અદિતી શ્રીવાસ્તવ
બેંગલુરુ:ભારતમાં ફૂડ ડિલિવરી માર્કેટમાં ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે પરંતુ ઓલા અને ઉબર જેવી ટેક્સી કંપનીઓએ આ સેક્ટરમાં પોતાનું ફોકસ ઓછું કર્યું છે. પરિણામે સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ માટે અનુકૂળ સ્થિતિ પેદા થઈ છે.
ફૂડ ડિલિવરી બિઝનેસમાં પુષ્કળ પ્રમાણમાં નાણાં ખર્ચાતાં હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. ઓલાએ ફૂડપાન્ડા અને ઉબરે ઉબરઇટ્સ પાછળ એક વર્ષમાં જંગી રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ હવે બંનેએ ફૂડ બિઝનેસમાં રોકાણ ઘટાડ્યું છે. ઓલાએ વધુ આક્રમક રીતે સંકોચન કર્યું છે જ્યારે ઉબરે ભારતમાં ફૂડ ડિલિવરી બિઝનેસ માટે વાર્ષિક ફાળવણી ઘટાડીને 90થી 120 મિલિયન ડોલર કરી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી ઉબરે ફેબ્રુઆરીમાં કસ્ટમર ઇન્સેન્ટિવમાં મોટા પાયે કાપ મૂક્યો હતો. આ અગાઉ સાન ફ્રાન્સિસ્કો સ્થિત કેબ એગ્રીગેટરે ભારત માટે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે બજેટ ફાળવ્યું હતું. આ વિશે ઉબરને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો.
ઇટીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે ઓલાએ ફૂડપાન્ડા માટે વધારે નાણાં ખર્ચવાનું બંધ કરી દીધું છે. ફૂડપાન્ડાને તે પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે વિકસાવવા માંગે છે જેમાં ગ્રેટ ખીચડી એક્સપિરિયન્સ, લવમેડ અને FLRT સામેલ છે.
ભારતમાં ફૂડ ડિલિવરી માર્કેટ 2021ના અંત સુધીમાં 2.5 અબજથી 3.5 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે તેમ રેડસિયર કન્સલ્ટન્સીએ તેના અંદાજમાં જણાવ્યું હતું. ઉબરે ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તેના ફૂડ ડિલિવરી બિઝનેસનું સ્વિગીને વેચાણ કરવાની યોજના આઇપીઓ પ્લાનના કારણે અટકી પડી હતી. તાજેતરમાં ઉબરે શેરબજાર પર લિસ્ટિંગ કર્યું હતું જે નિરાશાજનક રહ્યું છે. અમેરિકાના આઇપીઓ ઇતિહાસમાં તેના શેરે પ્રથમ દિવસે ડોલરમાં સૌથી મોટા કડાકાનો સામનો કર્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Wj7NhB
No comments:
Post a Comment