Latest

Sunday, November 3, 2024

સ્વસ્થચિત્ત સાથેની વ્યૂહરચના : વિજયનું પહેલું પગથિયું

યુદ્ધ સેનાપતિના મગજમાં લડાય છે. ગીતાજી મેનેજમેન્ટના આ સિદ્ધાંતને ઉજાગર કરે છે. આયોજન શ્રીકૃષ્ણનું છે અને એનું અમલીકરણ અર્જુનના હાથમાં છે અને યુદ્ધ સમયે જીતવું અગત્યનું છે, સિદ્ધાંતો નહીં, એ ન્યાયે શ્રીકૃષ્ણ જેના રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું છે એવા નિઃશસ્ત્ર કર્ણ પર હુમલો કરી એને મારી નાખવા અર્જુનને ઉશ્કેરે છે. તે રીતે ક્યારેય અધર્મ નહીં આચરનાર કે જૂઠ્ઠું નહીં બોલનાર ધર્મરાજ યુધિષ્ઠિર પાસે તે દિવસના સેનાપતિ દ્રોણાચાર્યને હતાશ કરી નાખવા, ‘નરો વા કુંજરો વા, અશ્વત્થમા મુઆ.’ એવું અર્ધસત્ય બોલાવે છે.

આ શાંત અને સ્વસ્થ ચિત્તે ઠંડા કલેજે લેવાયેલા નિર્ણયો બાજી પાંડવોની તરફેણમાં પલટાવે છે. કોઈ પણ કસોટી અથવા યુદ્ધમાં સેનાપતિએ મગજ પર બરફ રાખીને નિર્ણયો લેવાના હોય છે. લાગણી, આવેગ અથવા ઉશ્કેરાટ કે ગુસ્સામાં લીધેલ નિર્ણય એક નાની-સી ભૂલના કારણે જીતની બાજી પલટાવી દે છે. એટલા માટે જ 90 રન કર્યા બાદ સદી પાર કરતાં પહેલાંનો સમય ‘નર્વસ નાઇન્ટીઝ’ કહેવાતો હશે, નહીં?

આંતરિક શક્તિ, સ્થિર અને શાંત મગજ અને તટસ્થતાપૂર્વક નિર્ણય લેવાની શક્તિ આજે પણ મેનેજર માટે પ્રતિસ્પર્ધી ઉપર જીત મેળવવા માટેના મહત્ત્વના હથિયારો છે. પરિસ્થિતિ દોરે તે પ્રમાણે નહીં પણ સ્વસ્થતાથી ગમે તેવા તણાવ વચ્ચે યોગ્ય નિર્ણય લેવાની સ્વસ્થતા જરૂરી છે.

આમ, આજના મેનેજરે તો સારથિ એટલે કે કૃષ્ણ અને અર્જુન એટલે કે યોદ્ધા, બંનેનો રોલ પોતાનામાં આત્મસાત્ કરવાનો છે. આજનો મેનેજર કદાચ એ રીતે અર્જુન કરતાં વધુ સહાનુભૂતિને પાત્ર છે, ખરું ને?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)



from chitralekha https://ift.tt/XIhyk0Z
via

No comments:

Post a Comment

Pages