સુશાંતના પિતાએ દીકરા સાથે થયેલી વાતચીતનો કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાનના લગભગ 14 દિવસ પછી તેના પિતા કે. કે. સિંહે એક માત્ર દીકરા વિશે વાત કરી છે. દીકરાના નિધનના સમાચાર સાંભળીને બેભાન થઈ ગયેલા કે. કે. સિંહ આ વજ્રાઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વ્હાલસોયા દીકરા સાથેની છેલ્લી વાતચીત અને તેના અંતિમ સંસ્કાર વિશે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પહેલા કરતાં શાંત રહેવા લાગ્યો હતો સુશાંત
એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં સુશાંતના પિતાએ જણાવ્યું કે, ‘ઘણી માનતા માન્યા બાદ દીકરાનો જન્મ થયો હતો. ચાર દીકરીઓ પછી સુશાંત જન્મ્યો હતો. ત્રણ વર્ષ સુધી માનતા માની હતી ત્યારે તેનો જન્મ થયો હતો.’ સુશાંતના પિતા દીકરાને ઈશ્વરના આશીર્વાદ સમજતા હતા. તેમણે આગળ કહ્યું, “બાળપણમાં સુશાંત ખૂબ વાતો કરતો હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શાંત થઈ ગયો અને એકાંતમાં રહેવા લાગ્યો. પહેલા બધું જ કહેતો હતો પરંતુ છેલ્લે કંઈ ના કહ્યું.”
‘અંકિતા આવી હતી મળવા’
સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વિશે વાત કરતાં કે.કે. સિંહે કહ્યું, “અંકિતા મુંબઈ અને પટના પણ અમને મળવા આવી હતી. સુશાંતના જીવનમાં જે પણ યુવતીઓ આવી તેમાંથી હું માત્ર અંકિતાને ઓળખતો હતો. રિયા ચક્રવર્તીને નથી ઓળખતો.” જણાવી દઈએ કે, સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર અંકિતા લોખંડે અને સુશાંતની મુલાકાત થઈ હતી. અહીં જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેમની રિલેશનશીપ ઘણા વર્ષો સુધી રહી હતી અને લગ્નની ચર્ચા પણ હતી. જો કે, એ પહેલા જ બંને છૂટા પડી ગયા.
2021માં લગ્ન કરવાનો હતો સુશાંત

સુશાંતના લગ્નના અહેવાલો વિશે વાત કરતાં કે. કે. સિંહે કહ્યું, “હા, લગ્ન અંગે મારી સુશાંત સાથે વાત થઈ હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે તે લગ્ન કરવા રાજી નહોતો. પછી એક ફિલ્મ આવવાની હોવાથી તેણે કહ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2021માં લગ્ન વિશે વિચારીશું. અમે તેને કહ્યું હતું કે તે પોતાની ગમતી યુવતી સાથે લગ્ન કરી લે કારણે આખી જિંદગી એ બંનેએ જ સાથે વિતાવવાની છે.” જો કે, સુશાંતના પિતાએ સુશાંત કોની સાથે લગ્ન કરવા માગતો હતો તે જણાવ્યું નહોતું.
ક્રિતી સેનન સુશાંતના પિતાને મળી હતી
આ સાથે જ સુશાંતના પિતાએ જણાવ્યું કે, અંતિમ સંસ્કારમાં ક્રિતી સેનન તેમને વ્યક્તિગત રીતે મળવા આવી હતી. જણાવી દઈએ કે, 14 જૂનના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત ઘરે સુશાંતે જીવન ટૂંકાવ્યું હતું. 15 જૂને મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં ક્રિતી સેનન, શ્રદ્ધા કપૂર, રણવીર શૌરી, રાજકુમાર રાવ જેવા કલાકારો હાજર રહ્યા હતા. સુશાંતનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જેમાં ગળે ફાંસો ખાવાના લીધે શ્વાસ રુંધાઈ જતાં તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ષડયંત્ર થયું હોવાના કોઈ સંકેત મળતા નથી. જો કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 23 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
‘દિલ બેચારા’ 24 જુલાઈએ રિલીઝ થશે

ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવુડમાં કરિયર શરૂ કરનારા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને દરેક વ્યક્તિ ફ્રીમાં જોઈ શકશે. સુશાંત સાથે આ ફિલ્મમાં સંજના સંઘી લીડ રોલમાં છે. આ ફિલ્મને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. હોલિવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે આ ફિલ્મ.
from Page Array – I Am Gujarat https://ift.tt/384oil9
No comments:
Post a Comment