જયપુર: બાબા રામદેવની કંપની પતંજલિએ બનાવેલી કહેવાતી કોરોનાની દવા પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દવા માટે કોઈ પૂર્વ મંજૂરી ના લેવાઈ હોવાનું તેમજ તેની ક્લિનિકલ ટ્રાયલ પણ ના કરાઈ હોવાના દાવા અને આક્ષેપો બાદ હવે આ દવાનો કોરોનાના દર્દીઓ પર પ્રયોગ કરવા બદલ જયપુરની NIMS હોસ્પિટલને નોટિસ ફટકારાઈ છે.
રાજસ્થાનના આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ મોકલીને દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો તે અંગે ખુલાસો કરવા કહ્યું છે. જયપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. નરોત્તમ શર્માના જણાવ્યા અનુસાર, હોસ્પિટલે રાજ્ય સરકારને પૂછ્યા વિના જ આ દવા દર્દીઓને આપી હતી.
હોસ્પિટલ તરફથી રાજ્ય સરકારને નોટિસનો પ્રત્યુત્તર આપવાનો બાકી છે. રામદેવે પોતે કોરોનાની દવા બનાવી લીધી હોવાનો દાવો કરતા તેના પર અનેક સવાલો ઉઠાવાયા હતા. મંગળવારે આયુષ મંત્રાલયે આ દવા અંગેની તમામ માહિતી તેમજ તેની ક્લિનિકલ ટ્રાયલનો ડેટા પતંજલિ પાસેથી મગાવ્યો હતો. આ ઉપરાંત, તેનો પ્રચાર કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો રામદેવની બનાવેલી આ દવા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. રાજસ્થાન સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે તેની પરવાનગી વિના આ દવાનો ઉપયોગ નહીં કરી શકાય. રાજ્યના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ બુધવારે જણાવ્યું હતું કે જો કોઈ આ દવાનું વેચાણ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનિલ લોન્ચ કરતી વેળાએ પતંજલિએ દાવો કર્યો હતો કે આ દવા સાત જ દિવસમાં કોરોનાને મટાડી શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZgFJe3
No comments:
Post a Comment