Latest

Wednesday, May 22, 2019

બોપલ, ઘુમા અને સાણંદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાશે

કપિલ દવે, ગાંધીનગર: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તેમજ સુરત જેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસ પણ હવે અનેક ‘સેટેલાઈટ સિટી’ બની ગયા છે. રાજ્ય સરકારે 2020માં આવી રહેલી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ તમામ સેટેલાઈટ સિટીને મોટા શહેરોમાં ભેળવી દેવા કવાયત શરુ કરી દીધી છે. શહેરી વિકાસ વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોને આ અંગે રિપોર્ટ સુપ્રત કરવા માટે નિર્દેશ આપી દેવાયો છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

મહત્વનું છે કે, સાણંદ, બોપલ, ઘુમા તેમજ શેલા જેવા વિસ્તારોમાં વસ્તી ઝડપથી વધી રહી છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો અભાવ છે. જેથી અહીંના લોકો લાંબા સમયથી આ ‘સેટેલાઈટ સિટી’ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવાઈ લેવાય તેવી માગ કરી રહ્યા છે. અમદાવાદની જેમ વડોદરાની આસપાસના ભાયલી, દેના અને ઉદેરા જેવા વિસ્તારો, રાજકોટની આસપાસના મોટા મઉવા, કાલાવાડ રોડ, માધાપર, ઘંટેશ્વર જેવા વિસ્તારોને રાજકોટ મ્યુનિ. કોર્પો.માં ભેળવી દેવાની લાંબા સમયથી માગ થઈ રહી છે.

અમદાવાદની આસપાસના બોપલ, ઘુમા અને સાણંદનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી દેવા માટે પણ કવાયત શરુ કરાઈ છે. મહત્વનું છે કે, અમદાવાદની આસપાસ વિકસેલા આ ‘સેટેલાઈટ સિટી’માં ઔડાએ હાલમાં જ 534 કરોડ રુપિયાના ખર્ચે પાણી, રસ્તા, ગટર તેમજ અન્ય સુવિધાઓ વિકસાવવાના કામોની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે આખરે 2011ની વસ્તી ગણતરીના આધારે ગ્રામ પંચાયતો તેમજ મ્યુનિસિપાલિટીઓને લાગતી-વળગતી મહાનગરપાલિકામાં ભેળવી દેવા પ્રક્રિયા શરુ કરી છે. શહેરી વિકાસ વિભાગના સૂત્રોનું માનીએ તો, 2011ની વસ્તી ગણતરી અનુસાર અમાદવાદ સિટીમાં 65 જેટલા ગામડાં ઉમેરવામાં આવશે. અમદાવાદ તેમજ ગાંધીનગરની આસપાસના ગામડાં, સાણંદ તેમજ તેની આસપાસના ગામડાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવી લેવાશે.

અમદાવાદની આસપાસ વિકસેલા નાના ટાઉન્સને કેટલીક સુવિધાઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પર જ આધાર રાખવો પડે છે. બોપલ, ઘુમામાં AMTS, BRTS તેમજ સાણંદમાં AMTSની સવલત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ડ્રેનેજ નેટવર્કની સુવિધા વધુ સારી બનાવવામાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ લેવાઈ રહી છે. ગાંધીનગરમાં પણ પેથાપુરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાય તેવી શક્યતા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Wdd0aM

No comments:

Post a Comment

Pages