હિન્દી ફિલ્મોમાં સાતથી વધુ વર્ષથી અભિનેત્રી બનવા સંઘર્ષ કરતી તૃપ્તિ ડિમરીની ‘એનિમલ’ (૨૦૨૪) પછી ઘણી ફિલ્મો આવી છે. પહેલી બે ફિલ્મના ઓડિશનમાં એ નાપાસ થઈ હતી પણ નસીબ બળવાન હતું કે એમાં જ ફરી તક મળી હતી. દિલ્હીમાં રહેતી તૃપ્તિના ભાઈના મિત્રએ એની કેટલીક તસવીરો ખેંચી હતી. એ એને કહ્યા વગર ક્યાંક મોકલી આપી હતી અને એને મોડેલ તરીકે પસંદ કરી લેવામાં આવી હતી. પિતાને કહ્યા વગર એણે મોડેલ તરીકે કામ કર્યું. જ્યારે કહ્યું ત્યારે એમણે અભ્યાસ પર જ ધ્યાન આપવા કહ્યું. પિતાના કહેવાથી તે ભણતી હતી. પણ મેગેઝીનમાં મોડેલ તરીકે ફોટા આવવા લાગ્યા ત્યારે એમને લાગ્યું કે તૃપ્તિ સારું કરી રહી છે.
દિલ્હી અને મુંબઈમાં એક-બે વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. પૈસા માટે તે કેટલૉગનું શુટિંગ કરતી હતી. એમાં બહુ મજા આવતી ન હતી. મોડેલ તરીકે કામ કરી રહી હતી ત્યારે અભિનય કરવાની ઈચ્છા વધી રહી હતી. દિલ્હીમાં તૃપ્તિએ ફિલ્મ ‘પોસ્ટર બોય્ઝ’ (૨૦૧૭) માટે ઓડિશન આપ્યું હતું પણ નાપાસ થઈ ગઈ હતી. તૃપ્તિને ‘સંતૂર’ ની જાહેરાતમાં કામ કરવા મુંબઇ આવવું પડ્યું હતું. અને ટીવી સિરિયલ તથા ફિલ્મ માટે ઓડિશન આપવાનું શરૂ કરી દીધું હતું. દરમ્યાનમાં ‘પોસ્ટર બોય્ઝ’ માટે મુંબઈમાં ફરી ઓડિશનની તક મળી. અને એ પાસ થઈ ગઈ હતી. એ ફિલ્મમાં દેઓલ પરિવાર હતો એટલે એની ખાસ નોંધ લેવાઈ ન હતી.
રસપ્રદ વાત એ છે કે ‘પોસ્ટર બોય્ઝ’ ની જેમ ‘લૈલા મજનૂ’ (૧૯૧૮) માટે દિલ્હીમાં જ ઓડિશન આપ્યું હતું. અને એમાં પણ એ નાપાસ થઈ ગઈ હતી. ખુદ તૃપ્તિને ખબર હતી કે એને અભિનય આવડતો ન હતો અને ઓડિશનમાં તે સારું કરી શકી ન હતી. એ જ્યારે મુંબઇ આવી ત્યારે મોડેલિંગ કરતી વખતે કોઈએ કહ્યું કે ‘લૈલા મજનૂ’ ના ઓડિશન ચાલી રહ્યા છે. તારે પ્રયત્ન કરવો જોઈએ. તૃપ્તિએ એમ કહીને ના પાડી હતી કે એક વખત એમણે મને નાપાસ કરી દીધી છે એટલે ફરીથી જવાનું યોગ્ય નથી. એ ફિલ્મ એના નસીબમાં હતી એટલે ફરી મળી હતી. બન્યું એવું કે તૃપ્તિ એની મિત્ર સાથે એક જાહેરાતના ઓડિશન માટે ગઈ હતી. ત્યારે મિત્રએ કહ્યું કે મારું એક ફિલ્મ માટે ઓડિશન છે. તું મારી સાથે આવ. આપણે એક જ રીક્ષામાં ઘરે પાછા જતાં રહીશું.
તૃપ્તિ એની સાથે ગઈ અને બહાર બેઠી હતી ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે એને જોઈને પૂછ્યું કે હવે તમારું ઓડિશન છે ને? ત્યારે તૃપ્તિએ કહ્યું કે હું મારી મિત્રની રાહ જોતી બેઠી છું. એણે કહ્યું કે તમે કાશ્મીરી પહાડી લાગો છો. તમે ઓડિશન આપી દો. તૃપ્તિ ઓડિશન માટે કોઈ રીતે તૈયાર ન હતી. એણે પછીથી મિત્રના જ કપડાં પહેરીને ઓડિશન આપી દીધું. બીજા દિવસે નિર્દેશક સાજીદ અલીએ એને બોલાવીને ચર્ચા કરી. અને અવિનાશ તિવારી સાથે ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી.
‘લૈલા મજનૂ’ તૃપ્તિની હીરોઈન તરીકે પહેલી ફિલ્મ હતી એને અભિનય આવડતો ન હતો. તેથી અવિનાશની સલાહથી અભિનયના વર્કશોપમાં ભાગ લીધો હતો. ત્યારે પણ જીવન નિર્વાહ માટે એ કેટલૉગનું શુટિંગ કરી રહી હતી. ફિલ્મનું શુટિંગ પૂરું થયું એ પછી એને એવો વિશ્વાસ હતો કે આ કેટલૉગનું છેલ્લું છે. પણ ફિલ્મ ફ્લોપ રહી હતી. નવાઈની વાત એ છે કે પાંચ વર્ષ પછી એ ફિલ્મ ડીજીટલ પ્લેટફોર્મ પર આવી ત્યારે બહુ પસંદ કરવામાં આવી હતી. ‘લૈલા મજનૂ’ ફ્લોપ રહ્યા પછી એણે ફરી કેટલૉગનું શુટિંગ કરવાની નોબત આવી હતી. એ પછી અનુષ્કા શર્મા નિર્મિત અને અન્વિતા દત્ત નિર્દેશિત ‘બુલબુલ’ (૨૦૨૦) મળી ત્યારે ઘણાએ તૃપ્તિને એ નાની પીરીયડ હોરર ફિલ્મ કરવા ના પાડી હતી. પરંતુ તૃપ્તિ પાસે કોઈ કામ ન હોવાથી સ્વીકારી લીધી હતી. આ ફિલ્મથી અભિનેત્રી તરીકે નોંધ લેવાઈ હતી. પણ તૃપ્તિ ડિમરીએ ખરી સફળતા માટે રણબીર કપૂર સાથેની ‘એનિમલ’ સુધી રાહ જોવી પડી હતી.
from chitralekha https://ift.tt/8KkIq6e
via
No comments:
Post a Comment