સુરતઃ વલસાડની 40 વર્ષીય શિક્ષિકાએ તેનું શારિરીક શોષણ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના આરોપ પ્રમાણે 15મી ઓગસ્ટે જ્યારે તે મહિલા કોચમાં બેઠી હતી ત્યારે ચાલુ ટ્રેને એક શખ્સે તેની સાથે આવી હરકત કરી હતી. મહિલા એકલી મુસાફરી કરી રહી હોવાથી આરોપીએ તેનો લાભ ઉઠાવ્યો હતો. સિક્યુરિટી એજન્સી એલર્ટ હતી, તેમ છતાં આરોપી નવસારી રેલવે સ્ટેશન પરથી ગુજરાત ક્વીનના મહિલા કોચમાં ચડી ગયો હતો અને બાદમાં શિક્ષિકાની છેડતી કરી હતી.
મહિલાની છેડતી કરવા બદલ 30 વર્ષીય શખ્સ સામે વલસાડના ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP)સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે, પરંતુ તેને કોઈ પત્તો હાથ લાગ્યો નથી. જેથી કરીને હવે પોલીસે ક્ષેત્રમાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનમાં તેનો કોમ્પ્યુટર સ્કેચ ફરતો કર્યો હતો.
ફરિયાદી મહિલા ગુરુવારે સવારે વલસાડથી વડોદરા ગઈ હતી અને પોતાના ભાઈને રાખડી બાંધ્યા બાદ ગુજરાત ક્વીનમાં ઘરે પરત ફરી રહી હતી. વડોદરાથી તેણે સાંજે 8.10 કલાકની ટ્રેન પકડી હતી અને મહિલા કોચમાં બેસી ગઈ હતી. રાત્રે 11.40 કલાકે જ્યારે ટ્રેન નવસારી પહોંચી ત્યારે તે કોચમાં તેના સિવાય બીજી કોઈ મહિલા હતી નહીં.
આરોપી નવસારીથી ટ્રેનમાં ચડ્યો અને થોડીવાર દરવાજા પાસે ઊભો રહ્યો. જ્યારે ટ્રેન ચાલુ થઈ ત્યારે તે મહિલાની નજીક ગયો હતો અને પોતાના હાથથી તેનું મોં બંધ કરી દીધું હતું. તેણે મહિલાને ધમકી આપી હતી કે જો તે બૂમો પાડશે તો તે તેને બહાર ફેંકી દેશે. આરોપીએ મહિલાને શારિરીક અડપલા કર્યા હતા અને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કર્યો હતો, તેવો મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે.
મહિલાએ મદદ મેળવવા માટે પોતાના મોબાઈલમાંથી પતિને ફોન કર્યો હતો. તેના પતિએ પોલીસને કોન્ટેક્ટ કર્યો હતો અને તેને જનરલ કોચમાં બેસી જવા માટે કહ્યું હતું, તેવું મહિલાએ ફરિયાદમાં કહ્યું.
જ્યારે ટ્રેન અમલસાડ રેલવે સ્ટેશન પર ઊભી રહી ત્યારે મહિલા નીચે ઊતરી ગઈ હતી અને જનરલ કોચમાં બેસી ગઈ હતી. જ્યાં તેણે અન્ય મુસાફરોને પણ આ વિશે જાણ કરી હતી અને આરોપીને પકડવા માટે તે મહિલા કોચમાં પરત ફરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે નાસી ગયો હતો.
‘અમને આરોપીનો સ્કેચ મળ્યો છે અને અમે શંકાસ્પદો પર નજર રાખવા માટે સતર્ક રહેવાનું પોલીસકર્મીઓને જણાવ્યું છે, તેની ધરપકડ હજુ સુધી કરાઈ નથી. ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી તેના કોઈ ફૂટેજ મળ્યા નથી’ તેમ સુરત GRPના DSP ડી.જી. કાંથરિયાએ કહ્યું.
‘મહિલાનું શોષણ કરનાર આરોપીને ઝડપી પાડવા માટે અમારી ટીમ સતત તપાસ કરી રહી છે. આવી ઘટના ફરી ન બને તે માટે અમે ચાલુ ટ્રેનમાં સુરક્ષા વધારી દઈશું’ તેમ રેલવે પ્રોટેક્શન ફોર્સના DSP રાકેશ પાંડેએ કહ્યું.
from Page Array – I Am Gujarat https://ift.tt/31PMt2v
No comments:
Post a Comment