Latest

Sunday, May 26, 2019

આજે લાખો રૂપિયા કમાતા જેઠાલાલ પાસે ‘તારક મહેતા…’ પહેલા એક વર્ષ સુધી કામ નહોતું

51 વર્ષના થયા ‘જેઠાલાલ’

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલને કોણ નથી ઓળખતું. જેઠાલાલ એટલે મસ્તમોજી વ્યક્તિ, બાપુજીનો ભારોભાર આદર રાખનાર, દયા સાથે મીઠી તકરાર, ટપ્પુના પ્રેમાળ અને ખોટી વાતે ખખડાવી નાખતા પિતા, જલેબી-ફાફડાના આશિક, બબીતાજીને જોઈને પાણી-પાણી થઈ જવું, મુસીબત આવ્યે મહેતા સાહેબ પાસે દોડી જવું, ગોકુલધામના દરેક વ્યક્તિની મદદ માટે હંમેશા તૈયાર રહેવું અને પોતના કોમિક ટાઈમિંગથી લોકોને પેટ પકડીને હસાવવા. જેઠાલાલના પાત્રના દરેક રંગને બખૂબીથી નિભાવતા એક્ટર દિલીપ જોષીનો આજે જન્મદિવસ છે. આજે દિલીપ જોષીનો ‘વન’માં પ્રવેશ થયો મતલબ કે તેઓ 51 વર્ષના થયા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પોરબંદરમાં થયો જન્મ

26 મે 1968ના રોજ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં બ્રાહ્મણ પરિવારમાં દિલીપ જોષીનો જન્મ થયો. દિલીપ જોષીએ મુંબઈની એન. એમ. કોલેજ ઓફ કોર્મસ એન્ડ ઈકોનોમિક્સમાંથી B.Comની ડિગ્રી લીધી છે. અભ્યાસ દરમિયાન INT (ઈન્ડિયન નેશનલ થિયેટર તરફથી) બે વખત બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે. 1997માં દિલીપે સીરિયલ ‘ક્યા બાત હૈ’થી ટીવી કરિયરની શરૂઆત કરી અને 1989માં ‘મેંને પ્યાર કિયા’થી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો.

ફિલ્મોમાં સફળ ન થતાં ટીવીની વાટ પકડી

દિલીપ જોષીએ બોલિવુડની ‘હમ આપકે હૈ કોન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમરાઝ’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી લગભગ 15 ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે ફિલ્મોમાં વધુ સફળતા ન મળતા તેમણે ટીવીની વાટ પકડી લીધી. ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી. આ સીરિયલ માટે દિલીપ જોષીને 16 જેટલા અવોર્ડ મળી ચૂક્યા છે. આ સીરિયલને દર્શકોની પસંદ બનાવવામાં દિલીપ જોષીનો મોટો ફાળો છે.

સંઘર્ષમય રહ્યું કરિયર

એક્ટિંગની સાથે દિલીપ જોષી મિમિક્રી પણ ખૂબ સરસ કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિલીપ જોષીએને જેઠાલાલનું પાત્ર ભજવવા માટે એક એપિસોડના લગભગ 1.50 લાખ રૂપિયા મળે છે. તેઓ મહિનાના 25 દિવસ શૂટ કરે છે. મતલબ કે તેમની એક મહિનાની કમાણી 37 લાખ રૂપિયાની આસપાસ છે. જો કે, ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરનાર દિલીપ જોષીના જીવનમાં એક સમય એવો આવ્યો હતો કે કોઈ કામ જ નહોતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સાઈન કરતાં પહેલા 1 વર્ષ સુધી દિલીપ જોષી બેરોજગાર હતા.

‘આજે ભગવાનની કૃપા છે’

એક ઈન્ટરવ્યૂમાં સંઘર્ષના દિવસો વિશે વાત કરતાં દિલીપ જોષીએ કહ્યું હતું કે, “તારક મહેતા… પહેલાનું એક વર્ષ સંઘર્ષમય હતું. હું જે પણ શોમાં કામ કરતો હતો તે બંધ થઈ જતો. ત્યારે હું વિચારતો હતો કે હવે આ ઉંમરે કઈ લાઈનમાં જઉં જેથી મને કામ મળે. જો કે, હવે ભગવાનની કૃપા છે એટલે જીવનભર કંઈ વિચારવાનું નહીં રહે.” જણાવી દઈએ કે, શોના પ્રોડ્યુસર આસિત મોદીએ દિલીપ જોષીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોલની બે પસંદગી આપી હતી- ચંપક ચાચા અને જેઠાલાલ. આખરે એક્ટરે જેઠાલાલનો રોલ પસંદ કર્યો અને આજે દુનિયા આખીમાં તેમણે ઓળખ મેળવી છે.

જબરદસ્ત છે ફેન ફોલોઈંગ

 

જેઠાલાલની ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે એ આ કિસ્સા પરથી તમને અંદાજો આવશે. લગભગ એકાદ વર્ષ પહેલાની આ ઘટના છે. રિપોર્ટ મુજબ, 13 અને 14 વર્ષના રાજસ્થાનના બે બાળકો દિલીપ જોષીને મળવા માટે પોતાના ઘરેથી ભાગી ગયા હતા. દિલીપ જોષીને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તેમણે કહ્યું, “આ ખૂબ જ ભયાનક છે. પોલીસે બાળકોને પકડી લીધા તે સારી વાત છે. જો તે કોઈ અસામાજિક તત્વોના હાથે ચડી ગયા હોત તો મુસીબત ઊભી થઈ હોત. બાળકોએ આવું ન કરવું જોઈએ.”

ગુજરાતી નાટકોમાં પણ કર્યું છે કામ

જણાવી દઈએ કે, દિલીપે ‘જલસા કરો જયંતિલાલ’, ‘બાપુ તમે કમાલ કરી’ વગેરે જેવા ઘણાં ગુજરાતી નાટકો પણ કર્યા છે. ગુજરાતી નાટક જલસા કરો જયંતિલાલમાં દિલીપ દયાબેન એટલે કે દિશા વાકાણી સાથે કામ કર્યું છે. રિપોર્ટ મુજબ, અગાઉ દિશા સાથે કામ કરી ચૂકેલા દિલીપે જ દયાના રોલ માટે આસિત મોદીને દિશાનું નામ સૂચવ્યું હતું. દિલીપ જોષીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે જયમાલા સાથે લગ્ન કર્યા છે. દિલીપના બાળકો છે. દીકરો રિત્વિક અને દીકરી નિયતિ.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2VVNfaU

No comments:

Post a Comment

Pages