેટમાં 0.5 ટકા ઘટાડાને અવકાશ છે. 26 ટકા નિષ્ણાતોએ બેન્કિંગ સેક્ટર પર પસંદગી ઉતારી છે. 15 ટકાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 11 ટકા કેપિટલ ગૂડ્ઝ, 10 ટકાએ સિમેન્ટ અને 9 ટકાએ કન્સ્ટ્રક્શન સેક્ટરને પસંદ કર્યું છે. 35 ટકાએ ફાર્મા સેક્ટરને ટાળવાની હિમાયત કરી છે. 18 ટકાએ NBFC અને 12 ટકાએ ઓટો સેક્ટરમાં રોકાણ નહીં કરવાની સલાહ આપી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WpVZu8
No comments:
Post a Comment