પુસ્તકો હવે વંચાતા નથી. વાંચન ઝડપથી ઘટતું જાય છે. પુસ્તક-પ્રેમીઓની સંખ્યા લઘુમતીમાં આવતી જાય છે. આ પ્રકારની ચોમેરથી પડઘાતી બિહામણી ફરિયાદો વચ્ચે ક્યાંક, કોઇક ખૂણેથી, કોઇના પુસ્તક પ્રેમની નવીનતમ વાત સાંભળવા મળે તો? પછી એ એકલદોકલ વાચકની વાત હોય, સંસ્થાની હોય કે પછી સમુહની હોય, એમાં મજા પડે, પડે ને પડે જ.
વાત જૂની લાગશે, પણ એમાં છવાયેલી પુસ્તક-પ્રેમની સુગંધ હજુ એટલી જ તરોતાજા છે એટલે એને બરાબર પારખજો.
ઇંગ્લેન્ડમાં લંડન શહેરથી લગભગ 130 કિલોમીટરે હેમ્પીશાયરમાં સાઉધમ્પટન નામનું પોર્ટ સિટી આવેલું છે. વર્ષ 1977માં અહીં બેવોઇસ વેલીમાં ‘ઓક્ટોબર બુક’ નામની બુકશોપ શરૂ થઇ. પુસ્તકોના વેચાણની સાથે અહીં બીજી અનેક પ્રવૃત્તિઓ પણ શરૂ થઇ. જેમ આજકાલ તમે કાફેમાં જઇને કોફી પીવાની સાથે બુક વાંચી શકો, લેપટોપ પર તમારું કામ કરી શકો, મિત્રો સાથે ગપ્પાં મારી શકો એમ અહીં પણ તમારી જિજ્ઞાસાને અને જ્ઞાનપીપાસાને સંતોષે એવું વાતાવરણ મળે. આ બુકશોપ અનેક સ્કૂલો સાથે પણ જોડાયેલી છે.
વર્ષ 1981માં આ બુકશોપના સંચાલન માટે રશિયન ક્રાંતિ પછી જે કો-ઓપરેટીવનો યુગ શરૂ થયો એ પ્રમાણે રેડીકલ કો-ઓપરેટીવનું મોડેલ અપનાવવામાં આવ્યું. એટલે કે અહીં બધા સાથે મળીને કામ કરે અને નફાની વહેંચણી પણ બધાએ કરેલા કામના આધારે થાય. પુસ્તકોના શોખીન એવા કેટલાક વોલન્ટીઅર્સ પણ એમાં જોડાયા.
પરંતુ એકવીસમી સદીના પહેલા દાયકા પછી દુનિયાભરમાં સોશિયલ મિડીયાનો પવન ફૂંકાયો એમાંથી આ બુકશોપ પણ બાકાત ન રહી શકી. જે જગ્યા પર ઓક્ટોબર બુક ચાલતી હતી એ ભાડાની હતી અને હવે એ ભાડું પોસાય એમ નહોતું એટલે વર્ષ 2018માં નવી જગ્યા ખરીદવા માટે સંચાલકોએ ફંડ માટે ટહેલ નાખી. લોકોને અને ફાઇનાન્સિયલ સંસ્થાઓને ડોનેશન કે પછી નીચા વ્યાજદરે લોન માટે અપીલ કરી. બધાના આશ્ચર્ય વચ્ચે જોતજોતામાં એમની પાસે 4,87,800 યુરો એકત્ર થઇ ગયા!
આ રકમની મદદથી 189, પોર્ટ્સવુડ રોડ એ સરનામે આવેલા એક બેંકના બિલ્ડીંગમાં બુકશોપ ખસેડવાનું નક્કી થયું. આ બિલ્ડીંગમાં બેંકના સેઇફ ડિપોઝીટ વોલ્ટ હતા એમાં વધારાના પુસ્તકોનો સ્ટોક રાખી શકાય એવી અનુકૂળતા મળી.
પણ મૂળ વાત હવે આવે છે. જે ફંડ ભેગું કર્યું હતું એ તો નવી જગ્યા લેવામાં વપરાઇ ગયું. હવે બુકશોપને ખસેડવાનો જે ખર્ચ આવે એ માટે પણ સંચાલકો પાસે નાણા બચ્યાં નહોતા. કઇ રીતે શિફ્ટ કરવી બુકશોપ?
સંચાલકોએ ફરીથી અપીલ કરી, વોલન્ટીઅર્સને આ કામમાં જોડાવાની. તમે નહીં માનો, પણ જે દિવસે સામાન શિફ્ટ કરવાનો હતો એ દિવસે અઢીસો કરતાં વધુ લોકો બુકશોપ પર ભેગા થઇ ગયા! જૂની શોપથી શરૂ કરીને નવી જગ્યા સુધી બધાએ માનવસાંકળ રચી અને હજારો પુસ્તકો જોતજોતામાં નવી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાઇ ગયા! આ કામમાં જોડાનાર એકેએક જણ ફક્ત ને ફક્ત એક જ કારણથી અહીં આવ્યો હતોઃ પુસ્તક માટેનો પ્રેમ!
સમાન હેતુ માટે રચાતી માનવસાંકળ નવી વાત નથી, પણ પુસ્તકો ખસેડવા માટે કોઇએ સ્વૈચ્છિક રીતે આ રીતે માનવસાંકળ રચી હોય એવી આ અભૂતપૂર્વ ઘટના હતી.
બાય ધ વે, સાઉધમ્પટન શહેર એ જ દરિયાકાંઠે વસેલું છે, જ્યાંથી વર્ષ 1912માં ઐતિહાસિક જહાજ ટાઇટેનિકે એની સફર શરૂ કરી હતી. કમનસીબે, ટાઇટેનિક ડૂબી ગયું, પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ એક બુકશોપને આર્થિક સંકટમાં ડૂબતા બચાવી લીધી!
(તસવીર સૌજન્યઃ October Book)
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
from chitralekha https://ift.tt/6QgvKC7
via
No comments:
Post a Comment