તમારા અસ્તિત્વનું મૂળ હાર્દ ઈશ્વર છે. ઈશ્વરને નિરાકાર કે સાકાર તરીકે જોવા અઘરા છે. નિરાકાર એકદમ અમૂલ્ય હોય છે અને કોઈ એક સ્વરુપમાં ઈશ્વર સાવ મર્યાદિત જણાય છે. માટે કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે છે. પરંતુ નાસ્તિકતા એ વાસ્તવિકતા નથી;એ સગવડીયું છે. જો તમારામાં જાણવાની જીજ્ઞાસા છે અથવા સત્યની શોધમાં છો તો નાસ્તિકતા ટકી શકતી નથી. જો જાણવાની જીજ્ઞાસા હોય તો તમે કોઈક વસ્તુ નથી એમ સાબિત નથી કર્યું તો તેને નકારી ના શકો.
એક નાસ્તિક ઈશ્વર નથી તેવું પહેલા સાબિત કર્યા વગર ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. ઈશ્વર નથી એવું સાબિત કરવા તમારી પાસે અઢળક જ્ઞાન હોવું જોઈએ. જો તમારી પાસે અઢળક જ્ઞાન છે તો તમે ઈશ્વર નથી તેવું સાબિત કરી શકતા નથી! અમુક વસ્તુનું અસ્તિત્વ નથી એવું જો કોઈ વ્યક્તિએ કહેવું હોય તો તેને આખા બ્રહ્માંડ વિશે જાણકારી હોવી જોઈએ. માટે તમે ક્યારેય 100 ટકા નાસ્તિક ના હોઈ શકો.
એક નાસ્તિક એ એવો ઈશ્વરમાં માનવાવાળો છે જે નિંદ્રાધીન છે! હકીકતમાં નાસ્તિક એ એવી વ્યક્તિ છે જેની પાસે ઈશ્વર વિશે એક પરિકલ્પના છે! જો કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે,” હું કશામાં માનતો નથી” તો તેને પોતાના કહ્યામાં વિશ્વાસ હોય છે — એટલે કે તેને પોતાનામાં વિશ્વાસ છે પણ તે પોતાના વિશે તો કંઈ જાણતો હોતો નથી!
નાસ્તિક ક્યારેય સન્નિષ્ઠ ના હોઈ શકે કારણ કે સન્નિષ્ઠતામાં ગહેરાઈની જરૂર હોય છે અને નાસ્તિક ઊંડાણે જવા પ્રતિકાર કરતો હોય છે. એનું કારણ એ છે કે તે જો ઊંડો ઉતરે છે તો તેને એક અવકાશ મળે છે, તમામ શક્યતાઓની સંભાવના- અને તેણે સ્વીકારવું પડે કે એવા ઘણા રહસ્યો છે જેના વિશે તે જાણતો નથી. તેણે પોતાની અજ્ઞાનતા સ્વીકારવી પડે,જે માટે તે તૈયાર હોતો નથી. કારણ કે જે ક્ષણે તે ઈમાનદારીથી પોતાની અજ્ઞાનતા સ્વીકારે છે,ત્યારથી તેને પોતાની નાસ્તિકતા વિશે સંશય થવા લાગે છે.
નાસ્તિક સંશયમુક્ત હોય એ શક્ય જ નથી! માટે, તમે ક્યારેય સન્નિષ્ઠ અને સંશયમુક્ત નાસ્તિક ના હોઈ શકો. તમે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા લાગો છો અને જણાય છે કે તમે ખરેખર નિરાકાર, પોલા અને ખાલી છો. તમારામાંનું અમૂર્ત નિરાકારપણું વધારેને વધારે મજબૂત થતું જાય છે! જ્યારે નાસ્તિકને પોતાના અજ્ઞાન વિશે સભાનતા આવે છે ત્યારે તે ગુરુ પાસે આવે છે.ગુરુ અમૂર્તને વધારે વાસ્તવિક તરીકે બતાવે છે. તમે જેને નક્કર સત્ય માનતા હતા તે વધારે અવાસ્તવિક જણાય છે. સંવેદનશીલતા અને સૂક્ષ્મતા જન્મે છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના ફલક તરીકે પ્રતીત થાય છે. નિરાકાર આત્મા સર્જનના દરેક સ્વરુપમાં પ્રકાશમાન દેખાય છે અને જીવનનું રહસ્ય વધારે ગહેરું બને છે જે નાસ્તિકતાને નષ્ટ કરી નાંખે છે.ત્યાર બાદ યાત્રાનો પ્રારંભ થાય છે,જેના ચાર તબક્કા છે.
પ્રથમ તબક્કો: સારુપ્ય- દરેક સ્વરૂપમાં ઈશ્વરને જોવા એટલે કે, (આકારમાં નિરાકારને જોવું). ઘણી વાર વ્યક્તિને ઈશ્વર કોઈ સ્વરુપ કરતાં નિરાકાર સ્વરૂપે જોવા એ વધારે અનુકૂળ આવે છે કારણ કે તે કોઈ સ્વરુપમાં હોય તો વ્યક્તિને તેમનાથી થોડું અંતર લાગે છે. દ્વૈત જણાય છે, અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ નડે છે. જીવનમાં ગહેરી નિદ્રા અને સમાધિ સિવાય, આપણા બધા આદાન-પ્રદાન કોઈને કોઈ સ્વરુપ સાથે હોય છે. જો આપણે ઈશ્વરને વિવિધ આકારો(સ્વરૂપો)માં જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે. જે લોકો ઈશ્વરને નિરાકાર તરીકે સ્વીકારે છે તેઓ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. કદાચ ઈશ્વર કરતાં એ સંજ્ઞાઓને વધારે પ્રેમ કરે છે! જો ઈશ્વર ઉપસ્થિત થઈને કોઈ ખ્રિસ્તીને ક્રોસ અથવા કોઈ મુસલમાનને અર્ધચંદ્ ત્યજી દેવાનું કહે તો કદાચ તેઓ તેવું નહીં કરે! આરંભમાં માત્ર સ્વરૂપો(સાકાર) થકી જ નિરાકારને સ્વીકારવાનું શક્ય છે.
બીજો તબક્કો: સામિપ્ય- (નજીકપણું),એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરેલા સ્વરૂપની એકદમ નજીક હોવાનું અનુભવે અને અંતે નિરાકાર તરફના પ્રયાણમાં પરિણમે છે. આ અનુભવ સમસ્ત સર્જન સાથે ગાઢ સંબંધ હોવાનો ભાવ આપે છે. આ અવસ્થામાં વ્યક્તિ અસ્વીકારના અને અન્ય ડરથી મુક્ત થાય છે. આ અવસ્થા સમય અને અવકાશના સંદર્ભ સાથે જોડાયેલી હોય છે.
ત્રીજો તબક્કો: સાનિધ્ય- એટલે કે ઈશ્વરની એવી મોજુદગીનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને અવકાશની મર્યાદાઓને પાર કરી જાવ છો.
ચોથો અંતિમ તબક્કો: સાયુજ્ય- જેમાં વ્યક્તિ ઈશ્વર સાથે અચલપણે સંકળાયેલી હોય છે. એ અવસ્થામાં વ્યક્તિને આપણું ઈશ્વર સાથે એકરૂપ હોવાનું સમજાય છે. એ આ પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ એકાકાર થઈ ગયેલી હોય છે અને તમામ દ્વૈતભાવ અદ્રશ્ય થઈ જાય છે.
તમારા ઈશ્વરને સાંભળો! સંશયો, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા તમારા મનમાં રહેલા નાસ્તિકો છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
from chitralekha https://ift.tt/G8hlcbu
via
No comments:
Post a Comment